મલાડમાં દારુના નશામાં એસયુવી દોડાવી ટક્કર મારતાં મહિલાનું મોત
મહેંદી ક્લાસીસમાંથી પાછી ફરતી મહિલાએ જીવ ગુમાવ્યો
અકસ્માત સર્જનારો મર્ચન્ટ નેવી ઓફિસર જાતે જ મહિલાને હોસ્પિટલ લઈ ગયો, ઉશ્કેરાયેલાં ટોળાં દ્વારા આરોપીની મારપીટ અને ગાડીની તોડફોડ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ: મુંબઈમાં ફરી રેશ ડ્રાઈવિંગની ઘટનામાં એકનું મોત નિપજ્યું છે. મલાડમાં મર્ચન્ટ નેવી ઓફિસરે દારૂના નશામાં સ્પીડમાં સ્પોર્ટસ યુટિલીટી વ્હીકલ (એસયુવી) દોડાવીને મહિલાને અડફેટમાં લેતા તેનું મૃત્યુ થયું હતું.
આ બનાવથી રોષે ભરાયેલા લોકોએ આરોપીની મારપીટ અને ગાડીની તોડફોડ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. કોર્ટે તેને છ સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.
મલાડ સ્થિત ગુડિયાપાડા વિસ્તારમાં ગઈકાલે રાતે ૧૦ વાગ્યે આ બનાવ બન્યો હતો. મર્ચન્ટ નેવી ઓફિસર અનુજ સિંહા તેની એસયુવી ગાડીમાં ઘરે જઈ રહ્યો હતો. બીજી તરફ ૨૬ વર્ષીય શાહના કાઝી મહેંદી કલાસમાંથી ચાલીને ઘરે જતી હતી. ત્યારે આરોપીએ બેદરકારીપૂર્વક સ્પીડમાં કાર દોડાવતા વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. તેણે શાહનાને અડફેટમાં લીધી હતી. તે શાહનાને કાર સાથે ડિવાઈડર સુધી ઢસેડી ગયો હતો.
અકસ્માતમાં મહિલાને ગંભીર ઈજા થઈ હતી. આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. લોકોએ આરોપી ડ્રાઈવરને પકડીને માર માર્યો હતો. કારની પણ તોડફોડ કરી હતી.
જખમી શાહનાને આરોપી હોસ્પિટલમાં લઈ ગયો હતો. પણ તેનું મોત થયું હતું. લોકોની મારપીટમાં આરોપી ઓફિસરને પણ ઈજા થઈ હતી.
અકસ્માત વખતે તે દારૂના નશામાં વાહન ચલાવતો હતો કે કેમ તે જાણવા માટે પોલીસે તેના લોહીના નમૂના એકત્ર કર્યા હતા. મલાડ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર રવિન્દ્ર અડાણેએ જણાવ્યું હતું કે 'બાંગુરનગરમાં રહેતો આરોપી તેના મિત્રને મળીને ઘરે જઈ રહ્યો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં તે દારૂના નશામાં વાહન ચલાવતો હોવાનું માલૂમ પડયું છે. તેની સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીની કાર પણ જપ્ત કરાઈ હતી.
તાજેતરમાં મુંબઈમાં દારૂના નશામાં વાહન દોડાવીને જીવલેણ અકસ્માતના અનેક કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. વરલીમાં દારૂ ગટગટાવીને યુવકે બેફામપણે કાર દોડાવીને સ્કૂટરને ટક્કર મારતા મહિલાનું મૃત્યુ થયું હતું. તેનો પતિ ગંભીરપણે જખમી થયો હતો. આરોપી યુવકને ગુનામાં મદદ કરવાના આરોપસર તેના ડ્રાઈવર અને પિતાની ધરપકડ કરાઈ હતી.