મહારાષ્ટ્રમાં મહિલા સુરક્ષામાં અંધેરઃ કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેની પુત્રીની જ જાહેરમાં છેડતી
- જળગાંવમાં કેન્દ્રીય મંત્રીએ ખુદ ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે જવું પડયું
મુંબઈ : મહારાષ્ટ્રમાં મહિલાઓની સુરક્ષા બાબતે ગંભીર પ્રશ્નો ચિંધતી પુણેના સ્વારગેટ એસ.ટી.બસ ડેપોમાં શિવશાહીની બસમાં ૨૬ વર્ષની યુવતી પર બનેલી બળાત્કારની ઘટના તાજી છે ત્યાં જળગાંવના મુકતાઈનગરીમાં કેન્દ્રીય પ્રધાન રક્ષા ખડસેની પુત્રી સહિત અન્ય તરૂણીઓની છેડતીની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. અપરાધીઓ એ હદે બેફામ બન્યા હતા કે ખડસેની પુત્રી સાથે રહેલા સુરક્ષા જવાનોેને પણ તેમણે ધક્કા માર્યા હતા. ખુદ કેન્દ્રીય મંત્રીએ આ ઘટના અંગે પોલીસ મથકે જઈ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બહુ વિલંબ બાદ પોલીસે આ કિસ્સામાં એક યુવકની ધરપકડ કરી હતી જ્યારે અન્ય છ યુવકોની શોધખોળ હાથ ધરાઈ હતી.
સુરક્ષા રક્ષકો સાથે હોવા છતાં પણ ગુનેગારો બેફામ, ખડસેની દીકરી સાથેની અન્ય તરુણીઓની સતામણી, વીડિયો ઉતાર્યો, સુરક્ષા રક્ષકોને પણ ધક્કા માર્યા
તોફાનીઓએ રક્ષા ખડસેની સગીર પુત્રી અને અન્ય તરૂણીઓનો પીછો કર્યો હતો અને તેમનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. આ વાત ખડસેની પુત્રીના સુરક્ષા રક્ષકોના ધ્યાનમાં આવતા તેમણે તોફાનીઓને દૂર રહેવાનું કહેતા તેમની સાથે પણ ધક્કા-મુક્કી કરી અયોગ્ય વર્તનુ કર્યું હતું. અંતે આ વાતની જાણ થતા સ્વયં રક્ષા ખડસે મુકતાઈનગર પોલીસ સ્ટેશનમાં ઘસી ગયા હતા. ત્યારબાદ સુરક્ષા રક્ષકો અને રક્ષા ખડસે ખડસેની ફરિયાદ બાદ પોલીસે પાંચ યુવકો વિરુદ્ધ પોક્સો અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે આ પ્રકરણે એક શકમંદને તાબામાં લીધા બાદ અન્યોને પકડી પાડવાના પ્રયાસો આદર્યા છે.
જળગાંવ જિલ્લાના મુક્તાઈનગર તાલુકના કોથળી ગામમાં મહાશિવરાત્રી નિમિત્તે આદિશક્તિ સંત મુકતાઈબાઈની યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે કેન્દ્રીય પ્રધાન રક્ષા ખડસેની સગીર પુત્રી અને અન્ય તરૂણીઓ આ યાત્રામાં જોડાઈ હતી અને રક્ષા ખડસેની પુત્રીએ યાત્રામાં જોડાયેલ લોકોને ફરાળનું વિતરણ કર્યું હતું. આ સમયે એક યુવકે તેનોે પીછો કર્યો હતો. ત્યારબાદ સાંજે પણ જ્યારે તે બહેનપણીઓ સાથે ફરવા આવી ત્યારે આ જ યુવક અને તેના અન્ય સાથીદારોએ તેનો પીછો કર્યો હતો. ખડસેની પુત્રી જે ચકડોળમાં બેઠી તેમાં જઈને આ યુવક બેસી ગયો હતો. આ યુવકે ત્યારબાદ ખડસેની પુત્રી અને તેની બહેનપણીઓનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. ખડસેની પુત્રીના સુરક્ષા રક્ષકોની જાણમાં જ્યારે આ વાત આવી અને તેમણે યુવકોને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની સાથે બોલાચાલી કરી તેમને પણ ધક્કે ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમગ્ર ઘટના બાદ છેડછાડ પ્રકરણે સુરક્ષા રક્ષકોની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો. જો કે પીડિતાની છેડતી કરનાર આરોપીઓની ધરપકડ ન કરવામાં આવતા રક્ષા ખડસે રોષે ભરાયા હતા અને સ્વયં મુકતાઈનગર પોલીસ સ્ટેશનમાં ધસી ગયા હતા. યુવકોએ જે લોકોની છેડતી કરી તેના સગીર તરુણીઓ પણ હોવાથી આ રીતે તરુણીઓની છેડતી કર્યા બાદ પણ આરોપીઓને પોલીસ પકડી શકી ન હોવાથી ખડસેએ પોલીસને આ બાબતે જવાબ પૂછયો હતો. અંતે મુકતાઈ નગકર પોલીસે અનિકેતભોઈ, પિયુષ મોરે, સોહમ માળી, અનુજ પાટીલ, કિરણ માળી નામના પાંચ યુવાનો સામે ગુનો નોંધી તેમની તપાસ આદરી હતી. તેમાંથી સોહમ માળીની આજે ધરપકડ કરાઈ હતી. આ યુવકો સામે બીએનએ, પોક્સો ઉપરાતં આઈટી એક્ટની કલમો હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.