Get The App

પ્રચારનો થાક ઉતારવા વતન આવ્યો હતો, ભાજપના સીએમને મારો પૂરો ટેકોઃ શિંદે

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
પ્રચારનો થાક ઉતારવા વતન આવ્યો હતો, ભાજપના સીએમને મારો પૂરો ટેકોઃ શિંદે 1 - image


- ગૃહ ખાતાં, પુત્રને ડેસીએમ પદ અંગે ચર્ચા ચાલે છે

- હું અનેક વખત વતન આવતોજતો રહું છું, તેમાં જાતભાતના તુક્કા કે આટલી હોહા મચાવવાની જરુર નથી

મુંબઈ : મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન કોને બનાવવા એ નિર્ણય ભારતીય જનતા પક્ષ તરફથી જ લેવામાં આવશે અને એ  નિર્ણયને શિરોમાન્ય ગણી હું પૂરેપૂરો ટેકો આપીશ એમ રાજ્યના કેરટેકર મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મહાયુતીના ઘટકપક્ષો વચ્ચે મતભેદની અટકળોનો છેદ ઉડાડતા જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે શિવસેનાને ગૃહ ખાતું મળે કે શ્રીકાંત શિંદેને ડેપ્યુટી સીએમ બનાવાય તે અંગે સાથી પક્ષો સાથે ચર્ચા ચાલી રહી છે. 

શિંદે અચાનક નારાજ થઈને સાતારા જિલ્લામાં આવેલા પોતાના દરે ગામે જતા રહ્યાં અને ત્યાં ગઈકાલે માંદા પડી ગયા એવાં વહેતા સમાચાર વચ્ચે તેમણે આજે પત્રકારો સાથેની વાતચીતમાં મહાયુતીમાં મતભેદ ઉભો થયો ન હોવાની વાતનો પુનરોચ્ચાર કરતા કહ્યું હતું ક નવી સરકારની રચના બાબત ચર્ચા- વિચારણા ચાલી રહી છે. મહાયુતીના ત્રણેય ઘટકપક્ષોની સહમતીથી નિર્ણય લેવામાં આવશે.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદ વિશે મેં ગયા અઠવાડિયે જ મારું  મંતવ્ય આપી દીધા છતાં હું જ્યારે મારા ગામ આવ્યો ત્યારે પણ જાતજાતની અટકળો થઈ રહી છે અને તુક્કા લડાવવામાં આવી રહ્યાં છે. વતનની મુલાકાતને મામલે શા માટે ગુંચવાડો ઉભો કરવામાં આવી રહ્યો છે એજ મને સમજાતું નથી. હું નિયમિત રીતે દરે ગામ આવતો જ રહું છું. તેમણે કહ્યું હતું કે સતત ચૂંટણી પ્રચાર બાદ તેઓ થાકી ગયા હતા અને તેથી આરામ કરવા અહીં આવ્યા હતા. 

મહારાષ્ટ્રના કેરટેકર સી.એમ. શિંદે શુક્રવારે પોતાને ગામ પહોંચી ગયા ત્યારે એવી વાત વહેતી કરવામાં આવી હતી કે મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના માટે સાકાર લઈ રહેલી પરિસ્થિતિથી નારાજ થઈ શિંદે પોતાને ગામ ચાલ્યા ગયા છે. જોકે તેમના એક સાથીએ જણાવ્યું હતું કે શિંદે ગામમાં પહોંચ્યા પછી બીમાર પડી ગયા હતા. રવિવારે સાંજે તેઓ મુંબઈ પાછા ફરશે.

મહાયુતી સરકારની શપથવિધિ પાંચમી ડિસેમ્બરે યોજાશે અને આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે એવી શક્યતા છે એમ ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ગઈકાલે જ જાહેર કર્યું હતું.

દરમ્યાન સીએમ પદની રેસમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસનું નામ મોખરે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશની જેમ છેલ્લી ઘડીએ કોઈ અજાણ્યા ચહેરાને ગોઠવીને સનસનાટીપૂર્ણ સરપ્રાઈઝ આપવામાં નહીં આવે તો ફડણવીસ તખ્તનશીન થશે એવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.

નવી સરકારમાં એકનાથ શિંદેના સાંસદપુત્ર ડો. શ્રીકાંત શિંદેને નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. આ વિશે મસલત ચાલી રહી હોવાનું શિંદેએ કહ્યું હતું.

ભાજપને હજી વિધાનસભા પક્ષના નેતાની જાહેરાત નથી કરી. અમે રાજ્યની જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરશું. મહાયુતીમાં કોઈ મતભેદ કે મનભેદ નથી. અમે રાજ્યની પ્રજાના હિતમાં જ નિર્ણય લેશું. આનાથી વધુ હવે ફરીથી મારો મત સ્પષ્ટ કરવાની જરૃર નથી એમ શિંદેએ જણાવ્યું હતું.


Google NewsGoogle News