કાંદિવલીમાં યુવકે સગીરાના ફોટો મોર્ફ કરીને વારંવાર બળાત્કાર ગુજાર્યો
- આરોપીએ ફોટો સોશિયલ મિડીયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી
- સગીરાને મલાડ લોજમાં અને નાલાસોપારામાં ફલેટમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો
મુંબઇ : કાંદિવલીમાં ૨૦ વર્ષીય યુવકે સગીરાનો ફોટો મોર્ફ કરીનેે તેને વાયરલ કરવાની ધમકી આપીને તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે આ મામલે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
વિગત મુજબ, આ ઘટના કાંદિવલીના લાલજીપાડામાં બની હતી. જેમાં ૨૦ વર્ષીય નીરજ સામે કેસ નોંધાયો હતો. લાલજીપાડાની રહેવાસી પીડીતાની થોડા મહિનાઓ પહેલા જ નીરજ સાથે ઓળખાણ થઈ હતી. આ બાદ બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી.
આ સમય દરમિયાન નીરજે તેના મોબાઈલ ફોનમાં સગીરાના કેટલાક ફોટો પાડયા હતા. આ બાદ નીરજે આ ફોટો મોર્ફ કર્યા હતા અને પીડીતાને આ ફોટો સોશિયલ મિડીયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી પીડીતા ગભરાઈ ગઈ હતી.
આ ઘટના બાદ નીરજ સગીરાને મલાડમાં એક લોજમાં લઈ ગયો હતો. અહીં નીરજે સગીરાને બેહોશીની દવા પીવડાવીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ બાદ નીરજ પીડીતાને નાલાસોપારાના એક ફલેટમાં લઈ ગયો હતો અને ફરી તેને પોતાની વાસનાનો ભોગ બનાવ્યો હતો અને જો તે પીડીતાએ તેની સાથે લગ્ન કરવાનો ઈનકાર કર્યો ે તો તેના મોર્ફ કરેલા ફોટો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.
આ બધી ઘટનાઓથી કંટાળી જતા પીડીતાએ આખરે તેના માતા પિતાને આ અંગે જાણ કરી હતી. જેથી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.આ બાદ માતા પિતાએ કાંદિવલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને આ અંગે યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. જો કે, આ દરમિયાન આરોપી ફરાર થઈ ગયો હતો.
ફરિયાદના આધારે પોલીસે આ મામલે નીરજ સામે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી.