ઈથેનોલ અને ડુંગળી મુદ્દે કેન્દ્રનાં અંકુશોથી મહારાષ્ટ્રમાં ભાજપ ભીંસમાં

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
ઈથેનોલ અને ડુંગળી મુદ્દે કેન્દ્રનાં અંકુશોથી મહારાષ્ટ્રમાં ભાજપ ભીંસમાં 1 - image


ભાજપ બચાવ ની મુદ્રામાં, શિંદે સરકાર કેન્દ્રમાં રજૂઆત કરશે

ઈથેનોલમાં  શેરડીના રસના ઉપયોગ પર પ્રતિબંધથી શેરડી ઉત્પાદકો તથા ખાંડ મિલો નારાજ, ડુંગળી નિકાલ પર પ્રતિબંધથી ખેડૂતો નાખુશ

નાસિક સહિતનાં સ્થળોએ રસ્તા રોકોઃ શરદ પવાર સમેત વિપક્ષી નેતાઓ ખેડૂતો સાથે દેખાવોમાં સામેલઃ વિધાનસભામાં તડાફડી

મુંબઈ :  શેરડીના રસ કે સિરપનો ઈથેનોલ ઉત્પાદનમાં ઉપયોગ કરવા પર ફરમાવાયેલા પ્રતિબંધ અને તે ઉપરાંત ડુંગળીના ભાવો કાબૂમાં લેવા માટે તેની નિકાસ પર લદાયેલા પ્રતિબંધના કારણે મહારાષ્ટ્રમાં ઘેરા રાજકીય પ્રત્યાઘાત પડયા છે. ડુંગળી તથા શેરડી બંનેમાં મહારાષ્ટ્ર દેશનું ટોચનું ઉત્પાદક રાજ્ય હોવાથી અને આ ખેડૂતો તથા ખાંડ મિલોનું મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે વર્ચસ્વ હોવાથી વિપક્ષોને રાજ્યની એકનાથ શિંદે સરકારને ભીંસમાં લેવાનો મોકો મળી ગયો છે. રાજ્ય વિધાનસભાના નાગપુરમાં યોજાઈ રહેલાં શિયાળુ સત્રમાં વિપક્ષોએ આજે ત્રીજા દિવસે આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું હતું. આ  ઉપરાંત શરદ પવાર સહિતના વિપક્ષી નેતાઓ રાજ્યમાં ઠેર ઠેર ખેડૂતો દ્વારા યોજાઈ રહેલા વિરોધ પ્રદર્શનોમાં પણ સામેલ થયા હતા. મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ પણ કેન્દ્રનાં ઉપરાછાપરી બે પગલાંથી બચાવની સ્થિતિમાં આવી ગયા છે. મહારાષ્ટ્ર સરકારે ઇથેનોલ ઉત્પાદનમાં શેરડીના રસના ઉપયોગ પર અંકુશોનો મુદ્દો કેન્દ્ર સમક્ષ ઉઠાવવાની ખાતરી આપવી પડી છે. 

૨૦૨૪ની લોકસભા ચૂંટણી પૂર્વે કેન્દ્ર સરકાર ખાદ્ય ચીજોના ભાવ ડામવા માટે એક પછી એક પગલાં લઈ રહી છે. તેમાં ખાંડના ભાવો ડામવા માટે બજારમાં ખાંડનો વધારે પુરવઠો ઉપલબ્ધ થાય તેવા હેતુથી શેરડીના રસ કે સિરપનો ઈથેનોલ ઉત્પાદનમાં ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.  મહારાષ્ટ્રમાં ખાંડ મિલો ઈથેનોલ ઉત્પાદનમાં કરોડો રુપિયાનું રોકાણ કરી ચૂકી છે. તેને પગલે ખેડૂતો પણ ખાંડ ની સાથે સાથે ઈથેનોલ ઉત્પાદનમાં પણ તેમના ઉત્પાદનની ખપતની આશાએ શેરડીનું જંગી વાવેતર કરી રહ્યા છે. કેન્દ્રના અચાનક જ પ્રતિબંધથી આ ઈકોનોમીને ફટકો પડયો છે. 

બીજી તરફ કેન્દ્ર સરકારે ડુંગળીના વધતા ભાવોને રોકવા માટે ડુંગળીની નિકાસ પર પણ પ્રતિબંધ ફરમાવી દેતાં મહારાષ્ટ્રના ડુંગળી ઉત્પાદક  ખેડૂતો નારાજ થઈ ગયા છે. મહારાષ્ટ્રના નાસિક સહિતનાં કેટલાંય સ્થળોએ ખેડૂતોએ આંદોલન શરુ કર્યાં છે અને એપીએમસીમાં ડુંગળી મોકલવાની બંધ કરી દીધી છે. ખેડૂતોની દલીલ છે કે નિકાસના પગલે સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવો દબાશે અને તેના કારણે તેમને જંગી નુકસાન થશે. 

મહારાષ્ટ્ર સરકાર એક તરફ રાજ્યના ગ્રામ વિસ્તારોમાં  પ્રસરેલી મરાઠા અનામત આંદોલનની આગને ઠારવાનો પ્રયાસ કરી રહી છે ત્યાં તેની સમાંતર જ કેન્દ્ર સરકારના આ બે નિર્ણયોને લીધે રાજ્યનો ખેડૂત વર્ગ નારાજ થઈ ગયો છે. મહારાષ્ટ્રના રાજકારણમાં ખાંડ મિલોની અતિશય પાવરફૂલ લોબીને પણ નારાજ કરવી ેલોકસભા ચૂંટણી અને તે પછી કે તેની સાથે આવી પડનારી વિધાનસભા ચૂંટણીના વર્ષમાં પોસાય તેમ નથી. 

મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ આ મુદ્દે કશું ખોંખારીને કહેવાની સ્થિતિમાં નથી. કેન્દ્રના નિર્ણય સામે તેઓ કશું બોલી શકે તેમ નથી.  ર્નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં માત્ર એટલું જણાવ્યું હતુ ંકે પોતે ડુંગળી નિકાસ પર પ્રતિબંધ મુદ્દે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સાથે ચર્ચા કરી છે. જરુર પડે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રના તમામ ખેડૂતોની ડુંગળી ખરીદી લેશે. રાજ્યના નાણાં ંમત્રી તરીકે અજિત પવારે વિધાનસભા ગૃહમાં અને તે પછી ગૃહની બહાર મીડિયા સાથેની વાતચીતમાં પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર આ મુદ્દો કેન્દ્ર સમક્ષ ઉઠાવી રહી છે. તેમણે કહ્યું હતું કે પોતે મહારાષ્ટ્રમાંથી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને આ બાબતે મળી ચૂક્યા છે અને હવે તેઓ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પણ ર જૂઆત કરવા જવાના છે. 

વિધાનસભામાં વિપક્ષોએ આ મુદ્દે સરકાર પર ભારે પસ્તાળ પાડી હતી. આજે સતત ત્રીજા દિવસે પણ વિપક્ષોએ સરકારને આ મુદ્દે ઘેરી હતી. વિધાન પરિષદમાં વિપક્ષી નેતાઓએ સરકારને ખેડૂત વિરોધી સરકારનુ ંલેબલ આપ્યું હતું. 

બીજી તરફ નાસિકમાં આજે  ડુંગળી ઉત્પાદક ખેડૂતોએ યોજેલાં આંદોલનમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર પણ સામેલ થયા હતા. શરદ પવારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ તત્કાળ ઉઠાવી લેવામાં આવે તેવી માગણી કરી હતી. નાસિક પાસેને ચાંદવડ ગામે  ખેડૂતોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ખેડૂતોના આકરા પરીશ્રમને અવગણી રહી છે અને તેમને જ્યારે યોગ્ય વળતર મળે તેવી તક ઊભી થઈ છે ત્યારે તેના પર પ્રહાર કરી રહી છે. શરદ પવારે ખાતરી આપી હતી કે પોતે દિલ્હીમાં હાલ ચાલુ સંસદના શિયાળુ સત્રમાં પણ આ મુદ્દો ઉઠાવશે. 

નાસિકમાં આજે મુંબઈ -આગ્રા નેશનલ હાઈવે પર ખેડૂતોએ રસ્તા રોકો આંદોલન યોજ્યું હતું. આ આંદોલનમાં ખેડૂતો ઉપરાંત શરદ પવારનાં વડપણ હેઠળની એનસીપી, ઉદ્ધવ ઠાકરેનાં વડપણ હેઠળની શિવસેના યુબીટી,  કોંગ્રેસ તથા સીપીઓમના નેતાઓ પણ જોડાયા હતા.



Google NewsGoogle News