ખાનગી જમીન પર ગેરકાયદે બાંધકામ અરાજકતાને પ્રોત્સાહિત કરે છે : હાઈકોર્ટ
પુણેમાં ગેરકાયદે બાંધકામની નોટિસ સામેની અરજી ફગાવાઈ
ઝૂંપડપટ્ટીદાદા દ્વારા નાનું બાંધકામ કરીને સમારકામને બહાને મોટું બાંધકામ કરવામાં આવતું હોવાનો ટ્રેન્ડ
મુંબઈ : ખાનગી જમીનો પર ઓથોરિટીની પરવનાગી વિના ગેરકાયદે બાંધકામોની વધી રહેલી ઘટનાને લઈને બોમ્બે હાઈ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આ પ્રવૃત્તિ ભ્રષ્ટાચાર અને અરાજકતાને પ્રોત્સાહન આપે છે.
ઝૂંડપડપટ્ટી દાદાઓ નાનું બાંધકામ શરૂ કરીને ત્યાર બાદ સમારકામના બહાને મોટું બાંધકામ કરીને તેને નિયમાનુસાર કરવાની માગણી કરતા હોય છે, એમ પણ કોર્ટે જણાવ્યું હતું.
ધારાસભ્યોએ હસ્તક્ષેપ કરીને આવો ખોટો ટ્રેન્ડ બંધ કરાવવો જોઈએ અને નાગરરિકો કાયદો પાળે તથા ગુનેગારોને કડક સજા થવી જોઈએ, એમ પણ બેન્ચે જણાવ્યું હતું.
પુણે કેન્ટોનમેન્ટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના ૨૦૧૫ના આદેશને પડકારતી મહિલાની અરજીને કોર્ટે રદબાતલ કરી હતી. બોર્ડે અરજદારના બાંધકામને તોડી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. આ બાંધકામ રેડ ઝોનમાં આવતું હોવાથી બાંધકામની પરવાનગી નહોતી. કોર્ટે અરજદારને રૂ. એક લાખનો દંડ પણ કર્યો હતો. કોર્ટે નવ વર્ષથી કેમ કોઈ તોડકામ હાથ ધરાયું નહીં એનો ખુલાસો કરતું સોગંદનામું દાખલ કરવા પણ કેન્ટોનમેન્ટ બોર્ડના સીઈઓને નિર્દેશ આપ્યો છે.