રત્નાગિરીમાં ખલાસીએ માનસિક સંતુલન ગુમાવી ટંડેલનું માથું વાઢી નાંખ્યું
દેવગઢના દરિયા કિનારે ચોંકાવનારી ઘટના બની
બોટને આગ ચાંપી દીધી : કોસ્ટ ગાર્ડની મદદથી 30થી 35 વ્યક્તિના જીવ બચાવી લેવાયા
મુંબઈ : રત્નાગિરી જિલ્લાના દેવગઢના દરિયા કિનારે બનેલી એક ચોંકાવનારી ઘટનામાં માછીમારી માટે નીકળેલા એક ખલાસીએ માનસિક સંતુલન ગુમાવ્યા બાદ ગુસ્સામાં ટંડેલનું માથું વાઢી નાંખ્યું હતું. ત્યારબાદ ટંડેલનું કાપેલું માથું બોટ પર મૂકી બોટને આગ લગાવી દીધી હતી. જેમાં બોટ પર સવાર ૩૦થી ૩૫ વ્યક્તિના જીવ જોખમમાં મૂકાયા હતા. આ ઘટના બાદકોસ્ટ ગાર્ડની મદદથી બોટમાં ફસાયેલા ૩૦થી ૩૫ વ્યકિતના જીવ બચાવવામાં આવ્યા હતા.
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર રત્નાગિરી જિલ્લાના દેવગઢમાં આ વર્ષે માછીમારી માટે મોટા પ્રમાણમાં બોટનું આગમન થયું હતું. જેમાં રત્નાગિરીના રાજીવડાથી રફિક ફણસોપકરની બોટ પણ અહીં માછીમારી માટે આવી હતી. આ દરનિયાન, બોટ પર ઘણા ખલાસીઓ હાજર હતા જેમાંતી એક ખલાસીનું માનસિક સંતુલન બગડતા તેણે અચાનક ટંડેલ પર હુમલો કરી દીધો હતો અને તેનું માથું વાઢી દીધું હતું. આટલેથી ન અટકતા તેણે ટંડેલનું વોલું માથું બોટ પર મૂકી સમગ્ર બોટને આગ ચાંપી દીધી હતી. જોતજોતામાં આગે વિકરાળ રૃપ પકડી લીધું હતું. આ સમયે આજુબાજુના બોટ પર હાજર લોકોએ ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓતેમને બચાવી ન શકતા કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવતા કોસ્ટગાર્ડની ટીમે ઘટના સ્થળે દોડી આવી બોટમાં ફસાયેલા ૩૦થી ૩૫ ખલાસીઓના જીવ બચાવ્યા હતા.
આ ઘટનામાં મોતને ભેટેલ ટંડેલ જયગઢનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે તેની કરપીણ હત્યા કરનાર ખલાસીનું નામ જાણી શકાયું નથી.