કાયદાથી અજાણ હોવું એ ગુનો કરવા માટેનું કારણ ન બની શકે, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
Bomaby High Court News | કાયદા અંગે અજ્ઞાનતા હોવી તે કાયદો તોડવાનું કારણ નહી બની શકે તેવું બોમ્બે હાઇકોર્ટે સોમવારે આપેલા ચૂકાદામાં કહ્યું હતું. પ્રતિબંધિત કેમિકલ નિકાસ કરનારા એક ફાર્માસિટિકલ કંપનીના ડિરેક્ટર સામેનો કેસ ફગાવી દેવાનો બોમ્બે હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો. કોઇ કાયદાની જાણ નથી તેવું કહેનારા આરોપીનો બચાવ થવો જોઇએ તેવું સ્વીકાર્ય બને તો કાયદાનું પાલન કરાવનારી એજન્સીઓનું (પોલીસ, સીબીઆઇ, ઇડી એનઆઇએ વિગેરે) તંત્ર અટકી જશે તેવું અવલોકન બોમ્બે હાઇકોર્ટે કહ્યું હતું.
હાઇકોર્ટે કહ્યું કે કાયદો નહીં જાલાવુ કાયદો તોડવાનું બહાનુ નથી તેવો ન્યાયશાસ્ત્રોનો જરૃરી સિદ્ધાંત છે. કાયદો તોડવાથી શું પરિણામો આવી શકે તેની જાણ હોવા છતાં જવાબદારીથી બચવા કોઇ પણ આરોપી સંસંભીત કાયદો અંગે અજાણ હતો તેવો દાવો કરી શકે છે આથી ન્યાયશાસ્ત્રમાં આ સિદ્ધાંત મહત્વનો છે. તેવું હાઇકોર્ટે કહ્યું હતું. ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે જો કાયદા અંગે જાણ નહી હતી તેવું બચાવપક્ષનું કારણ સ્વીકારવામાં આવે તો કાયદાનું પાલન કરાવતું તંત્ર ખોટકાઇ જશે. કાયદાનો ભંગ કરનારાઓએ કાયદાનો દુરુપયોગ કરતા થઇ જશે અને અજ્ઞાાનતાની ઢાલ પૂરી પાડીને કાયદાનો ભંગ કરનારાઓને બચાવ કરવાનો ધારાગૃહોનો ઇરાદો કદાપિ નહીં હોય.
બોમ્બે હાઇકોર્ટમાં એક ખાનગી કંપનીના ડિરેક્ટરે પોતાની સામેનો કેસ રદ કરવા અરજી કરી હતી. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચના એન્ટીડ્રગ ડિપાર્ટમેન્ટે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સન્ટિસ (એનડીપીએસ) એકટની જોગવાઇઓ હેઠળ કંપનીના ડિરેક્ટર સામે વર્ષ ૨૦૧૯માં એફઆઇઆર નોંધી હતી. બોમ્બે હાઇકોર્ટમાંની પોતાની અરજીમાં આરોપીએ કેસ રદ કરવાની વિનંતી કરી હતી અને અરજીમાં દાવો કર્યો હતો કે પ્રતિબંધિત કેમિકલ અંગે સરકારે વર્ષ ૨૦૧૮માં બહાર પાડેલા જાહેરનામાને વધુ પ્રસિદ્ધી આપવામાં આવી ન હતી.
આ કેમિકલને નિકાસ કરવા અગાઉ સંબંધિત વિભાગ પાસેથી એનઓસી (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) લેવુ પડે છે તેવું તેમની કંપનીને ખબર નહી હતી તેવું કહી આરોપીએ પોતાની સામેનો એફઆઇઆર રદ કરવાની માગણી કરી હતી.
બોમ્બે હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એ એસ ગડકરી અને ન્યાયમૂર્તિ નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે આરોપીની વિનંતી અરજી ફગાવી દીધી હતી. કાયદાની જાણ નહીં હોવાનો બચાવ ફોજદારી આરોપમાં સ્વીકાર્ય નથી તેવો કાયદાનું સ્થાપિત અભિગમ છે.