માલેગાંવમાં થિયેટરમાં ચાલુ શોએ ફટાકડા ફોડાતાં નાસભાગ મચી
સલમાનની ટાઈગર થ્રી ફિલ્મ અધવચ્ચે જ અટકાવી દેવી પડી
મહિલાઓ અને બાળકોએ ચીચીયારીઓ સાથે રોકકળ મચાવીઃ થિયેટરને નુકસાનઃ પોલીસ દ્વારા બે શકમંદની અટકાયત
મુંબઈ : મહારાષ્ટ્રના માલેગાંવની મોહન સિનેમામાં સલમાન ખાનની 'ટાઈગર થ્રી'નો શો ચાલુ હતો ત્યારે જ થિયેટરની અંદર ફટાકડા ફોડવામાં આવતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. જોકે કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. મહિલાઓ તથા બાળકોએ ચીસાચીસ સાથે ભારે રોકકળ મચાવી હતી. આ ધમલાને કારણે શો અટકાવવો પડયો હતો. પોલીસે બે શકમદોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
રવિવારે ફિલ્મનો શો ચાલુ થયો કે થોડા સમયમાં જ આગલી હરોળમાં બેઠેલા પ્રેક્ષકોએ ફટાકડા ફોડવા શરુ કર્યા હતાં. જોતજોતામાં થિયેટરમાં આગળની તમામ હરોળમાં ફટાકડા ફૂટવા લાગ્યા હતા. પ્રેક્ષકોએ થિયેટરની અંદર જ રોકેટ્સ પણ છોડયાં હતાં.
ફટાકડા ફૂટતાં આગ લાગશે અને ફસાઈ જશું તેવી આશંકાએ કેટલાય લોકોએ નાસભાગ મચાવી હતી. અનેક લોકોએ એકસામટો બહારની તરફ ધસારો કર્યો હતો. જોકે, બાલ્કનીમાં બેઠેલા પ્રેક્ષકોએ આ સમગ્ર તમાશાને મોબાઈલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
ઉન્માદે ચઢેલા પ્રેક્ષકોને કાબૂમાં લેવાનું થિયેટરના સ્ટાફનું કોઈ ગજું નહીં હોવાથી આખરે પોલીસને બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડને પણ બોલાવાઈ હતી. ફિલ્મનો શો બંધ કરી કોઈ દર્શક પાસે હજુ ફટાકડા છે કે નહીં તેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસે છાવણી પોલીસ મથકે ૧૧૨મી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. શંકાના આધારે બે લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.