પોલીસ સંવેદનશીલ નહીં બને તો મહિલાઓ કોને ફરિયાદ કરશેઃ હાઈકોર્ટ
રોજના 4થી 5 કેસમાં નબળી તપાસ જોવા મળતી હોવાની નોંધ
પોલીસની ઢીલી તપાસથી આરોપીઓ છૂટી જતા હોવાની હાઈકોર્ટની ટીકા બાદ એડવોકેટ જનરલે સુધારાત્મક પગલાં લેવાની ખાતરી આપી
મુંબઈ : મહિલાઓ અને બાળકો સામેના ગુનાની તપાસમાં ત્વરિત પગલાં નહીં લેવા બદલ મુંબઈ અને રાજ્યની પોલીસની બોમ્બે હાઈ કોર્ટે ટીકા કરી હતી. આને કારણે આરોપીઓ છૂટી જતા હોવાનું નોંધ્યું હતું અને પોલીસને સવાલ કર્યો હતો કે આવા કેસોમાં પોલીસ સંવેદનાહિન રીતે કરતી હોય તો મહિલાઓ અને બાળકોએ કોની પાસે જવું?
કોર્ટે એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફને બોલાવીને જણાવ્યું હતું કે કોર્ટ રોજિંદા ધોરણે મહિલા અને બાળકો સામેના અનેક કેસની સુનાવણી કરે છે અને પોલીસના યોગ્ય તપાસ કરતી નહોવાના આરોપ કરવામાં આવે છે. ૧૦૦માંથી ૮૦ કેસમાં અયોગ્ય તપાસ કરવામાં આવતી હોય તો સિસ્ટમને સુધારવાની જરૃર છે, એમ કોર્ટે નોંધ કરી હતી.
તમે અમને જણાવો કે આ પીડિત મહિલાઓએ ક્યાં જવું? તે પીડિતા છે અને આવો કારભાર ચાલશે તો તેમણે જવું ક્યાં? કોર્ટે સવાલ કરતાં સરાફે ખાતરી આપી હતી કે સુધારાત્મક પગલાં લેવામાં આવશે.
કોર્ટે જોકે સંતુષ્ટ ન થતાં ે જણાવ્યું હતું કે અન્ય રાજ્યો કરતાં મહારાષ્ટ્ર પ્રગતિશીલ અને મહિલાઓ માટે સલામત માનવામાં આવે છે.
પાંચ કેસોમાં નબળી તપાસ ધ્યાનમાં અવાતાં કોર્ટે સરાફને સમન્સ બજાવ્યા હતા. પહેલાં વરિષ્ઠ ઈન્સ્પેક્ટર, એસીપી, ડીસીપી, એડિશનલ સીપી અને પોલીસ કમિશનરને સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું. છેવટે રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરીને સોગંદનામું દાખલ કરવા જણાવ્યું પણ કોઈએ સંતોષકારક જવાબ આપ્યો નહોતો.
આરોપીએ મહિલાના કપડાં ફાડીને વિનયભંગ કર્યાના કેસની સુનાવણી થઈ રહી હતી. પોલીસે કપડાં જપ્ત કર્યા ન હોવાનું કારણ આપ્યું હતું કે તે બીજા કપડાં સાથે લાવી નહોતી. અન્ય કેસમાં મેડિકલ સ્ટુડન્ટનો પીછો કરતા ભૂતપૂર્વ બોયફ્રેન્ડે તેના વાંધાજનક ફોટા અપલોડ કર્યા હોવાનો હતો. ભયના માર્યા યુવતી ઘરની બહાર નીકળતી નહોતી.
વરિષ્ઠ અધિકારી પોતાના કામ કોન્સ્ટેબલને સોંપે છે અને પોતે કામ કરવા માગતા નથી અથવા આરોપીને મદદ કરવા માગે છે આ ગંભીર બાબત છે, એમ કોર્ટે નોંધ કરી હતી.
કોર્ટે ઝાટક્યા બાદ આરોપીઓએ પોતાની સામેના કેસ પાછા ખંેચવાની અરજી પાછી ખેંચી લીધી હતી. પોલીસે કોર્ટને ખાતરી આપી હતી કે મેડિકલ સ્ટુડન્ટને સંરક્ષણ અપાશેે જેથી તે પરીક્ષા માટે જઈ શકે.