બોરીવલી કાંદિવલીમાં ઠપ ઈવીએમ બદલવામાં વાર લાગતાં કતાર લાગી
મુંબઈ તથા પુણેમાં ઠેર ઠેર ઈવીએમ ઠપ થયાની ફરિયાદો
એક એક મશીન બદલતાં 45 મિનીટ બગડી, મતદારો હાથમાં ઈન્ક સાથે લાઈનમાં ઊભા રહેવા મજબૂર
મુંબઈ - મતદાનના પ્રથમ ચાર કલાકમાં જિલ્લામાં ૨૨ ઇ.વી.એમ બંધ પડી ગયા હતા. જેના પગલે મતદારોમાં ભઆરે આક્રોશ દેખાતો હતો. મુંબઇમાં બોરીવલી, કાંદિવલી સહિત અનેક ઠેકાણે બંધ પડેલા મશીન બદલવા પડયા હતા. આ બંધ પડી ગયેલા ખરાબ ઇ.વી.એમ શરૃ ન થતાં તેને બદલવાની ફરજ પડતાં લગભગ પોણોથી એક કલાક સુધી મતદાન પ્રક્રિયા વિવિધ મતદાન કેન્દ્ર પર બંધ રહી હતી. જેથી કરીને બધે લાંબા કતાર લાગી હતી.
પુણે જિલ્લાના કુલ ૮.૪૬૨ મતદાન કેન્દ્ર પર ૧૧૪૨૧ ઇ.વી.એમ મશીનની જોગવાઇ કરી હતી. પરંતુ આમાંથી ૦.૧૩ ટકા મશીન બંધ પડી ગયા હતા. જો કે ચૂંટણી પંચે એકસ્ટ્રા રાખેલા ઇ.વી.એમની જોગવાઇને લીધે બંધ પડેલા મશીનની જગાએ નવા મશીન બેસાડયા હતા એવું રાજ્યના જિલ્લા પ્રશાસનને સ્પષ્ટતા કરી હતી.
ઇ.વી.એમ સહિત ૧૬ કંટ્રોલ યુનિટ અને ૨૮ વી.વી. પેટ મશીન બંધ પડયા હતા. તે બધા બદલવાની ફરજ પડી હતી. સૌથી વધારે ચાર ઇ.વી.એમ મશીન વડગાથ શેરી તથા ઇન્દાપુર મતદાર ક્ષેત્રમાં બંધ પડયા હતા. જ્યારે હડપસર, ભોસરી, ભૌર, દૌંડ તથા ચિંચવડ મતદાર ક્ષેત્રમાં પ્રત્યેક ૩ મશીન બંઝ પડયા હતા. જુજાર, ખેડ, આણંદી, માવળ તથા કસબા પેઠ મતદાર ક્ષેત્રમાં પ્રત્યેક એક મતદાન મશીન બંધ પડયા હતા. સર્વ ઠેકાણે રાખી મૂકાયેલા એકસ્ટ્રા મશીનથી બંધ પડેલા મશીન બદલવામાં આવ્યા હતા. આવી પરિસ્થિતિ મુંબઇમાં પણ અનેક ઠેકાણે મતદાન કેન્દ્રમાં થઇ હતી. બોરીવલી (પ.)માં અવર તેડા સ્કૂલમાં પણ ઇ.વી.એમ મશીન બંધ થતા પોણો કલાક બાદ મશીન બદલીને મતદાન પ્રક્રિયા શરૃ થઇ હતી.