Get The App

દહિસરમાં ઠાકરે જૂથના માજી નગરસેવકની ફેસબુક લાઇવ કરી ગોળી મારીને હત્યા

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
દહિસરમાં ઠાકરે જૂથના માજી નગરસેવકની ફેસબુક લાઇવ કરી ગોળી મારીને હત્યા 1 - image


- મહારાષ્ટ્રમાં રાજકીય નેતા પર ગોળીબારની વધુ એક ઘટનાથી ખળભળાટ

- માજી વિધાનસભ્ય વિનોદ ઘોસાળકરના પુત્ર અભિષેકની હત્યા બાદ આરોપી મોરીસે પણ જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી

મુંબઇ : ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે ઉલ્હાસનગરમાં પોલીસ સ્ટેશનમાં જ શિવસેના શિંદે જૂથના પદાધિકારીની ગોળી મારીને હત્યાની ઘટના હજી તાજી છે, ત્યાં દહિસરમાં શિવસેના ઠાકરે જૂથના માજી વિધાનસભ્ય વિનોદ ઘોસાળકરના પુત્ર માજી નગરસેવક અભિષેક ઘોસાળકરની ફેસ બુક લાઇવ કરી અંધાધૂંધ ગોળી મારીને હત્યા કરતા હાહાકાર મચી ગઇ છે. 

ફાયરિંગ કરનારા આરોપીએ પણ પોતાને ગોળી મારીને જીવન ટુંકાવી લીધું હતું. પૂર્વ વૈમન્યસને લીધે હત્યા કરાઇ હોવાની ચર્ચા થઇ રહી છે. આ બનાવને લીધે પરિસ્થિતિ તનાવપૂર્ણ બની ગઇ હતી. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં   જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 

આ ઘટના દહિસરમાં એમએચબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના માજી નગરસેવક અભિષેક ઘોસાળકર અને આરોપી મોરિસ નોરોન્હા એકબીજાને  ઓળખતા હતા. અગાઉ બંને વચ્ચે વિવાદ થયો હતો. પણ હાલમાં તેમના વચ્ચે સમાધાન તઇ ગયું હોવાનું કહેવાય છે. 

દહિસરમાં મોરિસે તેની ઓફિસમાં કાર્યક્રમમાં અભિષેક ઘોસાળકરને બોલાવ્યા હતા. તેણે ઘોસાળકર સાથેની મુલાકાતનું  ફેસબુક લાઇવ કર્યું હતું. ત્યારબાદ આભાર માનીને ઘોસાળકર ખુરશી પરથી ઉભા થઇ રહ્યા હતા તે સમયે અચાનક મોરિસે ઘોસાળકર પર ગોળીબાર કર્યો હતો. આ સંપૂર્ણ બનાવ ફેસબુક લાઇવમાં કેદ થઇ ગયો હતો. દરમિયાન પાંચ રાઉન્ડ ફાયર કરાયા હતા. ઘોસાળકરે બચવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ પોતાને પણ ગોળી મારી દીધી હતી.

ફાયરિંગથી ભાગદોડ મચી ગઇ હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ બંનેના મોત નિપજ્યા હતા. આમ મોરિસે ફેસબુક પર લાઇવ કરતા ઠંડે કલેજે ઘોસાળકરની હત્યા બાદ આત્મહત્યા કરી હતી. આ ઘટનાને લીધે તંગદિલી ફેલાઇ ગઇ હતી. શિવસેના (યુબીટી)ના કાર્યકર્તાઓઓ મોરિસની ઓફિસની તોડફોડ કરી હતી. સિનિયર પોલીસ અધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ ઘટનાસ્થળે અને હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. દહિસરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહેમાટે પોલીસે એલર્ટ બની ગઇ હતી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આરોપી મોરિસ સામે અગાઉ ગુના નોંધાયેલા હોવાનું કહેવાય છે. આર્થિક કે વ્યક્તિ વિવાદને લીધે તેણે બદલો લેવા ઘોસાળકરની હત્યા કરી હોવાની શંકા છે. 


Google NewsGoogle News