દાઉદ ગેંગ સાથે સાંઠગાંઠના આરોપી નવાબ મલિક અજિત પવારના ટેકામાં

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
દાઉદ ગેંગ સાથે સાંઠગાંઠના આરોપી નવાબ મલિક અજિત પવારના ટેકામાં 1 - image


- અજિતે પંચમાં આપેલી ટેકેદાર ધારાસભ્યોની યાદીમાં 42મું નામ મલિકનું

- શરદ પવાર જૂથે અજ્ઞાન દર્શાવ્યું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટે દાઉદની ગેંગ સાથે આર્થિક વ્યવહારના આરોપી ગણાવેલા મલિક મહારાષ્ટ્રમાં ટ્રેઝરી બેેંચમાં બેસી શકે

મુંબઈ : ચૂંટણી પંચમાં અસલી એનસીપી કોની છે તે બાબતે શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથ વચ્ચે શરુ થયેલી લડાઈમાં અજિત પવારે પોતાને ૪૨ ધારાસભ્યોનો ટેકો હાવોનો દાવો કર્યો છે. તેમાં ૪૨મા ધારાસભ્ય દાઉદ ગેંગ સાથે પ્રોપર્ટી સોદાઓના આરોપી ધારાસભ્ય નવાબ મલિક હોવાનું જણાવાઈ રહ્યું છે. ૅજોકે, નવાબ મલિકને રાજકીય નિવેદનો કે મીડિયા સાથે વાતચીતની મંજૂરી નહીં હોવાથી તેમનું ચોક્કસ વલણ ક્યારેય જાહેર થયું નથી. પરંતુ, જો અજિત પવારનો દાવો સાચો હોય તો ભવિષ્યમાં કેન્દ્રનાં એન્ફોર્સમેન્ટ  ડિરેક્ટોરેટે જેમને દાઉદ ગેંગ સાથે આર્થિક વ્યવહારાના આરોપી દર્શાવ્યા છે તેવા ધારાસભ્ય મહારાષ્ટ્ર વિધાનસભાની ટ્રેઝરી બેન્ચ પર જોવા મળી શકે છે. 

 એનસીપીમાં ભાગલા પડયા ત્યારે નવાબ મલિક કોના તરફી રહેશે તે અંગે અટકળો વ્યક્ત થઈ હતી. નવાબ મલિકનો  આરોગ્યનાં કારણોસર જામીન પર છૂટકારો થયો ત્યારે શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથ બંનેના નેતાઓ તેમની ખબર કાઢવા પહોંચ્યા હતા. જોકે, કહેવાય છે કે નવાબ મલિકે પોતે બંને જૂથો વચ્ચેની લડાઈમાં તટસ્થ છે એવું વલણ અપનાવ્યું હતું. નવાબ મલિકને કોઈ રાજકીય નિવેદનો કે મીડિયા સાથે વાતચીત નહીં કરવા જણાવાયું છે. આથી તેમનાં વલણની સ્પષ્ટ જાણ થઈ શકી નથી. 

દરમિયાન, ચૂંટણી પંચ સમક્ષ ગઈ તા. છઠ્ઠી ઓક્ટોબરે થયેલી સુનાવણીમાં નવાબ મલિક સહિત ૪૨ ધારાસભ્યોનો પોતાને ટેકો હોવાનો દાવો અજિત પવારે  કર્યો હોવાનું જાણવા મળે છે. તેના આધારે નવાબ મલિક તટસ્થતા છોડી અજિત પવાર છાવણી તરફ ઢળ્યા હોવાનું વાત પણ ચર્ચાઈ રહી છે. 

નવાબ મલિક સામે દાઉદ ગેંગના સાગરિતની બજાર ભાવ કરતાં સસ્તા ભાવે ખરીદી લઈ તેને નાણાંની હેરફેરમાં મદદ કરવાનો આરોપ કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા લગાવવામાં આવ્યો છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગના કેસમાં તેમની ધરપકડ થઈ ચૂકી છે અને તેઓ હાલ આરોગ્યના કારણોસર જામીન પર મુક્ત છે. 

નજીકના ભવિષ્યમાં કદાચ નવાબ મલિક માટે ધારાસભ્યો તરીકે વિધાનસભા ગૃહમાં હાજરી આપવાનું થાય તો તેઓભાજપ સહિતના સત્તાધારી દળની ટ્રેઝરી બેન્ચ પર બેઠેલા જોવા મળી શકે છે એમ રાજકીય વર્તુળોમાં ચર્ચાય છે. 

દરમિયાન, નવાબ મલિક અજિત પવાર જૂથના ટેકામાં હોવા વિશે પૂછાતાં શરદ પવાર જૂથના નેતા જયંત પાટીલે કહ્યું હતું કે અમને આ વિશે કોઈ ખ્યાલ નથી. અમને આ વિશે કોઈ માહિતી નથી. અદાલતે નવાબ મલિકને આરોગ્યના કારણે જામીન આપ્યા છે. તેમને મીડિયા સાથે વાત નહીં કરવા જણાવાયું છે. આથી, નવાબ મલિકે કોઈ પ્રકારનું રાજકીય નિવેદન પણ આપ્યું નથી. નવાબ મલિકે ખરેખર પોતાના ટેકા અંગેનું સોગંદનામું કોઈને આપ્યું છે કે નહીં તે વિશે પણ અમને ખબર નથી. 


Google NewsGoogle News