સીએ ફાઈનલમાં મુંબઈના 2 વિદ્યાર્થીઓ દેશમાં 3જા ક્રમાંકે ઝળક્યાં

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
સીએ ફાઈનલમાં મુંબઈના 2 વિદ્યાર્થીઓ દેશમાં 3જા ક્રમાંકે ઝળક્યાં 1 - image


પ્રથમ પ્રયાસમાં જ બંને સીએ ફાઈનલ પાસ

સીએ ઈન્ટરમીડિએટમાં ટોપ-3માં 5માંથી 4 મહારાષ્ટ્રના  અને 3 મુંબઈના વિદ્યાર્થીઓ, છોકરાઓએ બાજી મારી

મુંબઇ :  ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા ગુરુવારે સીએ ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઈની કિરણ રાજેન્દ્રસિંહ મનરાલ અને નવી મુંબઈનો ખિલમાન સલીમ અન્સારી આ બંને રાષ્ટ્રીય સ્તરે ત્રીજા ક્રમે આવેલ છે. બંને વિદ્યાર્થીઓએ ૬૦૦માંથી કુલ ૪૭૭ માર્ક્સ મેળવ્યાં છે.

મનરાલ અને અન્સારી બંને મુંબઈની એચઆર કૉલેજના વિદ્યાર્થીઓ છે અને તેઓ ટોપ ૫૦માં આવવાની અપેક્ષા રાખતાં હતાં. જોકે બંને વિદ્યાર્થીઓએ બી.કોમનો અભ્યાસ ચાલું રાખી સીએનો અભ્યાસ કર્યો હતો અને બંને ત્રીજા રેન્કના સંયુક્ત ભાગીદાર બન્યાં છે. ખાસ તો એ કે આ બંને વિદ્યાર્થીઓનો આ પ્રથમ પ્રયાસ હતો.

સીએ ફાઈનલ પરીક્ષા મે, ૨૦૨૪માં લેવાઈ હતી. જેમાં ૧,૧૬,૦૭૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી દિલ્હીના શિવમ મિશ્રા (૫૦૦/૬૦૦) અને વર્ષા અરોરા (૪૮૦/૬૦૦) બંને વિદ્યાર્થીઓ દેશમાં અનુક્રમે પ્રથમ અને બીજા નંબરે આવ્યાં છે.

આઈસીએઆઈએ ઈન્ટરમીડિએટનું પણ પરિણામ જાહેર કર્યું છે. જેમાં ટોપ૩ રેન્કમાં પાંચ વિદ્યાર્થીઓમાંથી ચાર મહારાષ્ટ્રના છે અને તે ચારમાંથી પાછા ત્રણ મુંબઈ મહાનગરના છે. ભિવંડીના કુશાગ્ર રૉયે ૬૦૦માંથી ૫૩૮ માર્ક સાથે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તો અકોલાના યુગ કારિયા અને ભાયદરના યજ્ઞા ચંદકે ૫૨૬ માર્ક મેળવી બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે નવી દિલ્હીના મનિત ભાટીયાએ     મુંબઈના હિરેશ કાશીરામકા સાથે ૫૧૯ માર્ક્સ સાથે સંયુક્તપણે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.



Google NewsGoogle News