4 દિવસમાં મુંબઈમાં હવાની ગુણવત્તા ન સુધરે તો બાંધકામ બંધ કરાવશું : હાઈકોર્ટ

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
4 દિવસમાં મુંબઈમાં હવાની ગુણવત્તા ન સુધરે તો બાંધકામ બંધ કરાવશું : હાઈકોર્ટ 1 - image


વાયુ પ્રદૂષણ અંગેની અરજીની સુનાવણીમાં કડક નિર્દેશ 

વિકાસ કરતાં લોકોના જીવ વધુ મહત્ત્વના હોવાની નોંધ, આ છેલ્લી તક આપીએ છીએ, થોડા દિવસ બાંધકામો નહીં થાય તો આભ તૂટી પડવાનું નથી

મુંબઈ :  દિવાળી નિમિત્તે હવાની ગુણવત્તા સારી રાખવા માટે હાઈ કોર્ટે આજે આક્રમક ભૂમિકા લીધી છે. વિકાસકામ કરતાં લોકોના જીવ મહત્ત્વના છે, થોડા દિવસ બાંધકામ બંધ રહેશે તો આભ ફાટશે શું? એવો સવાલ હાઈકોર્ટે સુનાવણી દરમ્યાન કર્યો હતો. મુંબઈ મહાપાલિકાએ વિનંતી કર્યા બાદ હાઈ કોર્ટે ચાર દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. ચાર દિવસમાં હવાની ગુણવત્તામાં સુધારો નહીં થાય તો બાંધકામ પર બંધી લાદવાનો નિર્ણય લેવાશે એમ હાઈકોર્ટ સ્પષ્ટ કર્યું છે.

બાંધકામ પરની બંધી બાબતે પ્રશાસને છેલ્લી તક આપવામાં આવી હોવાનું કોર્ટે જણાવ્યું હતું. આવતા શુક્રવાર સુધી હવાનો ગુણવત્તા નિર્દેશાંક  (એક્યુઆઈ) સુધરશે નહીં તો દિવાળીના ચાર દિવસ બંધી લાગુ કરવામાં આવશે એમ કોર્ટે જણાવ્યું છે. બાંધકામના કાટમાળ લઈ જતા વાહનો તાડપત્રીથી ઢાંકેલા હોવાનું બંધનકારક છે.

મુંબઈમાં હવાના  પ્રદૂષણ બાબતની અરજી પર આજે સુનાવણી થઈ હતી. દિવસે દિવસે હવાની ગુણવત્તા ખરાબ થતી હોવાનું જણાવીને અરજી કરાઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને કોર્ટે સ્વેચ્છાએ દખલ લીધી હતી. કોર્ટે આ બાબતે વરિષ્ઠ કાયદાવિદ દારિયસ ખંબાતાને કોર્ટમિત્ર તરીકે નિયુક્ત કર્યા છે.

મુંબઈમાં હવાની ઉતરતી ગુણવત્તા લોકોના જીવનમરણનો પ્રશ્ન બની છે. આજે કોઈ ઉપાય નહીં કરાય તો ભાવિ પેઢીએ મોટી કિંમત ચુકવવી પડશે, એવી ચિંતા કોર્ટ મિત્ર ખંબાતાએ કરી હતી. વધી રહેલા બાંધકામ અને હરિયાળીની ઉણપ મુખ્ય કારણ હોવાનું જણાવાયું છે.

હવાની ગુણવત્તા સુધારવાનો એક્શન પ્લાન તૈયાર કરીને તેની તાત્કાલિક અમલબજાવણી જરૃરી છે. આ કોઈ એકની જવાબદારી નથી. સર્વ પ્રશાસકીય યંત્રણાએ એક થઈને આ બાબતે કામ કરવું જોઈશે. માત્ર મહાપાલિકા સુધી મર્યાદિત નથી, અન્ય પાલિકાઓની જવાબદારી પણ છે એવી સૂચના  મુખ્ય ન્યાયમૂર્તિએ એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફને આપી હતી.



Google NewsGoogle News