હદની લડાઈમાં 1 વાઘ દ્વારા બીજાનો ખાત્મો, બચ્ચાંનું માંસ પણ આરોગ્યું

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
હદની લડાઈમાં 1 વાઘ દ્વારા બીજાનો ખાત્મો, બચ્ચાંનું માંસ પણ આરોગ્યું 1 - image


મહારાષ્ટ્રના તાડોબા- અંધારી રિઝર્વમાં વાઘ વચ્ચેનો લોહિયાળ જંગ

2 વાઘના મૃતદેહના પોસ્ટમોર્ટમના આધારે જાણ થઈઃ હદની તકરાર અથવા તો શિકાર માટે પ્રાણીના અભાવના કિસ્સામાં વાઘ સ્વપ્રજાતિનું પણ માંસ ખાય છે 

મુંબઇ :  મહારાષ્ટ્રના તાડોબા- અંધારી ટાઇગર રિઝર્વમાં હદના ઝઘડામાં ખુંખાર બનેલા વાઘે એક બચ્ચાનું માંસ પણ આરોગ્યું હોવાનું બહાર આવ્યું છે. વન્ય જીવ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વાઘ સામાન્ય રીતે પોતાની જ પ્રજાતિનું માંસ આરોગતા નથી. પરંતુ, હદની તકરારમાં અથવા તો ક્યારેક શિકાર માટે અન્ય પ્રાણી ન મળે ત્યારે તેઓ અન્ય વાઘનું માંસ આરોગી શકે છે. 

બે વર્ષીય બાળવાઘના શરીરનો કેટલોક હિસ્સો અન્ય વાઘે ખાધો હતો તેવું જાણવા મળ્યું હતું. ટી - ૧૯૨ તરીકે ઓળખાતા નર વાઘે આ કૃત્ય કર્યું હતું તેવું વનવિભાગના અધિકારીઓ માને છે. વર્ચસ્વ માટેના જંગમાં વાઘ ટી- ૧૯૨એ અન્ય વાઘ અને બચ્ચાને મારી નાખ્યું હતું અને બચ્ચાનું માંસ ખાધુ હતું  તેવી વનવિભાગના અધિકારીઓને શંકા છે. ૨૨મી જાન્યુઆરીએ બંને વાઘના મૃતદેહ મળી આવ્યા હતા અને આ વિસ્તારમાં બે દિવસથી વાઘો વચ્ચે હિંસક લડાઇ થઇ હતી.

તાડોબા-અંધારી ટાઇગર રિઝર્વના ડેપ્યુટી ડિરેક્ટર નંદકિશોર કાલેએ કહ્યું કે વાઘ  પોતાની જ પ્રજાતિના વાઘનું માંસ ખાનારો બની ચૂક્યો હોવાનું લાગી રહ્યું છે. જો કે વધુ તપાસ પછી વાસ્તવિક હકીકત જાણી શકાશે. આ વિસ્તારમાં તૈનાત કરાયેલા કેમેરા ટ્રેપ્સમાં ટી- ૧૯૨ વાઘ દેખાયો હતો. 

વન્ય જીવ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વાઘ સામાન્ય રીતે બીજા વાઘનું માંસ ખાતા નથી. પરંતુ, વાઘની ગીચ વસતી હોય તેવા વિશેષ અભ્યારણમાં ક્યારેક અનુકૂળ શિકાર ન મળવાના સંજોગોમાં તેઓ અન્ય વાઘનું જ માંસ આરોગી જાય તેવું બની શકે છે.વાઘ જેવાં મોટાં પ્રાણીને તેની હદ માટે બહુ વિશાળ જગ્યા જોઈએ છે. આ સંજોગોમાં કોઈ અભ્યારણમાં વાઘની વસતી વધી જાય તો તેઓ પોતાની પ્રજાતિના જ વાઘો પર હુમલા કરે અને તેમનું માંસ પણ આરોગે તેવી શક્યતા રહે છે. જોકે, આ બાબતે વધુ અભ્યાસો થવા જોઈએ. 

વિશ્વમાં કુલ ૧૫૦૦થી વધુ  પ્રાણી પ્રજાતિઓ એવી ઓળખાઈ છે જે પોતાની જ પ્રજાતિનાં પ્રાણીનું માંસ આરોગે છે.



Google NewsGoogle News