મલાડમાં પતિએ પડોશી યુવતી પર બળાત્કાર ગુજાર્યો, પત્નીએ વીડિયો બનાવ્યો

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
મલાડમાં પતિએ પડોશી યુવતી પર બળાત્કાર ગુજાર્યો, પત્નીએ વીડિયો બનાવ્યો 1 - image


પત્નીની ધરપકડ, પતિ રફુચક્કર થઈ ગયો

માલવણીની ઈવેન્ટ મેનેજર યુવતીને ઘેનની દવા પીવડાવી દીધી, બાદમાં વીડિયો મગાવી પૈસા માગી બ્લેકમેઈલિંગ

મુંબઇ :  મલાડના માલવણીમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં પાડોશમાં રહેતી એક ૨૨ વર્ષની પરિચિત યુવતીને ઘરે બોલાવી ઘેનયુક્ત પીણું આપી તેના પર બળાત્કાર ગુજારવાની ઘટના બની હતી. આ ઘટનામાં પતિએ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો, જ્યારે પત્નીએ આ સમગ્ર ઘટનાનું રેકોર્ડિંગ કરી પીડિતાને બ્લેકમેલ કરી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પીડિતાએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ૩૬ વર્ષની બ્યુટિશિયન મહિલાની ધરપકડ કરી હતી. જ્યારે રફુચક્કર થઈ ગયેલા તેના પતિને પકડી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે.

આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર ફરિયાદી અને આરોપી બન્ને મલાડના માલવણી વિસ્તારમાં રહે છે અને બન્ને પાડોશી હોઈ એકબીજાને સારી રીતે ઓળખે છે. રવિવારે પતિ-પત્ની બન્નેએ મળી ૨૨ વર્ષની ઇવેન્ટ મેનેજર એવી પીડિતાને પોતાના ઘરે આમંત્રિત કરી હતી. એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ બન્ને એકબીજાને સારી રીતે ઓળખતા હોવાથી અને બન્ને વચ્ચે મિત્રતા હોવાથી યુવતી નિઃસંકોચ દંપત્તિના ઘરે મળવા ગઈ હતી.

આ સમયે ૩૬ વર્ષીય મહિલાએ યુવતીને કોલ્ડડ્રિન્ક આપ્યું હતું. આ ડ્રિન્કમાં બેહોશીની દવા ભેળવવામાં આવી હોવાથી થોડી જ મિનિટોમાં યુવતી ઘેનમાં સરી પડી હતી. આ ઘટના બાદ મહિલાના પતિએ કથિત રીતે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેની પત્નીએ આ સમગ્ર ઘટનાનું વિડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું.

આ ઘટના બાદ દંપત્તિએ કથિત બળાત્કારની વિડિયો દેખાડીને પીડિતાને બ્લેકમેલ કરવાનું શરૃ કર્યું હતું અને ૧૦ હજારની રકમ માગી હતી. જો પીડિતા આ રકમ નહીં આપે તો આ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ઘટનાથી હેબતાઈ ગયેલી પીડિતાએ તેના પરિવારજનોને વિશ્વાસમાં લઈ સમગ્ર ઘટનાની જાણ કરતા તેમણે પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપતા પીડિતાએ માલવણી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી ૩૬ વર્ષીય પાડોશી બ્યુટિશિયન મહિલાની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ મહિલાનો પતિ ફરાર થઈ જતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસે દંપત્તિ સામે આઇપીસીની કલમ ૩૭૬ (બળાત્કાર) ૩૨૮ (ગુનો આચરવાના આશયથી પ્રાણઘાતક પ્રવાહી આપવું), ૩૮૫ (ખંડણીની ધમકી), ૩૨૩ (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી), ૫૦૬ (ગુનાહિત ધાકધમકી), ૩૪ (સમાન ઇરાદો) હેઠળ ગુનો નોંધી આ પ્રકરણ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ આ કેસમાં આઇટી એક્ટ સહિત પીડિતાએ ખંડણીન આપતા તેને ફટકારવા બાબતની કલમ ઉમેરવાનું વિચારાધીન છે.



Google NewsGoogle News