સિદ્દીકીની હત્યામાં પુત્ર ઝીશાને પોલીસને બિલ્ડરો, રાજકારણીનાં નામ આપ્યા
ઝૂંપડાંવાસીઓના હિત માટે લડતા હોવાથી દુશ્મનો વધ્યા હતા
ભાજપના મોહિત કંબોજનો ખુલાસોઃ સિદ્દિકી સાથે સારા સંબંધ હોવાથી સતત સંપર્કમાં હતા , હત્યાના દિવસે પણ વાત થઈ હતી
મુંબઈ - ભૂતપૂર્વ વિધાનસભ્ય ઝીશાન સિદ્દીકીએ પોતાના પિતા અને અન ેસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યામાં તપાસ દરમ્યાન બાંદરામાં ચાલી રહેલા સ્લમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના મુદ્દાને પણ ધ્યાનમાં લેવાનું પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે. આ નિવેદનમાં ઝીશાને કેટલાંક બિલ્ડરો અને રાજકારણીના નામ પણ આપ છે. ઝીશાને નિવેદનમાં ભાજપના નેતા મોહિત કંબોજના નામનો પણ ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ઘટના સમયે છેલ્લે મોહિત કંબોજ સાથે તેમની વાત થઈ હતી. કંબોજે જોકે ઝીશાનનું નિવેદન મીડિયાએ તોડીમરોડીને ચગાવ્યું હોવાનું કહીને બાબા સિદ્દીકી સાથે વર્ષોથી પોતાના સારા સંબંધો હોવાનું જણાવ્યું હતું.
પોલીસને આપેલા નિવેદનમાં ઝીશાને એમ પણ જણાવ્યું છે કે અમુક સમયે ડેવલપરોએ પિતા સામે અભદ્ર ભાષાનો પણ પ્રયોગ કરેલો હતો. ઘણા ડેવલપરો રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે પિતાના સંપર્કમાં હોવાનો ઝીશાને દાવો કર્યો હતો. ઝીશાનનું આ નિવેદન પોલીસે દાખલ કરેલા આરોપનામામાં સમાવિષ્ટ કર્યું છે.
ઝીશાને પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેના પિતા બાંદરાના ઝૂંપડાંવાસીઓના અધિકાર માટે સતત લડતા હતા. પિતાને રોજ ડાયરી લખવાની ટેવ હતી. હત્યાના દિવસે સાંજે ૫.૩૦ વાગ્યાથી ૬.૦૦ વાગ્યા દરમ્યાન ભાજપના નેતા મોહિત કંબોજે વોટ્સ એપ દ્વારા તેમનો સંપર્ક કર્યો હતો.બાંદરામાં મુંદ્રા બિલ્ડર્સના પ્રોજેક્ટ સંબંધે મોહિત પિતાને મળવા માગતા હતા, એમ ઝીશાને પોલીસને જણાવ્યું હતું.
એક બિલ્ડરે કેટલાંક લોકો સાથેની એસઆરએ રિડેવલપમેન્ટ પ્રોડેક્ટ સંબંધી બેઠકમાં પિતા માટે અપશબ્દો વાપર્યા હતા. આ બધી બાબતોની વિસ્તારથી તપાસ કરવામાં આવે એવી વિનંતી છે, એમ ઝીશાને પોલીસને જણાવ્યું હતું.
બાંદરા પૂર્વમાં પુત્ર ઝીશાનની ઓફિસની બહાર બાબા સિદ્દીકી પર ત્રણ હુમલાખોરોએ ગોળીબાર કરીને હત્યા કરી હતી. પોલીસે ૪૫૦૦ પાનાનું આરોપનામું વિશેષ મકોકા કોર્ટમાં દાખલ કર્યું છે. આ કેસમાં અત્યાર સુધી ૨૬ની ધરપકડ થઈ છે. શુભમ લોણકર, યાસિન અખ્તર અને અનમોલ બિશ્નોઈ ફરાર દર્શાવાયા છે.આરોપીઓ સામે મકોકા કાયદો લાગુ કરાયો છે અને હાલ અદાલતી કસ્ટડીમાં છે.
દરમ્યાન મોહિત કંબોજે ઝીશાન સિદ્દીકીના નિવેદન બાદ જાહેરમાં ખુલાસો કર્યો છે. કંબોજે નિવેદનમાં જણાવ્યું છે કે ઝીશાન સિદ્દીકીના નિવેદનને તોડી મરોડીને પ્રસારમાધ્યમ રજૂ કરી રહ્યું છે. આરોપનામામાં મારું નામ જ નથી. જે દિવસે બાબા સિદ્દીકીની હત્યા થઈ તે દિવસે મારી તેમની સાથે વાત થઈ હતી. ગત ૧૫ વર્ષથી મારા અને બાબા સિદ્દીકીના સંબંધો સારા રહ્યા છે. સપ્તાહમાં બે ચાર વાર અમારી વચ્ચે વાતચીત થતી હતી. તેમની હત્યાના સમાચારથી મને પણ આઘાત લાગ્યો છે, અમે બંને બાંદરાના રહેવાસી છીએ, આથી અમારી રાજકીય, બિનરાજકીય અને બાંદરાના વિકાસ સંબંધે વાતો થતી રહેતી હતી.
બાબા સિદ્દીકી મહાયુતિના સભ્ય હતા, હું પણ મહાયુતીમાં છું, આથી અમારે અનેક વિષય પર વાત થતી હતી, પણ ઝીશાનના નિવેદનના એક બે મુદ્દા લઈને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યા છે.આ પ્રકારનાં મીડિયા કવરેજનો ે હું વિરોધ કરું છુ. ક્રાઈમ બ્રાંચને પણ વિનંતી કરું છું કે પકડાયેલા આરોપી સામે કડક કેસ દાખલ કરો. આરોપીને કઠોર સજા થવી જોઈએ. હત્યા પાછળનું સત્ય જાહેર કરવાની પોલીસને વિનંતી કરું છું.