Get The App

માથેરાનમાં વાંદરાઓનો ભારે ત્રાસ, ટૂરિસ્ટોના મોબાઈલ, ફૂડ છિનવી જાય છે

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
માથેરાનમાં વાંદરાઓનો ભારે ત્રાસ, ટૂરિસ્ટોના મોબાઈલ, ફૂડ છિનવી જાય છે 1 - image


કોઈ પ્રતિકાર કરે તો તમાચા પણ ફટકારે છે

હોટેલોનો કિચન-વેસ્ટ નગર-પરિષદના બાયોગેસ પ્લાન્ટમાં જતો હોવાથી વાનરોને ખાવાના સાંસા

મુંબઇ -મુંબઇની નજીક આવેલું માથેરાન દિવાળીમાં પર્યટકોના ધસારાને પહોંચી વળવા સજ્જ બન્યું છે ત્યારે બીજી બાજુ વાનરોના ત્રાસનો શું ઉપાય કરવો તેની વિમાસણમાં હોટેલિયરો અને હિલસ્ટેશનના દુકાનદારો પડી ગયા છે.

માથેરાનના પ્રવેશદ્વાર દસ્તુરી નાકાથી માંડીને વન-ટ્રી હિલ પોઇન્ટ સુધીના છેવટના ભાગ સુધી વાંદરાઓનો ત્રાસ સખત વર્તાય છે. ટુરિસ્ટોના હાથમાંથી ફૂડ પેકેટ ઝૂંટવી જાય છે, ક્યારેક મોબાઇલ હાથમાં આવી જાય તો પણ ઉપાડી જાય છે. અને ખીણમાં પેંકી દે છે. હોટેલોમાં બારી ખુલ્લી રહી ગઇ હોય તો જાળીમાંથી  હાથ નાખીને ખાવાની ચીજો સેરવી લે છે. કોલ્ડ-ડ્રિન્કની અને મિનરલ વોટરની બોટલો સુદ્ધા ઝૂંટવી જાય છે. જો કોઇ પ્રતિકાર કરવાની કોશિશ કરે તો હિંસક બનીને વાનરો હુમલો પણ કરે છે, બચકાં ભરી લે છે અને તમાચા ચોડી દે છે.

અત્યાર સુધી માથેરાનમાં આવેલી સંખ્યાબંધ હોટેલોના રસોડામાંથી એઠવાડ નીકળતો એ વાનરો ટેસથી ખાતા હતા. પરંતુ હલે માથેરાન નગર-પરિષદે શરૃ કરેલા બાયોગેસ પ્લાન્ટમાં આ બધો કિચન-વેસ્ટ ચાલ્યો જતો હોવાથી વાનરોને ખાવાના સાંસા થવાથી ભૂખ ભાંગવા માટે ટુરિસ્ટોના હાથમાંથી ખાણી-પીણીની ચીજો આંચકી જાય છે. માથેરાનના એક પોઇન્ટનું નામ જ મન્કી પોઇન્ટ પડયું છે.

ઘણી હોટેલોવાળાએ વાનરોના ત્રાસથી બચવા જાળીઓ લગાડી છે બારીઓ પર પણ જાળીઓ મઢી દીધી છે, પરંતુ માથેરાનની મુખ્ય બજારમાં આવેલી દુકાનોમાં ખાવા-પીવાની ચીજો-પેકેટો રાખવામાં આવતા હોય એ પણ વાનર-સેના તફડાવી જાય છે. જુદા જુદા પોઇન્ટ ઉપર વાનરોના રીતસર ઝુંડ જોવા મળે છે. આવી જ રીતે માથેરાનના મુખ્ય સ્ટેશનમાં મિની-ટ્રેન ઉપડવાના સમયે વાનરો ગમે ત્યાંથી આવી જાય છે. હિલસ્ટેશનની મજા માણીને પાછા ફરતા ટુરિસ્ટો વાનરોને બિસ્કિટ, કેળા, ફ્રુટ આપતા હોય છે એટલે હવે ટ્રેન ઉપડવાના ટાઇમે પહોંચી જ જાય છે.

માથેરાનમાં લાંબા સમયથી વસતા વેપારી ભદ્રેશ શાહે જણાવ્યું હતું કે વાંદરાનો એટલો ત્રાસ છે કે અમારે તો વેપાર કરવાની સાથે વાનરો કોઇ ચીજ ઉપાડી ન જાય તેનો જાપ્તો રાખવા વોચમેનની ડયુટી પણ કરવી પડે છે. વન વિભાગમાં  વાનરોના ત્રાસ સામે અનેકવાર ફરિયાદ કરવામાં આવ્યા છતાં સંતોષકારક પગલાં લેવામાં આળતા નથી. ટુરિસ્ટોને વાંદરા બચકા પણ ભરી જાય છે. આવે વખતે જખમી વ્યક્તિને એન્ટી-રેબીઝના ઇન્જેકશન આપવા પડે છે. આવાં બનાવ અવારનવાર બનતા હોય છે. આમાં તો વન વિભાગ વાનરોને ખાવાનું આપવાની વ્યવસ્થા કરે તો તે ટુરિસ્ટો પાસેથી  ફુડ-પેકેટો છીનવતા અટકે બાકી તો ભૂખના માર્યા વંદરો બીજું શું કરે ? બાંદરા કરડયા હોય એવાં કેસ માંથેરાનની હોસ્પિટલમાં આવતા હોય છે.



Google NewsGoogle News