આઈઆઈટી-બીના સંશોધકોએ સોય રહિત સીરીન્જ વિકસાવી
હવે ઈંજેક્શન લેતી વખતે પીડા નહિ થાય
એરોસેપેસ એન્જિનિયરિંગના શોક વેવ્સના સિદ્ધાંતોનો ઉપયોગ, ચેપ લાગવાનું કોઈ જોખમ નહિ રહેઃ મોટાપાયે રસીકરણ માટે અનુકૂળ
મુંબઈ : એરોસ્પેસ એન્જિનીયરીંગ વિભાગના પ્રોફેસર વિરેન મેનેઝેસની આગેવાની હેઠળ આઈઆઈટી બોમ્બે ખાતે સંશોધકોની ટીમે ગ્રાઉન્ડબ્રેકીંગ સોય રહિત શોક સીરીન્જ વિકસાવ્યું છે. સોય સંબંધિત ભય અને અસ્વસ્થતા દૂર કરવાના ઈરાદે કરાયેલી આ શોધ દવા આપવા ઉચ્ચ ઊર્જાના શોક તરંગોનો ઉપયોગ કરે છે. બિનપરંપરાગત સોયથી તદ્દન અલગ એવી આ શોક સીરીન્જ ત્વચામાં પ્રવેશી શકે તેવા પ્રવાહી માયક્રોજેટનો ઉપયોગ કરે છે તેના કારણે ઈન્જેક્શન પીડા રહિત બને છે. આથી દર્દીનો ગભરાટ ઘટે છે અને પરિણામે સારવારની પ્રક્રિયા ઝડપી બનાવે છે. આ ટેકનોલોજીની પ્રેરણા એરોસ્પેસ એન્જિનીયરીંગના સિદ્ધાંતો, ખાસ કરીને શોક વેવ્સની ગતિશીલતામાંથી મેળવવામાં આવી છે.
આ સીરીન્જ માયક્રો-શોક ટયુબ દ્વારા દબાણ કરાયેલા નાયટ્રોજન ગેસ મુક્ત કરીને કામ કરે છે. ઉત્પન્ન થયેલા શોક વેવ્સ પ્રવાહી ટેક ઓફ દરમ્યાન એક કમર્શિયલ વિમાન કરતા વધુ ઝડપે દવાને ધકેલે છે. પ્રયોગશાળામાં ઊંદરો પર આ ઉપકરણની ક્ષમતા ચકાસવામાં આવી હતી જે પરંપરાગત સોય જેટલી જ અથવા તો તેનાથી વધુ બહેતર સાબિત થઈ હતી. ખાસ કરીને તે ટેરબિનાફિન જેવી ચીકણી દવા માટે અસરકારક સાબિત થઈ હતી અને ડાયાબેટિક ઊંદરો પર તેના થકી અપાયેલું ઈન્સ્યુલિન લાંબો સમય ટકી રહેતું જોવા મળ્યું હતું.
પ્રોજેક્ટના અગ્રણી સંશોધકે જણાવ્યું કે આ ટેકનોલોજી દ્વારા શોકવેવ્સનો આરોગ્ય સીસ્ટમમાં રચનાત્મક સાધન તરીકે ઉપયોગ કરાયો છે. આ સોય વિહિન ઈન્જેક્શનથી દર્દી ગભરાતો નથી. તેને ઈજાનું જોખમ ઘટી જાય છે. મહત્વનું છે કે સોય ધરાવતું ઈન્જેક્શન ચેપ લગાડી શકે છે જ્યારે આ ઈન્જેક્શનમાં કોઈ સોય ન હોવાથી ચેપની શક્યતા પણ રહેતી નથી. આ ઉપરાંત પ્રતિ નોઝલ એક હજાર વાર ઉપયોગ થઈ શકતો હોવાથી આ સીરીન્જની કિંમત પણ ઓછી પડે છે. આથી મોટા પાયે રસીકરણ માટે તેનો ઉપયોગ થઈ શકે છે.
હવે જ્યારે આ સીરીન્જ માટે પેટન્ટ અને નિયામક મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. શોક સીરીન્જ દવા આપવાની પદ્ધતિમાં ક્રાંતિ લાવી શકે છે. વિશ્વભરના લાખો લોકો માટે તે વધુ સુરક્ષિત અને સગવડદાયક વિકલ્પ સાબિત થઈ શકે છે.