છૂટા પૈસાની તકરારમાં રેલવેના બૂકિંગ ક્લાર્કે યુવતીને લાફો ઝીંકી દીધો

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
છૂટા પૈસાની તકરારમાં રેલવેના બૂકિંગ ક્લાર્કે યુવતીને લાફો  ઝીંકી દીધો 1 - image


એલટીટી સ્ટેશનના કલાર્કની જીઆરપી દ્વારા ધરપકડ 

આરપીએફ સમક્ષ ફરિયાદ કરવા ગઈ તેની હાજરીમાં તમાચો માર્યો :  આરોપી કલાર્ક દ્વારા અગાઉ પણ પ્રવાસી પર હુમલા

મુંબઇ :  લોકમાન્ય તિલક  ટર્મિનસ ટિકિટ વિન્ડો સ્ટાફે યુવતી અને તેના ભાઇ સાથે છુટ્ટા રૃપિયા આપવાના મુદ્દે ઝઘડો કરી હુમલો કર્યો હતો.  જીઆરપીએ આરોપી ક્લાર્કની ધરપકડ કરી હતી. બાદમાં રેલવે કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યો હતો.

ફરિયાદી યુવતી ઘાટકોપરમાં રહે છે. તેનો ભાઇ પશ્ચિમ બંગાળથી તેને મળવા આવ્યો હતો. પહેલી જૂનના રોજ લાંબા અંતરની ટ્રેનમાં ઘરે પાછો ફરવા એલટીટી સ્ટેશને પહોંચ્યો હતો સાથે તેની પહેન પણ તેને મૂકવા આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેનો ભાઇ ટ્રેન જનરલ કોચની ટિકિટ ખરીદવા માટે ગયો હતો.  ટિકિટની કિંમત ૪૪૦ રૃપિયા હતી. તેના ભાઇએ રૃા. ૫૦૦ની ચલણી નોટ ઓફર કરી હતી, પરંતુ બુકિંગ  ક્લાર્કે તેનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો અને તેને છુટ્ટા પૈસા આપવા કહ્યું હતું. ફરિયાદી યુવતીએ દરમિયાનગીરી કરીને કહ્યું હતું કે છુટ્ટા પૈસાની વ્યવસ્થા કરવાનું કામ બુકિંગ ક્લાર્કનું છે. આ વાતને કારણે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી.

ગુસ્સે થયેલી ભાઇ-બહેનની જોડીએ એલટીટી ખાતે રેલવે પ્રોટેક્શન ફોર્સના (આરપીએફ) સંપર્ક કર્યો અને બુકિંગ ક્લાર્કના વર્તન વિશે ફરિયાદ કરી હતી. આરપીએફએ બંને પક્ષોને બોલાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ક્લાર્કના સાથીદારોએ ક્લાર્કના વર્તન બદલ પીડિતાની માફી માગી હતી. ત્યારે જ ક્લાર્ક આરપીએફ ચોકીની બહાર ધસી આવ્યો હતો અને  પીડિતાને થપ્પડ મારી દીધી હતી અને અપમાનજનક શબ્દો કહ્યા હતા.

રવિવારે મહિલાએ  કુર્લા જીઆરપીનો સંપર્ક કર્યો હતો અને બુકિંગ ક્લાર્ક સામે ફરિયાદ નોંધાવી હતી. ક્લાર્ક ફરજ પર હતો ત્યારે તેને પોલીસ દ્વારા નોટિસ અપાયા બાદ સોમવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ૪૨ વર્ષના આરોપી ક્લાર્કે અગાઉ પણ પ્રવાસીઓ ઉપર હુમલો કર્યાના કિસ્સા છે. વર્ષ ૨૦૨૩માં આ  ક્લાર્કના એક પ્રવાસી સાથે ઝઘડો થયો હતો જેમાં ક્લાર્કે તેના કાન ઉપર જોરદાર તમાચો ઝીંકી દીધો હતો. જેમા પ્રવાસીની સાંભળવાની ક્ષમતા ઉપર અસર થઇ હતી. આરોપીએ પ્રવાસીનો ફોન પણ તોડી નાખ્યો હતો.



Google NewsGoogle News