પુણેમાં શ્વાનને નિર્દયતાથી માર મારી ઝાડ પર ફાંસો આપી દીધો
શ્વાનને હડકવા હોવાથી કૃત્ય આચર્યાનું અનુમાન
સોશિયલ મીડિયા પર ભારે ઉહાપોર બાદ પોલીસે શ્વાન માલિક સામે કેસ નોંધ્યો
મુંબઈ : પુણેના મુળશી વિસ્તારમાં શ્વાનને લાકડી વડે નિર્દયતાથી માર માર્યા બાદ ઝાડ પર ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા. પોલીસે આ મામલે શ્વાનના માલિક સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
વિગત મુજબ, આ ઘટના મુલશીના પિરંગુટ વિસ્તારમાં બની હતી. જેમાં પ્રભાવતી જગતાપ અને તેના પુત્ર ઓમકાર જગતાપ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ સમગ્ર ઘટનાની વિગતો વાયરલ થતાં ભારે ઉહાપોહ મચ્યો હતો.
આ બાદ, પ્રાણી પ્રેમી મિશન પોસિબલ ફાઉન્ડેશનના કાર્યકર્તા પદ્મિનીએ આ અંગે પુણે ગ્રામીણ પોલીસનો સંપર્ક કર્યો હતો અને માતા પુત્ર સામે કેસ નોંધ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ૨૨ ઓક્ટોબરના પ્રભાવતીએ કથિત રીતે તેના પાલતું લેબ્રાડોરને લાકડી વડે નિર્દયતાથી માર માર્યો હતો. આ બાદ ઓમકારે લેબ્રાડોરને ઝાડ પર ગળેફાંસો આપીને લટકાવી દીધો હતો.
આ ઘટના પહેલા જગપાત પરિવારે શ્વાનને પશુચિકિત્સક પાસે લઈ ગયા હતા. જેમાં શ્વાન પર હડકવા સહિતના કેટલાક રોગોનું પરિક્ષણો કરવામાં આવ્યું હતું. તો આ મામલે શ્વાનને હડકવા હોવાથી તેઓએ તેને મારી નાખ્યો હોવાનું અનુમાન છે.
ફરિયાદીએ વધુમાં જણાવતા આ અગે કહ્યું હતું કે, પશુચિત્સિકના પરીક્ષણ બાદ જગતાપ પરિવારે પિંપરીના પ્રાણી પ્રેમીને સંપર્ક કર્યો હતો અને ઘરેથી આ શ્વાનને લઈ જવા કહ્યું હતું. જો કે, બાદમાં પરિવારે શ્વાનને ઝાડ પર ગળેફાસો આપેેલી તસ્વીરો પ્રાણી પ્રેમીને મોકલી હતી. જેથી પ્રાણી પ્રેમીઓ તરત જ જગપાત પરિવારના ઘરે પહોંચ્યા હતા. જ્યા શ્વાન ઝાડ પર ગળેફાંસો આપેલી સ્થિતિમાં મળી આવ્યો હતો.
ફરિયાદના આધારે પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા અને પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.