પુણેમાં 16 વર્ષના તરુણે વૉટર ટેન્કર ચલાવીને સ્કૂટર અને રાહદારીને અડફેટમાં લીધા

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
પુણેમાં 16 વર્ષના તરુણે વૉટર ટેન્કર ચલાવીને સ્કૂટર અને રાહદારીને અડફેટમાં લીધા 1 - image


પોર્શે કાર કાંડનું પુનરાવર્તન કરતી ઘટના

અકસ્માતમાં કુસ્તીની પ્રેકટીસ કરવા જઇ રહેલી બે યુવતી જખમીઃ તરુણની અટકાયત, પિતા અને ટેન્કરના માલિકની ધરપકડ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ: પુણેના ૧૭ વર્ષીય તરુણના પોર્શે કાર અકસ્માતના ચકચારજનક કેસની તપાસ હજી સુધી ચાલી રહી છે. ત્યાં પુણેના  કોંઢવામાં ૧૬ વર્ષીય કિશોરે નિયમોનું ઉલ્લંઘન કરીને વૉટર ટેન્કર ચલાવીને સ્કૂટરને અડફેટમાં લેતા કુસ્તીની પ્રેકટીસ માટે જઇ રહેલી બે યુવતીને ઇજા થઇ હતી. પછી સ્થાનિક લોકોએ કિશોરને પકડીને પોલીસના તાબામાં સોપી  દીધો હતો. જ્યારે તરુણના પિતા અને વૉટરટેન્કરના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે.

પુણેના એનઆઇબીએમ રોડ પર આજે સવારે ૬.૩૦ વાગ્યે આ ઘટના બની હતી. કોંઢવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પાટીલે જણાવ્યું હતું કે આ મામલામાં સંબંધિત કલમ હેઠળ કેસ નોંધી ૧૬ વર્ષીય કિશોરને પકડવામાં આવ્યો છે. જ્યારે તેના પિતા શબ્બીર પઠાણ, ટેન્કરના માલિક મહિન્દ્ર બોરાટેની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી તરુણ ટેન્કર લઇને પાણી પહોંચાડવા જઇ રહ્યો હતો. ટેન્કરના  માલિકે આજે સવારે કોઇ ડ્રાઇવર હાજર નહોતું. આથી આ કિશોરને વૉટર ટેન્કર ચલાવવા આપ્યું હોવાનું કહેવાય છે. છોકરાએ વાહન પરથી નિયંત્રણ ગુમાવતા સ્કૂટરને ટક્કર મારી હતી. સ્કૂટર પર યુવતીઓ કુસ્તી માટે પ્રેકટીસ કરવા જઇ રહી હતી.

અકસ્માતમાં બે યુવતીઓને  નજીવી ઇજા થઇ હતી તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકો જમા થઇ ગયા હતા. તેમણે કિશોરને પકડી લીધો હતો. આ બનાવની માહિતી મળતા પોલીસ પણ તપાસ માટે પહોંચી ગઇ હતી. બાદમાં તેમણે જરૂરી કાર્યવાહી કરી હતી.

પુણેના કલ્યાણી નગરમાં ગત ૧૯મેના રોજ ૧૭ વર્ષીય કિશોરે દારૂના નશામાં બેફામપણે પોર્શે કાર દોડાવીને બાઇકને ટક્કર મારતા બે જણ મોતના મુખમાં ધકેલાય ગયા હતા. આ કેસથી સંપૂર્ણ રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો.

કિશોરના માતા, પિતાએ હોસ્પિટલમાં પુત્રના લોહીના નમૂના બદલી કર્યા હતા. જ્યારે તેના દાદાએ ડ્રાઇવરને  પોતે કાર ચલાવતો હોવાનું કબૂલ કરવા અપહરણ કરી બે દિવસ રૂમમાં ગોંધી રાખી ધમકી આપી હતી. આથી પોલીસે કિશોર, તેના માતા, પિતા, દાદા, હોસ્પિટલના બે ડૉકટર, કર્મચારી અને અન્યની ધરપકડ કરી હતી.


Google NewsGoogle News