મુંબઈમાં ઓર્કેસ્ટ્રા બારના સ્વરુપે ડાન્સ બાર ફરી ધમધમતા થયાં
200 જેટલાં ઓર્કેર્સ્ટા બાર ચાલે છે, અનેક ઠેકાણે ડાન્સની મહેફિલ
2005માં રાજ્ય સરકારના પ્રતિબંધ બાદ 2019માં સુપ્રીમ કોર્ટે સંપૂર્ણ પ્રતિબંધોને બદલે નિયમો રચવા જણાવ્યું હતું
મુંબઈ : મુંબઈમાં ઓર્કેસ્ટ્રા બારનાં સ્વરુપે ફરી ડાન્સ બાર શરુ થયાં છે. ૨૦૦૫માં રાજ્ય સરકારે ડાન્સ બાર પર પ્રતિબંધ મુક્યો હતો. પરંતુ, સુપ્રીમ કોર્ટે ૨૦૧૯માં કાયમી પ્રતિબંધના સ્થાને નીતિ નિયમો લાદવા જણાવ્યું હતું. હવે મુંબઈ તથા આસપાસમાં આશરે ૨૦૦ જેટલાં ઓર્કેસ્ટ્રા બાર ચાલી રહ્યાં છે તેમાંથી કેટલાંય સ્થળે મધરાત બાદ ડાન્સની મહેફિલો પણ જામે છે.
મહારાષ્ટ્ર પ્રોહિબિશન ઓફ ઓબ્સીન ડાન્સ ઈન હોટેલ્સ, રેસ્ટોરન્ટ એન્ડ બાર રૃમ્સ એન્ડ પ્રોટેકશન ઓફ ડિગ્નિટી ઓફ વિમેન (વર્કિંગ ધેર ઈન) એકટ ૨૦૧૬ (હોટેલ, રેસ્ટોરન્ટ, બાર રૃમમાં અશ્લીલ ડાન્સ પર મહારાષ્ટ્રમાં પ્રતિબંધ અને (ત્યાં કાર્ય કરતી) મહિલાઓના ગૌરવની રક્ષા અંગેના ૨૦૧૬ના કાયદા અનુસાર ઓર્કેસ્ટ્રા બારમાં ઓર્કેસ્ટ્રા અને ડાન્સર માટે અલાયદું સ્ટેજ હોવું જોઈએ.
જોકે આવા બારમાં ભૂતકાળની જેમ યુવાન મહિલાઓ ગ્રાહકની સમક્ષ ડાન્સ કરતી હોય છે અને ગ્રાહકો તેમને ચલણી નોટ આપતા હોય છે. ઓર્કેસ્ટ્રા બારના રૃપમાં ભૂતકાળ જેવા ડાન્સ બાર ફરી શરૃ થયા છે તેવા દ્રશ્યો જોવા મળે છ. આવા બાર રાતના ૧૧.૩૦ કલાક પછી બિઝી થઈ જાય છે. તે અગાઉ ખૂબ ઓછા ગ્રાહકો બેઠા હોય છે. સાંજ આગળ વધે છે તેમ તેમ ૨૦થી ૩૦ વર્ષ વચ્ચેની ડાન્સર્સ લેહંગા ચોલી અને સાડી પહેરી થિરકતી જોવા મળે છે. ગ્રાહકો ૨૦ રૃપિયા અને ૫૦ રૃપિયાની નોટ સ્ટાફ પાસેથી મેળવે છે અને ડાન્સર પર લૂંટાવે છે.
ડાન્સ બારની બહારના વિસ્તારમાં કેટલાંક કર્મચારીએ પોલીસ જવાનોને જોઈ લે તો તરત જ અંદર સંદેશ પહોંચાડવામાં આવે છે. ડાન્સર સ્ટેજ પાસેના સોફા પર બેસી જાય છે અને ફલોર પરની નોટ કર્મચારીઓ બેગમાં ફટાફટ ભરી લેતા હોય છે. પેટ્રોલિંગ કરતા પોલીસ જવાનો જ્યારે આગમન કરે છે ત્યારે દ્રશ્ય બદલાઈ જાય છે. પોલીસના જવાનો વિવિધ એન્ગલથી ફોટા પાડે છે અને પોતાના ઉપરી અધિકારીઓને સંદેશ મોકલે છે કે બધું નિયમ પ્રમાણે ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં વર્ષ ૨૦૦૫માં ડાન્સ બાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એપ્રિલ ૨૦૦૫માં મુંબઈ શહેરમાં સાતસો જેટલા ડાન્સ બાર ચાલતા હતા. જેમાંથી ફક્ત ૩૦૭ કાયદેસર હતા. થાણે, રાયગડ અને પુણે જિલ્લામાં ૬૫૦ ડાન્સ બાર સક્રિય હતા.
તે વખતે ડાન્સ બારમાં લગભગ ૧,૫૦,૦૦૦ લોકોને રોજગારી મળી હતી જેમાંથી લગભગ ૮૦૦૦ બાર ડાન્સર્સ હતી. બારગર્લના યુનિયનના પ્રતિનિધિએ કહ્યું કે નવા નિયમો પછી ઘણાં ડાન્સ બાર ફરી શરૃ થયા નથી. જે ચાલી રહ્યા છે તે ડાન્સ બાર નથી પણ ઓર્કેસ્ટ્રા બાર છે.
ડાન્સ બાર પર સંપૂર્ણ પ્રતિબંધના સ્થાને કેટલાંક નિયમનો હોવા જોઈએ તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. જાહેર હિત અને આજીવિકાના બંધારણીય હક વચ્ચે સંતુલન જાળવતો ચુકાદો કોર્ટે જાન્યુઆરી ૨૦૧૯માં આપ્યો હતો.