રાતનું અંધારું, બંન્ને બાજુથી ટ્રેનો આવતાં રેલવે કર્મચારીઓએ જીવ ગુમાવ્યા

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
રાતનું અંધારું, બંન્ને બાજુથી ટ્રેનો આવતાં રેલવે કર્મચારીઓએ જીવ ગુમાવ્યા 1 - image


3 કર્મચારીના મોત ના કિસ્સામાં તપાસ અહેવાલ

ટ્રેક નજીક ઇમરજન્સી રેફ્યુઝ, કર્મચારીઓને નજીકની ટ્રેન અંગે એલાર્મ સહિતની ભલામણા

મુંબઇ  :  વસઇ રોડ અને નાયગાંવ સ્ટેશનો વચ્ચે ૨૨મી જાન્યુઆરીના રોજ લોકલ ટ્રેનની અડફેટે આવી જતાં મુંબઇ ડિવિઝનના ત્રણ રેલવે કર્મચારીઓના મૃત્યુ બાદ રચાયેલી જુનિયર એડમિનિસ્ટ્રેટ્વિ ગ્રેડ (જેએજી) લેવલની કમિટીના તપાસ અહેવાલમાં તારણ કાઢવામાં આવ્યું હતું કે જીવલેણ દુર્ઘટના પાછળ બહુવિધ પરિબળો હતાં. જેમ કે અકસ્માત વખતે રાતનો સમય હતો અને બન્ને બાજુથી ટ્રેનની અવરજવરને કારણે  મૂંઝવણ પેદા થઇ હતી.

તપાસ અહેવાલ મુજબ રાતના સમયે ટ્રેન અચાનક અપ દિશામાંથી આવી હતી. કર્મચારીઓને  બીજી લાઇન પર જવા માટે પૂરતો સમય મળી શક્યો નહીં કારણ કે તે વખતે  ત્રણેય લાઇનો પરથી ટ્રેનો આવતી જતી હોવાથી તેઓ મૂંઝાઇ ગયા હતા કોઇ પણ બાજુએ ગયા હોત તો તેમનો અકસ્માત થયો હોત એવી સ્થિતિમાં મૂકાઇ ગયા હતા. આ અકસ્માત માટે આ તમામ કારણો જવાબદાર ઠેરવાયાં છે. કોઈ વ્યક્તિ કે સિસ્ટમ જવાબદાર નહીં હોવાનું જણાવાયું છે. 

અહેવાલમાં આવી દુખદ ઘટનાઓ ટાળવા માટે ટ્રેક પર કામ કરતી વખતે રખાતી તકેદારીઓમાં સુધારો કરવા નવ ભલામણો કરવામાં આવી છે. જે અનુસાર ટ્રેકની નજીક ઇમરજન્સી રેફ્યુજ સ્પોટ સાથે સુરક્ષિત રસ્તો બનાવવાની સલાહ અપાઇ છે. સિગ્નલ રિપેરિંગ કે જાળવણી કામો હાથ ધરવા યાર્ડમાં જ્યારે સ્ટાફ આવે ત્યારે તેમની હિલચાલ પર નજર રાખવા એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે. માણસોની અછતને પહોંચી વળવા સ્ટાફની ભરતીનું સૂચન અને ફિલ્ડમાં કામ કરતા સ્ટાફ માટે નજીક આવતી ટ્રેનની આગોતરી ચેતવણી માટે કોઇ ટેકનોલોજી ગોઠવવામાં આવે. 

આવતી ટ્રેન માટે અગર મોટર મેન લાઇટને ઝાંખી કરે તો કેસમાં અન્ય એક લાઇટની  જોગવાઇ હોવી જોઇએ, જેથી ડયુટી પરનો સ્ટાફ તેને જોઇ શકે. તેમ જ આ પ્રકારના સ્ટાફના રેટ્રોરીફલેક્ટિવ જેકેટ પણ ચળકતા દેખાય. રેલવે  તરફથી કહેવામાં આવ્યું છે કે કમિટીની ભલામણોને ગંભીરતાથી પાળવામાં આવશે (તદુપરાંત રીપોર્ટમાં એવો પણ દાવે કરવામાં આવ્યો છે કે ઘટનાના પ્રથમ સાક્ષી મોટરમેન રાજારામ ઝીણાએ કહ્યું હતું કે ૯૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડનારી ટ્રેનને લીધે તેને ટ્રેક પર રહેલા કર્મચારીઓને સાવચેત કરવાનો સમય ઓછો મળ્યો હતો પણ તેણે કર્મચારીઓને જોઇને તરત જ હોર્ન વગાડયું હતું અને ઇમરજન્સી બ્રેક મારી હોવા છતાં ટ્રેન અટકે તે પહેલાં જ કર્મચારીઓ ટ્રેન નીચે કચડાઇ ગયા હતા જોકે કમિટીના કહ્યા મુજબ તે કેસમાંથી હોર્ન વગાડવા અંગેના સાક્ષીના દાવાને ચકાસી શકી નથી. કારણ કે તેની પાસે કોઇ ડિજિટલ રેકોર્ડ નથી.



Google NewsGoogle News