આઈઆઈટી મુંબઈએ નારીવાદી ચર્ચાસત્ર રદ્દ કરતાં ફરી નવો વિવાદ જાગ્યો
જેન્ડર સેલ આયોજિત સત્રમાં 'વિશાખા ગાઈડલાઈન્સ' પર ચર્ચા થવાની હતી
ચર્ચાસત્ર રદ્દ નથી કરાયું માત્ર મોકૂફ રખાયું હોવાનો સંસ્થાનો દાવો; કામને સ્થળે મહિલાઓ પર થતાં અત્યાચારો પર વ્યાખ્યાન યોજાયું હતુ
મુંબઈ - આઈઆઈટી મુંબઈના જેન્ડર સેલે આયોજિત કરેલા એક ચર્ચાસત્ર પરથી ફરી વિવાદ જાગ્યો છે. 'બનવારી દેવીને કારણે પોતાનું જીવન કઈ રીતે બદલાયું' આ વિષયે કામના સ્થળે લૈંગિક વિષમતા બાબતના પ્રશ્નોને ચર્ચતું આ સત્ર હતું. પરંતુ આ ચર્ચાસત્ર કોઈપણ કારણ ન આપતાં આઈઆઈટી પ્રશાસને રદ્દ કર્યાનો આરોપ વિદ્યાર્થી સંગઠને કર્યો છે. જ્યારે આઈઆઈટી પ્રશાસને એવો દાવો કર્યો છે કે, ચર્ચાસત્ર રદ્દ નથી કરાયું પરંતુ પાછળ ધકેલવામાં આવ્યું છે. આથી આઈઆઈટીમાં શૈક્ષણિક સ્વાતંત્ર્યના પ્રશ્નો ફરી સપાટી પર આવ્યા છે.
આઈઆઈટી મુંબઈના જેન્ડર સેલે ચોથી જાન્યુઆરીએ આ ચર્ચાસત્ર યોજ્યું હતું. તેમાં વક્તા તરીકે સામાજિક કાર્યકર બવનારી દેવી, કવિતા શ્રીવાસ્તવ સહિત વકીલ વૃંદા ગ્રોવર માર્ગદર્શન આપવાના હતાં. પરંતુ કાર્યક્રમ પહેલાં જ આ ચર્ચાસત્ર રદ્દ કરાયું હોવાનો ઈ-મેલ વિદ્યાર્થીઓને મળ્યો હતો. જેમાં ચર્ચાસત્ર રદ્દ કરવા પાછળનું કોઈ કારણ અપાયું ન હોવાનો આરોપ વિદ્યાર્થીઓએ કર્યો હતો.
બનવારી દેવીના સંઘર્ષને કારણે કામને સ્થળે થતા હિંસાચાર બાબત વિશાખા ગાઈડલાઈન્સ તૈયાર થઈ. આ ચર્ચાસત્રમાં વિશાખા ગાઈડલાઈન્સ બાબત ચર્ચા કરવામાં આવવાની હતી. પરંતુ પ્રશાસને આ કાર્યક્રમ રદ્દ કર્યો હતો. આઈઆઈટી મુંબઈનો સંવાદની તમામ શક્યતાઓ નષ્ટ કરવાનો આ પ્રકાર છે. તેમજ સંસ્થાની લોકશાહી અને શૈક્ષણિક સ્વાતંત્ર્ય હડપવાનો આ પ્રકાર હોવાનો આરોપ આઈઆઈટી મુંબઈના વિદ્યાર્થીઓની આંબેડકર-પેરીયાર-ફૂલે સ્ટડી સર્કલ સંગઠને કર્યો છે.
વિદ્યાર્થીઓએ એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, સંસ્થાનું જેન્ડર સેલ જ જો કાર્યક્રમ કરી શકતું ન હોય તો મહિલાઓ પરના ભેદભાવ કે લૈંગિક અત્યાચારની ઘટના આ સેલ કઈ રીતે રોકી શકશે. તેમજ સંસ્થાએ આ પૂર્વે પણ અનેક કાર્યક્રમો આમ અચાનક જ રદ્દ કરતાં હવે કાર્યક્રમ આયોજવા કે નહિ તે મુદ્દે પણ વિદ્યાર્થીઓ ચિંતા અનુભવી રહ્યાં છે.