ટ્રાફિક ગીચતાની દ્રષ્ટિએ બેંગલૂરુ પ્રથમ, મુંબઇ બીજા ક્રમે
સવારે 8 વાગે ઓછો ટ્રાફિક જ્યારે 6 વાગે સૌથી વધુ
પબ્લિક ટ્રાન્સપોર્ટને વિકસાવવાથી રોડ પર વાહનોની સંખ્યા ઘટશે અને ગીચતા ઓછી થશે
મુંબઇ : ભારતના શહેરોમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા શહેરોમાં મુંબઇ બીજા ક્રમે છે. મુંબઇનો ટ્રાફિક ક્વોલિટી ઇન્ડેક્સ (ટીક્યુઆઇ) ૭૮૭ છે. વાહનની ઝડપ, વાહનોની સંખ્યા, અકસ્માતોની સંખ્યા અને ટ્રાફિક મેનેજમેન્ટની ગુણવત્તા વિગેરે પરિણામોને આવરી લઇને ટ્રાફિક ઇન્ડેક્સ ગણવામાં આવે છે.
ટ્રાફિકકન્જેશનના રેન્કિંગમાં બેંગ્લુરુ પ્રથમ ક્રમે છે. બેંગ્લુરુનો ટીક્યુઆઇ ૮૦૦થી ૧૦૦૦ વચ્ચે જ્યારે મુંબઇનો ટીક્યુઆઇ ૭૮૭, દિલ્હીની ૭૪૭, અને હૈદ્રાબાદનો ૭૧૮ છે. આ વર્ષના ફેબુ્રઆરીમાં એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પુણે અને બેંગ્લુરુમાં ટ્રાફિકની ગીચતા સૌથી વધુ હતું. વર્ષ ૨૦૨૩માં બેંગ્લુરુમાં પ્રતિ દશ કિલોમીટરનો પ્રવાસ કરવાનો સરેરાશ સમય ૨૮ મિનિટ ૧૦ સેકન્ડ હતો જ્યારે પુણેનો ૨૭ મિનિટ ૫૦ સેકન્ડ હતો. તેવું આંતરરાષ્ટ્રીય સર્વે રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૨૩માં પુણે ભારતનું છઠ્ઠુ સૌથી વધુ કન્જેસ્ટેડ શહેર હતું જેમાં દસ કિલોમીટરનું અંતર કાપવામાં ૩૪ મિનિટ થયા હતા. આ દિવસ ૮ સપ્ટેમ્બર, ૨૦૨૩નો હતો. દિલ્હીમાં સરેરાશ આટલું જ અંતર કાપવામાં ૨૧ મિનિટ ૪૦ સેકન્ડ જ્યારે મુંબઇમાં ૨૧ મિનિટ ૨૦ સેકન્ડ થયા હતા.
એક ખાનગી કંપનીએ મોબિલિટી સિમ્પોઝિયમનું આયોજન કર્યું હતું તેમાં કન્ડેસ્ટેડ શહેરોની વિગતો જણાવવામાં આવી હતી. સવારે ૮ કલાકે બેંગ્લુરુમાં સૌથી ઓછો ટ્રાફિક અને સાંજે ૬ કલાકે સૌથી વધુ ટ્રાફિક હોય છે તેવું જણાવવામાં આવ્યું હતું.
ચર્ચા દરમિયાન એક ઉચ્ચ પોલીસ અધિકારીએ કહ્યું કે બેંગ્લુરુમાં અમે ૯૦૦૦ સીસીટીવી કેમેરા લગાડયા છે અને ડેટાને મેપ-આધારિત સોફ્ટવેર સર્વિસમાં ફીડ કરવામાં આવે છે તેમ છતાં પીક અવર્સ અને ચોમાસા દરમિયાન ટ્રાફિક કન્જેશન ઘટાડી શકતા નથી. એક ટ્રાફિક નિષ્ણાતે કહ્યું કે ટનલ રોડ, એલિવેટેડ કોરિડોર વધુ બાંધવા એ એક હંગામી ઉકેલ નિવડી શકે છે. હાલના સમયમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ વિકસાવવાની જરૃર છે. બસની સંખ્યા બમણી કરવાથી ખાનગી વાહનો ઘટશે અને રાહત મળી શકે છે.