મહારાષ્ટ્રમાં તમામ સરકારી દસ્તાવેજોમાં માતાનું નામ પણ લખાશે
રેસકોર્સ પરિસરમાં વર્લ્ડ ક્લાસ સેન્ટ્રલ પાર્ક સ્થાપવાની મંજૂરી
અયોધ્યામાં મહારાષ્ટ્ર સદન, બંધ મિલ કામદારો માટે મકાન, ટ્રાન્સજેન્ડર પોલિસી સહિતની દરખાસ્તોને રાજ્ય મંત્રીમંડળની બહાલી
મુંબઇ : મહારાષ્ટ્રમાં હવેથી સરકારી દસ્તાવેજો પર પિતા સાથે માતાનું નામ પણ ફરજિયાત લખવામાં આવશે. રાજ્યના બાળ અને મહિલા કલ્યાણ વિભાગ દ્વારા રજૂ થયેલી આ દરખાસ્તને આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં બહાલી મળી હતી. સંતાનનાં ઉછેરમાં પિતા જેટલો જ કે તેથી પણ અધિક ફાળો માતાનો હોય છે. તેના આ પ્રદાનની કદર રુપે પિતા સમકક્ષ માતાને પણ દરજ્જો મળે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.
મંત્રી મંડળની આજની બેઠકમાં મુંબઈમાં મહાલક્ષ્મી રેસકોર્સના પરિસરમાં વિશાળ સેન્ટ્રલ પાર્ક તૈયાર કરવાને પણ મંજૂરી અપાઈ છે. આ જગ્યાએ ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કની જેમ ૩૦૦ એકર જગ્યામાં વિશેષ થીમ પાર્ક બનાવાશે.
જોકે, આ યોજના સામે સંખ્યાબંધ લોકો વિરોધ પણ કરી રહ્યા છે. તેમના કહેવા અનુસાર મુંબઈનું રેસકોર્સ એક હેરિટેજ સ્ટેટસ ધરાવે છે અને તે જગ્યામાં કોઈ જાતના ફેરફારો થવા જોઈએ નહીં. જોકે, રાજ્ય સરકારની દલીલ છે કે તે રેસકોર્સના ટ્રેકને નુકસાન પહોંચાડયા વિના વધારાની જગ્યામાં આ થીમ પાર્ક બનાવશે. તેના લીધે રેસકોર્સ સંકુલમાં સામાન્ય લોકોને પણ પ્રવેશ મળશે. ઉલ્લેખનીય છે કે રેસકોર્સનું સંચાલન કરતી ક્લબ અગાઉ જ મહાપાલિકાએ સૂચવેલા થીમ પાર્કને પ્રસ્તાવને મંજૂર કરી ચુકી છે.
આ ઉપરાંત આજની બેઠકમાં અયોધ્યા ખાતે વિશાળ મહારાષ્ટ્ર સદન ઊભું કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી અપાઈ હતી.
કેબિનેટમાં સંખ્યાબંધ ચૂંટણીલક્ષી નિર્ણયો પણ લેવાયા હતા. તેમાં બંધ મિલોના કામદારો માટે આવાસ, બીડીડી ચાલના તથા સ્લમના રહીશો માટે સ્ટેમ્પ ડયૂટીમાં છૂટ સહિતના નિર્ણયોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત નવી ટ્રાન્સજેન્ડર પોલિસીને પણ મંજૂરી આપવામાં આવી છે.