ઘોંઘાટ ગણેશોત્સવમાં હાનિકારક હોય તો ઈદના ઝુલુસમાં પણ એવું જ હોયઃ હાઈકોર્ટ
લેઝર લાઈટ હાનિકારક હોવાના પુરાવા વિના પ્રતિબંધનો ઈનકાર
ગણેશોત્સવ વખત ડેસિબલ લિમિટ જાળવવા જારી થયેલા આદેશમાં જાહેર ઉત્સવનો ઉલ્લેખ છે, એટલે ઈદ માટે અલગ આદેશની જરુર નથી
મુંબઈ : નિયત મર્યાદા કરતાં વધુ માત્રામાં ઘોંઘાટ ફેલાવતા લાઉડ સ્પીકર અને સાઉન્ડ સિસ્ટમનો ઘોંઘાટ જો ગણેશોત્સવ વખતે હાનિકારક હોય તો પછી ઈદના ઝુલુસ વખતે પણ તે હાનિકારક જ હોય આથી આવા ઘોંઘાટ સામેના આદેશમાં અલગથી ઈદનો ઉલ્લેખ કરવાની જરુર નથી એમ બોમ્બે હાઈકોર્ટે બુધવારે જણાવ્યું હતું.
ઈદે મિલાદ ઉન નબી સરઘસ દરમ્યાન ડીજે, ડાન્સ અને લેઝર લાઈટ્સના વપરાશ પર બંધી લાદવાની દાદ માગતી જનહિત અરજીઓની સુનાવણીમાં મુખ્ય ન્યાયમૂર્તિ ઉપાધ્યાય અને ન્યા. બોરકરની બેન્ચે ઉક્ત નોંધ કરી હતી.
પાલિકા અને પોલીસને આવા ઘોંઘાટીયા સાઉન્ડ સિસ્ટમના ઉપયોગની પરવાનગી નહીં આપવાનો નિર્દેશ આપવા હાઈકોર્ટને અરજીમાં વિનંતી કરાઈ હતી.કુરાન કે હદિતમાં ક્યાંય ઉજવણી માટે ડીજે સિસ્ટમ કે લેઝર લાઈટનો વપરાશનું સૂચવવાયું નથી, એમ અરજીમાં જણાવાયું હતું.
કોર્ટે ગયા મહિને ગણેશોત્સવ પૂર્વે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ કાયદા હેઠળ મર્યાદાથી વધુ અવાજ કરતા સાઉન્ડ સિસ્ટમ પર બંધી લાદતા આદેશનો ઉલ્લેખ કર્યો હતો.
અરજદારે જણાવ્યું હતું કે કોર્ટના આ આદેશમાં ઈદના ઝુલુસનો પણ ઉમેરો કરવો જોઈએ. જોકે, અદાલતે કહ્યું હતું કે એ આદેશમાં જાહેર ઉત્સવ એવો ઉલ્લેખ છે. આથી ઈદનો અલગ ખાસ ઉલ્લેખ કરવાની જરુર નથી . જે ઘોંઘાટ ગણેશોત્સવમાં હાનિકારક હોય તે ઈદના ઝુલુસમાં પણ હાનિકારક જ હશે એમ જણાવી ે કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.
જોકે, કોર્ટે લેઝર લાઈટ્સના વપરાશ પર પ્રતિબંધનો તત્કાળ આદેશ આપવાનો ઈનકાર કર્યો હતો. અદાલતે કહ્યું હતું કે જ્યાં સુધી તે માનવો માટે હાનિકારક છે તેવો પુરાવો ન મળે ત્યાં સુધી આવો આદેશ કેમ આપી શકાય ? શું તમે આ બાબતે કોઈ સંશોધન કર્યું છે ? અસરકારક આદેશ માટે અરજદારે કોર્ટને સહાયતા કરવી જોઈએ અમે નિષ્ણાત નથી. અમને લેઝરનો લ પણ ખબર નથી. તમારી આ સમસ્યા છે અરજી કરવા પહેલાં સંશોધન કરો એમ કોર્ટે કહ્યું હતું.