દીક્ષાર્થીના સન્માનમાં તેના મિત્રોએ કૉલેજમાં જ વિદાય સમારંભ યોજ્યો
અધ્યાપકો અને સહાધ્યાયીઓએ સંયમ માર્ગ વિશે સવાલોનો મારો ચલાવ્યો
મુંબઈમાં કદાચ આ પ્રકારની પહેલી ઘટના : ધર્મમાં શિક્ષણ ભળે તો સમાજનું ઉત્થાન નિશ્ચિત છે : દીક્ષાર્થી પાર્શ્વી
મુંબઈ - મુંબઈમાં ઘાટકોપરને આંગણે આગામી ૨૩મી ફેબુ્રઆરીએ એક ૨૩ વર્ષીય યુવતી પાર્શ્વી ગાંધી દીક્ષા લેવાની છે. જૈન ગુજરાતી પરિવારમાંથી આવેલી આ વિદ્યાર્થિની તેના કૉેલેજ કાળમાં મહાવિદ્યાલયના ગુજરાતી સાહિત્ય મંડળમાં પણ કાર્યરત હતી. આથી સંસારનો મોહ છોડી રહેલી આ તેમની આ મિત્રના સન્માનમાં મહાવિદ્યાલયના ગુજરાતી વિભાગ તથા મંડળના વિદ્યાર્થીઓએ એક ભાવસભર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મુંબઈમાં આ પ્રકારનું આ કદાચ પહેલું આયોજન ગણાય છે.
દીક્ષાર્થી પાર્શ્વીએ આ કાર્યક્રમ દરમ્યાન જણાવ્યું હતું કે, પોતે પહેલાં ધાર્મિક મેળાવડાઓથી દૂર રહેતી હતી. પરંતુ ઘરમાં જ વાતાવરણ એવું હતું કે ક્યારે ધર્મ પોતાના વિચારોમાં જોડાઈ ગયો તે ખબર જ ન રહી અને મને દીક્ષા લેવાના ભાવ થયા. ત્યારબાદ એવી સ્થિતિ થઈ કે જો હું કૉલેજમાં જઈશ તો મારા આ ભાવ છૂટી જશે અને મને એવું કહેવામાં પણ આવ્યું હતું. પરંતુ તેની કોઈ અસર મારા વિચારો પર થઈ નહીં. હા, કૉલેજમાં જઈને મેં અમારી ક.જે.સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયના ગુજરાતી સાહિત્ય મંડળની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરુ કર્યું. જ્યાં મારી અનેક શક્તિઓનો પરિચય થયો. જે આજે મને સંયમને માર્ગે જતાં મદદરુપ થઈ રહી છે. હું હવે દીક્ષા બાદ પણ સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકાય તે બાબતે મારું ધ્યાન કેન્દ્રીત રાખીશ.
મહાવિદ્યાલયના પ્રા.ડૉ.પ્રીતિ દવેએ આ બાબતે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે, અમારા વિદ્યાર્થીઓ કોઈપણ ક્ષેત્રમાં આગળ વધે તેનો અમને આનંદ જ હોય પરંતુ તે આનંદ ત્યારે બમણો થાય છે, જ્યારે પહેલાં તેઓ સમાજને આગળ રાખી સમાજને ઉત્તમ વળતર કઈ રીતે આપી શકાય તે વિચારે છે. તેમાંય અમારા મંડળની કોઈ વિદ્યાર્થિની દીક્ષા લઈ રહી હોય તેવો આ અમારો પહેલો પ્રસંગ છે અને આથી જ તેના મિત્રોએ પણ તેનો વિદાય સમારંભ આપવાનું વિચાર્યું એ અમારા સાહિત્ય મંડળની એકતા તથા મિત્રોનો પ્રેમ દાખવી જાય છે.
આ કાર્યક્રમમા ં સર્વધર્મ સમભાવને વ્યક્ત કરતાં ગીતો તથા પાર્શ્વીની સંયમ માર્ગની યાત્રાના વિચારો અને તેની કસોટી કરતાં પ્રશ્નસત્રનું આયોજન કરાયું હતું. જેને આપકી અદાલત જેવું નામ અપાયું હતું. જેમાં દીક્ષાર્થીના માતાપિતા, શિક્ષકો, મિત્રો જોડાયા હતાં. કાર્યક્રમને અંતે દીક્ષાર્થીના હાથે બેઠું વરસીદાન પણ કરાયું હતું.