સુકેશને લવલેટર લખતો બંધ કરાવવા જેક્લિનની કોર્ટમાં ધા
જેલ સુપ્રિ.ને લેટરો અટકાવવા આદેશ આપવા માંગ
સુકેશ છાશવારે જેક્લિનને પ્રેમિકા ગણાવી પત્રો પ્રગટ કર્યા કરે છે તેનાથી ત્રાસીને અરજી
મુંબઈ : મહાઠગ સુકેશ ચન્દ્રશેખર છાશવારે દિલ્હીની જેલમાં બેઠા બેઠા અભિનેત્રી જેક્લિનને લવ લેટર પાઠવી પોતાના પ્રેમનો એકરાર કર્યા કરે છે. સુકેશ જેલમાંથી જ આ પત્રની નકલો મીડિયાને પણ મોકલાવે છે. તેના કારણે પોતાની નાહકની બદનામી થતી હોવાનું જણાવી જેક્લિને સુકેશને આ પત્રો પાઠવતો અટકાવવા માટે દિલ્હીની કોર્ટમાં અરજી કરી છે.
જેક્લિને દિલ્હીની પતિયાલા કોર્ટમાં અરજી કરી દિલ્હી પોલીસની ઈકાનોમિક અફેર્સ વિંગ તથા માંડોલી જેલના સુપ્રિન્ટેન્ડેન્ટને આ સંદર્ભમાં આદેશો આપવાની માગણી કરી છે.
સુકેશ ચન્દ્રશેખર હાલ જ્યુડિશિલ કસ્ટડીમાં છે. તેને જેલમાંથી જેક્લિન માટે કે પછી જેક્લિનના સંદર્ભમાં વધુ કોઈ પત્ર, મેસેજીસ કે નિવેદનો કરતાં અટકાવવા માટે આ સત્તાધીશોને આદેશ આપવામાં આવે તેમ જેક્લિને આ અરજીમાં જણાવ્યું છે.
જેક્લિને અરજીમાં કહ્યું છે કે સુકેશ જેલમાં બેઠા બેઠા બિનજરુરી પત્રો અને મેસેજીસ પાઠવ્યા કરે છે. તે આ પત્રો તથા મેસેજીસ મીડિયાને પણ મોકલે છે. મીડિયામાં તે પ્રગટ થાય છે અને તેના કારણે તેણે ભારે માનસિક ત્રાસ ભોગવવો પડે છે. આ પત્રોની પ્રસિદ્ધિ થતાંપોતાની સલામતી અને માનસિક સ્વાસ્થય પર પણ માઠી અસર પડે છે અને તેણે ભારે દબાણ અને સતામણી અનુભવવાં પડે છે .
૨૦૦ કરોડના ફ્રોડમાં ઝડપાયેલો સુકેશ ચન્દ્રશેખર જેક્લિન પોતાની પ્રેમિકા હોવાનો છડેચોક દાવો કરે છે. થોડા સમય પહેલાં સુકેશે જેક્લિનને પત્ર પાઠવીને કહ્યું હતું કે તારા તાજેતરના કેટલાક ફોટો બહુ અદભૂત છે. તારી આ અદાઓને કારણે જ મારી ઊંઘ હરામ થઈ ગઈ છે. તેણે જેક્લિનને બોલીવૂડની હાલની શ્રેષ્ઠ પરફોર્મર ગણાવી હતી. આ પહેલાં એક પત્રમાં તેણે લખ્યું હતું કે હાલ હું અને જેક્લિન બંને ખોટા આરોપોનો સામનો કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં અમે આ આરોપોમાંથી મુક્ત થઈ જશું અને સાથે જ જિંદગી માણીશું.
સુકેશ જેક્લિનને જેલમાં મળવા બોલાવતો હોવાનું કહેવાય છે. તેણે જેક્લિનને કરોડોની ગિફ્ટસ આપી હોવાનું પણ કહેવાય છે. એન્ફોર્સમેન્ટ્ ડિરેક્ટોરેટે જેક્લિનને મળેલી આ ગિફ્ટસ સુકેશના નાણાં સગેવગે કરવાનો વ્યૂહ હોવાનું જણાવી જેક્લિનને પણ મની લોન્ડરિંગના કેસમાં સહઆરોપી બનાવી છે. જોકે, જેક્લિને પોતે આરોપી નહીં પરંતુ સુકેશની ઠગાઈનો ભોગ બની હોવાનું જણાવી આ એફઆઈઆર રદ કરવા માટે પણ દિલ્હી કોર્ટમાં અગાઉ માગણી કરી છે.