દહિસરમાં પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ ઘરમાં ગળેફાંસો ખાધો
પોલીસને મૃતક પાસેથી તેની ડાયરી મળી આવી
સસરાની માલિકીનું ઘર પોતાના નામે કરવા પતિને પજવતી રહેતી હતી
મુંબઈ - દહિસર પૂર્વના રાવલપાડા વિસ્તારમાં પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને આ મામલે મૃતક પાસેથી તેની ડાયરી મળી આવી હતી. પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
દહિસર પૂર્વના રાવલપાડા વિસ્તારમાં સ્નેહસદન ચાલીમાં રહેતા ૪૨ વર્ષીય સુશીલ મ્હામુલકરે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ પોલીસે આ મામલે પંચનામુ કરીને તપાસ કરતા તેમને સુશીલની ડાયરી મળી આવી હતી.
આ ડાયરીમાં સુશીલે પોતાની પત્ની દ્વારા માનસિક, આર્થિક અને શારીરિક ત્રાસને કારણે આત્મહત્યા કરી હોવાનું ઉલ્લેખ કર્યો હતો. આ બાદ સુશીલના પિતા ખંડેરાવે આ મામલે તેની પુત્રવધુ ૪૮ વર્ષીય વૈશાલી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, વૈશાલી નાની નાની બાબતે સુશીલ સાથે ઝઘડો કરતી હતી. તેની પાસે અવારનવાર પૈસાની માંગણી કરી રહેતી હતી. વધુમાં સુશીલ તેની પાસે પૈસાનો હિસાબ માંગતો તો તેની સાથે દુર્વ્યવહાર પણ કરતી હતી.
વૈશાલી સુશીલને તેના પિતાના માલિકીનું મકાન પોતાના નામે ટ્રાન્સફર કરવા માટે પણ પજવણી કરતી હતી. ઓક્ટોબરમાં વૈશાલી સુશીલ સાથે દલીલ કર્યા બાદ તેની માતાના ઘરે ચાલી ગઈ હતી. આ બાદ સુશીલે તેને પરત ઘરે લાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, વૈશાલીને ના પાડી દીધી હતી. તેથી વૈશાલીના સતત ત્રાસથી કંટાળીને આખરે સુશીલે આ આત્યંતિક પગલુ ભર્યું હતું.
ફરિયાદના આધારે પોલીસે આ મામલે વૈશાલી સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.