નાગપુરમાં સંઘનાં વડાંમથક પાસે જ પ્રિયંકાની રેલીમાં ભાજપના કાર્યકરોની ધમાલ
- ભાજપના કાર્યકરો ઝંડા સાથે ધસી આવ્યા, સૂત્રો પોકાર્યા
- કોંગ્રેસના કાર્યકરોએ સામનો કરતાં તંગદિલી, રોડ શો અટકાવવો પડયો, પોલીસને ટોળાં વિખેરી મામલો થાળે પાડયો
મુંબઇ : નાગપુરમાં આજે પ્રિયંકા ગાંધીએ રોડ શો યોજ્યો હતો. તેઓ સંઘનાં વડાંમથકની પાસેથી જ પસાર થઈ રહ્યાં હતાં ત્યારે ભાજપના કાર્યકરોએ શરુઆતમાં આજુબાજુની ઈમારતોમાંથી અને બાદમાં રોડ પર જ આવી જઈ તેમની સામે દેખાવો સાથે સૂત્રોચ્ચારો કરી ધમાલ મચાવી હતી. આ તબક્કે કોંગ્રેસના કાર્યકરો પણ આક્રમક બની ગયા હતા. બંને રાજકીય પક્ષોના કાર્યકરો સામસામે ભીડાઈ જતાં ભારે તંગદિલી છવાઈ હતી અને રોડ શો અટકાવવો પડયો હતો. પોલીસનાં ધાડેધાડાં ઉતર્યાં હતાં અને તોફાની કાર્યકરોને દૂર ભગાડી મામલો થાળે પાડયો હતો.
પ્રિયંકા ગાંધીએ આજે નાગપુરમાં કોંગ્રેસના ઉમેદવાર બંટી શેળકે માટે નાગપુરમાં રોડ- શો યોજ્યો હતો. આ રોડ શોનો પ્રારંભ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાથી થયો હતો. રાજ્યમાં પ્રિયંકા ગાંધીનો આ પ્રથમ રોડ- શો હોવાથી કોંગ્રેસના કાર્યકરોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી હતી. આ રોડ- શો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય બડકસ ચોક ખાતે પૂરો થવાનો હતો.
પ્રિયંકા અહીં પહોંચ્યાં ત્યારે તરત જ આજુબાજુની બિલ્ડિંગોમાંથી ભાજપના કાર્યકરોએ ધ્વજ લહેરાવી સૂત્રો પોકારવા શરુ કર્યાં હતાં. પ્રિયંકાએ તેમની નોંધ લીધી હતી અને તેમને ગમે તેવી બૂમો પાડે પણ મહાવિકાસ આઘાડીની જીત નક્કી છે તેમ કહ્યું હતું.
ત્યારબાદ ભાજપના કાર્યકરો ઉશ્કેરાયા હતા અને તેઓ ઝંડા સાથે જ નીચે રોડ પર ઉતર્યા હતા અને પ્રિયંકાની રેલીમાં અધવચ્ચે પહોંચ્યા હતા. તેમણે ઉગ્ર સૂત્રોચ્ચાર શરુ કરી દીધા હતા. આથી, કોંગ્રેસના કાર્યકરો પણ ગુસ્સે થયા હતા. એક તબક્કે બંને પક્ષોના કાર્યકરો વચ્ચે હાથાપાઈ અને ધક્કામુક્કી જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. જોકે, રોડ શોના બંદોબસ્ત વખતે હાજર પોલીસે તરત જ વચ્ચે પડી દરમિયાનગીરી કરી હતી. તરત જ વધારાની પોલીસ ટીમ પણ બોલાવાઈ હતી. કાર્યકરોને દૂર ખસેડવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધીનો રોડ શો પૂરો થયેલો જાહેર કરાયો હતો અને પ્રિયંકા ઘટના સ્થળેથી રવાના થઈ ગયાં હતાં.