કાંદિવલીમાં લેકચરરને હત્યા કેસમાં ફસાવવાની ધમકી આપી લૂંટ
- પૂછપરછના બહાને રીક્ષામાં બેસાડી દીધા
- નકલી પોલીસ તરીકે અટકાવનાર એક આરોપી 18 કેસમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર
મુંબઈ : કાંદિવલીમાં પોલીસ હોવાનો દાવો કરી હત્યાના ગુનામાં ધરપકડ કરવાની ધમકી આપી એક લેકચરરને બળ જબરીથી રિક્ષામાં બેસાડી લૂંટ કરનારા બે આરોપીને પોલીસે ઝડપી લીધા છે એક આરોપી સામે મુંબઈમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગંભીર ૧૬ ગુના નોંધાયેલા છે.
કાંદિવલીના રહેવાસી સારંગ ફડણીસ (ઉ.વ.૪૪)ની ફરિયાદના આધારે પોલીસે કેસ દાખલ કર્યો હતો. ફરિયાદી સારંગ લેકચરર તરીકે નોકરી કરે છે.
કાંદિવલી ફાટક બ્રિજ પાસેથી શનિવારે સાંજે ૫.૧૫ વાગ્યે સારંગ પસાર થઈ રહ્યો હતો. ત્યારે આરોપી મુલાયમ યાદવ (ઉ.વ.૨૭) અને મનોજ ગુપ્તા (ઉ.વ.૬૦) એ સારંગને રોકીને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી.
બોરીવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી હત્યાના ગુનામાં સંડોવણી હોવાનું કહીને તેમણે સારંગની પૂછપરછનું નાટક કર્યું હતું . પછી સારંગને બળજબરીથી રિક્ષામાં બેસાડી દીધો હતો.
તેમણે હત્યાના ગુનામાંથી છુટકારો અને કાર્યવાહી ન કરવા રૂ.૫૦ હજારની માગણી કરી હતી. પરંતુ સારંગે પૈસા આપવાની ના પાડી હતી. તે સમયે બન્ને ઠગે સારંગની કિંમતી માલમત્તા ધરાવતી બેગ લૂંટી લીધી હતી.
આ બનાવ બાદ સારંગે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની માહિતી મેળવી તેમની ધરપકડ કરી હતી.
આરોપી મનોજ ગુપ્તા રીઢો ગુનેગાર છે તેની સામે આશરે ૧૬ કેસ દાખલ છે.