15 વર્ષમાં બેસ્ટના દૈનિક પ્રવાસીઓની સંખ્યા 44 લાખથી ઘટીને 35 લાખ
મુંબઈની વસતી વધતી જાય છે પણ બેસ્ટના પ્રવાસીઓ ઘટયા
ઠેર ઠેર અનેક પ્રોજેક્ટસના કામોને લીધે રુટ ફેરવાતાં અસર, અનેક લોકો મેટ્રો તરફ પણ વળ્યા, સેવા પણ રેઢિયાળ બની હોવાની ફરિયાદો
મુંબઇ : મુંબઈ મહાનગરની વસતી છેલ્લાં ૧૫ વર્ષમાં વધી છે પરંતુ બેસ્ટના પ્રવાસીઓની સંખ્યા ઘટતી જાય છે. ૨૦૦૯માં બેસ્ટના રોજ ૪૪ લાખ પ્રવાસી નોંધાતા હતા પણ આ સરેરાશ હાલ ઘટીને ૩૫ લાખ થઈ ગઈ છે. આ ઘટાડાથી બેસ્ટની આવક પર નોંધપાત્ર અસર પડી છે. તેજ વર્તમાન બસ સેવા સામે પ્રવાસીઓના અસંતોષનો મુદ્દો લાંબા સમયથી પ્રકટ થઇ રહ્યો છે.
પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડાનું એક કારણ એ પણ છે કે છેલ્લા દાયકામાં શહેરમાં ઘણાબધા રોડ તથા પ્રોજેક્ટના કામો શરૃ થયા છે જેને લીધે બેસ્ટની બસ સેવામાં વિક્ષેપ પડયો છે. બસો મૂળ રસ્તાને બદલે લાંબા રૃટથી કે વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરવામાં આવી હતી. તેથી પણ પ્રવાસીઓ બસમાં પ્રવાસ કરવાનું ટાળવા લાગ્યા હતા. દાદરથી પ્રભાદેવી વર્લી, ભાયખલા, સીએસટી, પ્રતિક્ષાનગર, જીજામાતા ઉદ્યાન, નરીમન પોઇન્ટ, બાંદરા ઇસ્ટ અને વેસ્ટ, બોરીવલી તથા વડાલા જેવા વિસ્તારોમાં બસની ફ્રીકવન્સીમાં ઘટાડો તથા કેટલાક રૃટ બંધ થવાના અહેવાલો પણ છે. બેસ્ટ પાસે છી બસો હોવાને કારણે અનેક રૃટ પર અશર પડી રહી છે. બસ સ્ટોપ પર લાંબી કતારોની ફરિયાદો પ્રવાસી વર્ગ તરફથી આવી રહી છે.
શહેરમાં દોઢ દાયકામાં શરુ થયેલી મેટ્રો સેવાઓ, ટુ વ્હીલર્સની વધતી ખરીદી ઉપરાંત બેસ્ટની સતત રેઢિયાળ અને અનિયમિત બની રહેલી સેવા પણ પ્રવાસી ઘટાડા માટે કારણરુપ હોવાનું મનાય છે.
બેસ્ટ સામે રહેલા પડકારોના મુદ્દાને સંબોધવા અને જાહેર સમર્થન વધારવા માટે બેસ્ટ બચાવો ઝુંબેશ શરૃ થઇ છે. જેનો હેતું સ્થાનિક ગણેશ મંડળો સહિત વિવિધ બાહ્ય પ્રયાસો વડે જાગૃતિ વધારીને મુંબઇગરાને ઝુંબેશમાં સામેલ કરવાનો તથા બસની સેવા વધારવા તથા ખામીઓ દૂર કરવા સમર્થન પ્રાપ્ત કરવાનો છે.