મુંબઈમાં ડાયાબિટીસને કારણે મૃત્યુ પામતાં નાગરિકોની સંખ્યા વધી
8 વર્ષમાં 91 હજાર લોકોને મધુમેહ ભરખી ગયો
શહેરમાં પ્રતિ 15000 નાગરિકે 1 દવાખાનું હોવું જોઈએ તેન બદલે 40 હજાર નાગરિકે 1 દવાખાનું
મુંબઈ : ડાયાબિટીસ એ મુંબઈમાં મૃત્યુનું એક મુખ્ય કારણ બન્યું છે. જેમાં છેલ્લાં એક દાયકામાં મૃત્યુદર સતત વધ્યો છે. ૨૦૧૪થી ૨૦૨૨ સુધીમાં ડાયાબિટીસને કારણે ૯૧,૧૩૮ લોકો મૃત્યુ પામ્યા છે. જેમાંથી ૧૪,૨૦૭ તો માત્ર ૨૦૨૨ની સાલમાં જ મોતને ભેટયા છે. ૨૦૧૪માં ડાયાબિટીસને કારણે થતાં મૃત્યુનો આંક ૨૫૪૪ હતો, એવું પ્રજા ફાઉન્ડેશનના 'મુંબઈમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાની સ્થિતી' નામક શીર્ષકના એક અહેવાલમાંથી જાણવા મળ્યું છે. રીપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે, હવાની બગડતી ગુણવત્તાને કારણે ૭૯,૩૮૪ મૃત્યુ શ્વાસોચ્છવાસ સંબંધિત બીમારીઓને કારણે અને એજ સમયગાળામાં ક્ષયરોગને લીધે ૪૫,૬૭૬ મૃત્યુ થયાં છે.
ઉક્ત એનજીઓએ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની શહેરી આયોજન માર્ગદર્શિકાના અમલીકરણની વિનંતી કરી છે. જેથી ડાયાબિટીસ જેવા બિનસંચારી રોગોને ઘટાડી શકાય. આ માર્ગદર્શિકા માં જાહેર આરોગ્ય, શારીરિક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે વ્યક્તિ દીઠ ૧૦ ચો.મી. જગ્યાની ભલામણ કરે છે. મુંબઈના ડેવલપમેન્ટ પ્લાન (૨૦૧૪-૨૦૩૪) માં વ્યક્તિ દીઠ માત્ર ૩ચોરસ મીટરની ખુલ્લી જગ્યાની દરખાસ્ત કરાઈ છે. જે શહેરમાં ખુલ્લી જગ્યાઓ માટેની તીવ્ર અછત તરફ ધ્યાન દોરી તેની તાત્કાલિક જરુરિયાત તરફ પ્રકાશ ફેંકે છે, એવું પ્રજા ફાઉન્ડેશનના સીઈઓ મિલિંદ મ્હસ્કેએ જણાવ્યું હતું.
રિસર્ચ સોસાયટી ફોર ધ સ્ટડી ઓફ ડાયાબિટીસ ઈન ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ડાયાબિટીસના મૃત્યુઆંક એ માત્ર દેખાય છે એટલાં નથી. પરંતુ એવા અનેક કેટલાંય રોગો છે, જેમાં ડાયાબિટીસ મહત્ત્વનો ભાગ ભજવે છે અને તેને કારણે પણ મૃત્યુ થાય છે, જેને ધ્યાનમાં લેવાતાં નથી. બિન આરોગ્યપ્રદ ખોરાકને બદલે આરોગ્યદાયી ખોરાક લેવામાં આવે તો ડાયાબિટીસને હજીય કાબુમાં કરી શકાય છે.
રિસર્ચમાં શહેરના હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ગાબડાઓ પર પણ પ્રકાશ નંખાયો છે. નોંધાયું છે કે, છેલ્લાં છ વર્ષમાં આરોગ્યના બજેટમાં ૯૮ ટકા વધારો થવા છતાં કેટલાંક લાંબા સમયથી ચાલતાં મુદ્દાઓ પર ધ્યાન અપાતું નથી. જેમકે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના શહેરી અને પ્રાદેશિક વિકાસ યોજનામાં પ્રતિ ૧૫૦૦૦ વ્યક્તિદીઠ એક ડિસ્પેન્સરીની શિફારસ છે, તેને બદલે ૪૦,૧૪૩ મુંબઈગરાં પાછળ એક ડિસ્પેન્સરીનો ગુણોત્તર અત્યારે શહેરમાં છે. શહેરમાં ૮૩૮ ડિસ્પેન્સરીની જરુર છે, તેને બદલે માત્ર ૩૧૩ જેટલી જ ડિસ્પેન્સરી છે. જોકે પાલિકા અધિકારીઓનું કહેવું છે કે, સ્લમ વિસ્તારમાં અન્ય અનેક ખાનગી દવાખાનાઓ કાર્યરત છે, એ પણ નોંધવું જોઈએ. જ્યાં પહેલેથી દવાખાના છે, ત્યાં વધુ દવાખાના બનાવી શકાય નહીં.