મહારાષ્ટ્રમાં વીજળી યુનિટ દીઠ 1.35 રુપિયા મોંઘી થઈ શકે
સરકારી કંપનીઓએ વીજ દરોમાં વધારાની મંજૂરી માટે મર્ક પાસે દરખાસ્ત કરી
મુંબઇ : મહારાષ્ટ્રના સરકારી વીજ કંપનીઓના ગ્રાહકો પર ભાવવધારો તોળાઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન (મહાજેનકો) અને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની (મહાસ્ટ્રાનસ્કો) મહારાષ્ટ્રની બે વીજ પુરવઠા કંપનીઓએ મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસીટી રેગ્યુલેટરી કમિશન (મર્ક)ને દરમાં વધારો કરવા માટે સમીક્ષા અરજી સુપ્રત કરી છે.
પિટીશનમા બન્ને કંપનીઓએ તેમનું ટેરીફ વધારીને અનુક્રમે ૨૪,૮૩૨ કરોડ રૃપિયા અને ૭૮૧૮ કરોડ રૃપિયા સુધી કરવા દેવાની કરી છે. આથી વીજળીના બિલમાં દરમાં વધારો થશે. જેની સીધી અસર વીજ ગ્રાહકોના ખિસ્સા પર પડશે.
જો આયોગ દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવે તો ે ગ્રાહકોને પ્રતિ યુનિટ ૧.૦૩ રૃપિયા અને ૦.૩૨ પૈસા કોસ્ટ ઓફ જનરેશન અને ડિસ્ટ્રીબ્યુશનના રૃપે વધારા સાથે યુનિટ દીઠ કુલ ૧.૩૫ રૃપિયા વધુ ચુકવવા પડશે. આ સાથો સાથ શંકા છે કે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિક સિટી ડિસ્ટીબ્યુશન લિમિટેડ પણ પોતાના દરમાં વધારા કરશે, જેની ભરપાઇ આમ નાગરિકોએ કરવી પડશે.
રાજ્ય વિદ્યુત નિયામક આયોગે ૩૦ માર્ચ ૨૦૨૦ના આગામી પાંચ વર્ષ (વર્ષ ૨૦૨૫ સુધી અંત) માટે બહુ વર્ષીય વિદ્યુત દર નિર્ધારણ આદેશની ઘોષણા કરી છે.