સાથે જમવાનો ઈનકાર કરતાં પત્નીની મારપીટના કેસમાં પતિને 7 વર્ષની કેદ
પતિએ મારપીટ કરીને દીવાલ સાથે માથું અફાળતાં મોત
કોર્ટે હત્યાના આરોપમાંથી મુક્ત કરીને સદોષ મનુષ્યવધ હેઠળ કસૂરવાર ઠેરવ્યો
મુંબઈ : પત્નીના મૃત્યુ બદલ સેશન્સ કોર્ટે પતિને સાત વર્ષની સજા ફટકારી છે. સાથે બિરિયાની ખાવાનો ઈનકાર કરતાં પતિએ ડિસેમ્બર ૨૦૧૯માં પત્નીને મારપીટ કરી હતી. શરૃઆતમાં હત્યાનો આરોપ લગાવાયો હતો બાદમાં કોર્ટે આરોપ ઘટાડીને સદોષ મનુષ્યવધ કર્યો હતો.
ભોઈવાડા પોલીસમાં ૨૦ ડિસેમ્બર ૨૦૧૯ના નોંધાયેલા કેસ અનુસાર આરોપી અજય અડસૂળ અને તેની પત્ની સવિતા પરેલમાં મહાલક્ષ્મી ઈમારતમાં સોસાયટીના ફંક્શનમાં હાજરી આપીને ઘરે આવ્યા હતા. ઘરે આવીને અજયે પત્ની સવિતાને સાથે ભોજન લેવા જણાવ્યું હતું પણ સવિતાએ ઈનકાર કરતાં તેની મારપીટ કરી હતી અને દીવાલ સાથે માથું અફાળ્યું હતું જેને લીધેતે બેભાન થઈ ગઈ હતી. અજય તેને હોસ્પિટલમાં લઈ ગયો હતો અને બાથરૃમમાં પડી ગયાનું જણાવ્યું હતું તેને એકથી વધુ ઈજા થતાં હોસ્પિટલે પોલીસને જાણ કરી હતી. સવિતાને અવાતાંની સાથે મૃત ઘોષિત કરાઈ હતી અને અજયની માતાએ પોલીસને જણાવ્યું હતું કે અજયે તેને મારપીટ કરી હતી. આથી પોલીસે અજયની ધરપકડ કરી હતી.
સરકારી પક્ષે ૧૫ સાક્ષી તપાસ્યા હતા જોકે કોર્ટે તેને હત્યાના આરોપમાંથી મુક્ત ક્યો હતો અને નોંધ્યું હતું કે અજયે કોઈ હથિયાર વાપર્યું નથી અને પત્નીને મારી નાખવાનો ઈરાદો નહોતો. ઓચિંતા ઝઘડાનું પરિણામ હતું. કોર્ટે તેને સદોષ મનુષ્ય વધની કલમ હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો.