દાદર સ્ટેશને 9મી ડિસેમ્બરથી 1 થી 14 સળંગ પ્લેટફોર્મ નંબરનો અમલ

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
દાદર સ્ટેશને 9મી ડિસેમ્બરથી 1 થી 14 સળંગ પ્લેટફોર્મ નંબરનો અમલ 1 - image


સેન્ટ્રલ રેલવેનાં અલગ 1 થી 7 પ્લેટફોર્મ નંબર નાબૂદઃ વેસ્ટર્નમાં કોઈ ફેરફાર નહીં

1થી 7 એટલે વેસ્ટર્ન અને 8થી 14 એટલે સેન્ટ્રલ લાઈન એવા સળંગ ક્રમ રહેશેઃ સેન્ટ્રલનું પ્લેટફોર્મ નંબર 2 કાયમ માટે નાબૂદઃ વર્ષોની ટેવ છોડી નવા નંબર યાદ રાખવા પડશે

મુંબઈનાં સૌથી વ્યસ્ત અને સેન્ટ્રલ તથા વેસ્ટર્ન ઉપરાંત લાંબા અંતરની ટ્રેનોનાં પણ મહત્વનાં સ્ટેશન પર મોટો ફેરફાર

મુંબઈ :  મુંબઈનાં વેસ્ટર્ન અને સેન્ટ્ર્લ એમ બંનેની લોકલ તથા લાંબા અંતરની ટ્રેનોનાં પણ મહત્વનાં અને મહાનગરનાં સૌથી વ્સસ્ત રેલવે સ્ટેશનો પૈકીનાં એક દાદર સ્ટેશન પર આગામી તા. નવમી ડિસેમ્બરથી એક મોટો ફેરફાર થઈ રહ્યો છે. તા. ૯મી ડિસેમ્બરથી દાદર સ્ટેશને પ્લેટફોર્મના નંબર ૧થી ૧૪ સળંગ રહેશે. હાલ સેન્ટ્રલ રેલવેના પ્લેટફોર્મના અલગથી એક, બે, ત્રણ, ચાર એમ નંબરો છે તે નાબૂદ થશે તેને બદલે ૧થી ૭ નંબર વેસ્ટર્ન અને ૮થી ૧૪ નંબર સેન્ટ્રલના પ્લેટફોર્મનો રહેશે. પ્રવાસીઓને વેસ્ટર્નનું બે અને સેન્ટ્રલનું ત્રણ એમ યાદ રાખવું મટે અને પ્લેટફોર્મ શોધવામાં સરળતા રહે તે માટે આ ફેરફાર કરાઈ રહ્યો હોવાનો દાવો રેલવેના સૂત્રો કરી રહ્યા છે. જોકે, વર્ષોથી ટેવાયેલા પ્રવાસીઓએ શરુઆતમાં આ ફેરફાર પ્રમાણેના પ્લેટફોર્મ નંબર યાદ રાખવામાં ભારે કડાકૂટ થાય તેવી પણ શક્યતા છે. 

રેલવેની એક ઉચ્ચ કક્ષાની બેઠક દાદર સ્ટેશને મળી હતી. તેમાં દાદરના હાલ સેન્ટ્રલ તથા વેસ્ટર્ન બંનેના પ્લેટફોર્મના નંબર અલગ અલગ રીતે એક નંબરથી શરુ કરાય છે તેને બદલે સળંગ જ નંબર આપી દેવાની દરખાસ્તને બહાલી આપી દેવામાં આવી હતી. આ ફેરફાર માટે ડિસપ્લે બોર્ડ, એનાઉનસમેન્ટ તથા પ્રવાસીઓને માહિતી માટે પૂરતો સમય મળી રહે તેટલા ખાતર આ નવા ફેરફારોનો અમલ આગામી તા. નવમી ડિસેમ્બરથી કરવાની પણ જાહેરાત કરાઈ છે. 

અત્યાર સુધીમાં દાદરમાં પશ્ચિમી દિશાએથી સ્ટેશનમાં પ્રવેશ કરે તેમણે વેસ્ટર્નના એકથી સાત પ્લેટફોર્મ વટાવ્યા પછી ફરી સેન્ટ્રલના પ્લેટફોર્મ નંબર એક , બે, ત્રણ, ચાર એમ પ્લેટફોર્મ યાદ રાખી પોતાની નિશ્ચિત ટ્રેન પકડવાની રહેતી હતી. તે જ રીતે દાદર પૂર્વ બાજુએથી પ્રવેશ કરે તેમને પહેલાં સેન્ટ્રલના પ્લેટફોર્મ નંબર છ, પાંચ, ચાર એમ ઉલ્ટી ગણતરી બાદ વેસ્ટર્નનાં પ્લેટફોર્મ નંબર છ, પાંચ, ચાર આવે છે એમ યાદ રાખવું પડતું હતું. 

રોજેરોજના પ્રવાસી ન હોય અને સેન્ટ્રલથી  વેસ્ટર્ન કે વેસ્ટર્નથી સેન્ટ્રલની લાઈન બદલતા હોય અથવા તો સેન્ટ્રલની બહારગામની ટ્રેનમાં ઉતરીને વેસ્ટર્ન લોકલ પકડવી હોય કે વેસ્ટર્નની બહારગામની ટ્રેનમાં આવીને સેન્ટ્રલની લોકલ પકડવી હોય તેવા અજાણ્યા પ્રવાસીઓ ભારે ગૂંચવાઈ જતા હતા અને કેટલાય લોકોને તો બધા પ્લેટફોર્મ નંબર બે બે વખત શા માટે છે તેનો પણ ખ્યાલ આવતો ન હતો. કેટલાય લોકો સેન્ટ્રલના ત્રણ નંબરને બદલે વેસ્ટર્નના ત્રણ નંબર પર પહોંચી જતા હોય તેવા પણ કિસ્સા બનતા હતા. 

હવે સળંગ નંબર અપાતાં આ બધી ગૂંચવણોનો અંત આવશે એમ મનાય છે. વેસ્ટર્નના પ્લેટફોર્મ નંબર એકથી સાત યથાવત રહેશે એટલે તેના પ્રવાસીઓને તો કોઈ મુશ્કેલી પડવાની જ નથી. સેન્ટ્રલના પ્લેટફોર્મ નંબર જે હાલ એકથી શરુ થાય છે તેને બદલે નંબર આઠથી શરુ થશે. સેન્ટ્રલના પ્રવાસીઓએ હવે યાદ રાખવું પડશે કે તેમણે ક્લ્યાણ જવા માટે સ્લો ટ્રેન પકડવી હોય તો પ્લેટફોર્મ નંબર આઠ પર જવાનું છે, અગાઉની જેમ પ્લેટફોર્મ નંબર વન શોધવાનું નથી.  સેન્ટ્રલ રેલવેએ એક મહત્વની જાહેરાત રુપે જણાવ્યું છે કે પ્લેટફોર્મ નંબર બે કાયમ માટે નાબૂદ કરી દેવાયું છે. હાલનાં પ્લેટફોર્મ નંબર એક અને ભવિષ્યનાં પ્લેટફોર્મ નંબર આઠને પહોળું કરવા માટે હાલનાં પ્લેટફોર્મ નંબર બેનો ભોગ લેવામાં આવ્યો છે. 

દાદર સ્લો લોકલ કાયમ માટે પરેલથી જ ઉપડશે

સેન્ટ્રલ રેલવેએ દાદરનું તેનું પ્લેટફોર્મ નંબર બે કાયમ માટે બંધ કરવાની જાહેરાત કરી છે. પ્લેટફોર્મ નંબર એકન ેપહોળું કરવા માટે પ્લેટફોર્મ નંબર બેનો ભોગ લેવાયો છે. હવે સેન્ટ્રલ રેલવેની જાહેરાત મુજબ તેની પાસે દાદરમાં આઈલેન્ડ પ્લેટફોર્મ માટે જગ્યા જ નહીં હોવાથી દાદરથી ઉપડતી કે દાદર આખરી સ્ટોપ ધરાવતી લોકલ કાયમ માટે પરેલથી જ ઉપડશે કે પરેલ જ આખરી સ્ટોપ રહેશે.  દાદરથી ઉપડતી કે દાદર આખરી સ્ટોપ ધરાવતી સ્લો લોકલને અગાઉ પરેલ સુધી લંબાવવાની જાહેરાત કરાઈ હતી પરંતુ હવે આ નિર્ણયને કાયમી બનાવી દેવાયો છે. 

પ્લેટફોર્મ નંબરના ફેરફાર 

- વેસ્ટર્ન રેલવેના પ્લેટફોર્મ નંબર ૧થી ૭ યથાવત રહેશે તેમાં કોઈ ફેરફાર  નથી. 

સેન્ટ્રલ રેલવેમાં આ પ્રમાણે ફેરફાર થશે 

જૂનો પ્લેટફોર્મ નંબર નવો પ્લેટફોર્મ નંબર 

૮ 

નાબૂદ

૧૦

૧૧

૧૨

૧૩

૧૪



Google NewsGoogle News