આઈઆઈટી મુંબઈ દેશમાં 3જા તો મુંબઈ યુનિવર્સિટી 18મા સ્થાને
દેશની સર્વોત્કૃષ્ટ સંસ્થાઓની એનઆઈઆરએફ રેન્કિંગ જાહેર
દેશની ઉધામ કૉલેજોમાં રાજ્યની 4 મહાવિદ્યાલયોનો સમાવેશ, જેમાં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજ 89મા સ્થાને હોવાનું જાહેર
મુંબઇ : કેન્દ્ર સરકારે નેશનલ ઈન્સ્ટિટયૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (એનઆઈઆરએફ) રેન્કિંગ જાહેર કરી છે. તેમાં દેશની સર્વોત્કૃષ્ટ શૈક્ષણિક સંસ્થા તરીકે આઈઆઈટી મદ્રાસે સ્થાન મેળવ્યું છે તો બીજા નંબરે આઈઆઈએસસી બેંગ્લોર અને આઈઆઈટી મુંબઈ દેશમાં ત્રીજા સ્થાને આવી છે.
સળંગ છઠ્ઠીવાર આઈઆઈટી મદ્રાસ સર્વોત્કૃષ્ટ સંસ્થા તરીકે પ્રથમ આવી છે. છેલ્લાં નવ વર્ષથી આઈઆઈટી મદ્રાસને સર્વોત્તમ એન્જિનીયરીંગ કૉલેજ તરીકે પણ રેન્કિંગમાં સ્થાન મળી રહ્યું છે. જે આ વર્ષે પણ કાયમ રહ્યું છે.
તે ઉપરાંત મહારાષ્ટ્રની ૮૦ શૈક્ષણિક સંસ્થાઓ દેશના ટૉપ રેન્કિંગમાં આવી છે. સંસ્થાત્મક રેન્કિંગની યાદીમાં સમગ્ર સંસ્થાની શ્રેણીમાં પસંદ કરાયેલી દેશની ૧૦૦ શૈક્ષણિક સંસ્થામાંથી ૧૧ મહારાષ્ટ્રની છે. આઈઆઈટી-બી દેશમાં ત્રીજા સ્થાને છે. હોમી ભાભા રાષ્ટ્રીય સંસ્થા મુંબઈ (૨૭), સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી, પુણે (૩૭), ભારતીય વિજ્ઞાાન શિક્ષણ અને સંશોધન સંસ્થા, પુણે (૪૨), સિમ્બાયોસિસ ઈન્ટરનેશનલ (પુણે), રસાયણશાસ્ત્ર તંત્રજ્ઞાાન સંસ્થા, મુંબઈ (૫૬), ડૉ.ડી.વાય પાટીલ યુનિવર્સિટી, પુણે (૬૩), દત્તા મેઘે ઈન્સ્ટિટયૂટ ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રીસર્ચ, વર્ધા (૭૧), વિશ્વેશ્વરૈયા રાષ્ટ્રીય તંત્રજ્ઞાાન સંસ્થા, નાગપુર (૭૭), એસવીકેએમની નરસી મોનજી ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, મુંબઈ (૮૪) તેમજ તાતા ઈન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સ, મુંબઈ (૯૮) નો પણ સમાવેશ છે.
આ વર્ષે તમામ રાજ્યની પબ્લિક યુનિવર્સિટીનું પણ મૂલ્યાંકન આ રેન્કિંગ હેઠળ કરાયું. જેમાં પુણેની સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી દેશમાં ત્રીજા સ્થાને, મુંબઈ યુનિવર્સિટી ૧૮મા સ્થાને, સીઓઈપી ટેક્નોલોજી યુનિવર્સિટી, પુણે ૩૩મા સ્થાને અને ડૉ.બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી, ઔરંગાબાદ ૪૬મા સ્થાને આવી છે.
જ્યારે કૉલેજની રેન્કિંગમાં દેશની ૧૦૦ ઉત્તમ કૉલેજોમાં રાજ્યની ચાર કૉલેજોનો સમાવેશ છે. જેમાં પુણેની ફર્ગ્યુસન ઓટોનોમસ કૉલેજ ૪૫મા સ્થાને, નાગપુરની ગવર્મેન્ટ સાયન્સ ઈન્સ્ટિટયૂટ ૬૪મા સ્થાને, મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજ ૮૯ અને અમરાવતીની શ્રી શિવાજી સાયન્સ કૉલેજ ૯૯મા સ્થાને આવી છે.