પત્નીનું મંગળસૂત્ર આંચકી ભાગતા તસ્કરને પકડવા જતાં પતિનું મોત
અકોલા રેલવે સ્ટેશન પાસે હચમચાવનારી ઘટના
પતિની પક્કડમાંથી છૂટવા ચોરે માથા પર પથ્થરના અનેક ઘા મારતાં લોહીલુહાણ થઈને ઢળી પડેલા પતિનું મોત
મુંબઇ - પત્નીનું મંગળસૂત્ર ખેંચી ભાગી છૂટેલા એક ચોરનો પીછો કરવા જતાં પતિએ જીવ ગુમાવ્યો હોવાની કરુણ ઘટના અકોલામાં બની હતી. ચોરે પકડાઇ ગયા બાદ આ વ્યક્તિ પર જીવલેણ હુમલો કરી દીધા બાદ ગંભીર ઇજાઓને પરીણામે આ વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી ચોરને ૨૪ કલાકમાં ઝડપી લીધો હતો.
ગાવડે દંપતિ બે દિવસ પહેલા અકોલાના સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા હતા. ટ્રેનમાંથી ઉતરી બહાર આવતી વખતે એક અજાણ્યા ચોરે હેમંત ગાવડેની પત્નીના ગળામાંથી મંગળસૂત્ર ખેંચી લીધું હતું. હેમંત સામે જ આ ઘટના બનતા હેમંતે તરત જ ચોરનો પીછો કર્યો હતો ચોરનો ફિલ્મી ઢબે પીછો ચાલી રહ્યો હતો ત્યારે આ લોકો સ્ટેશન પરિસરથી ૭૦૦-૮૦૦ મીટર દૂર આવી ગયા હતા. દરમિયાન હેમંતે ચોરને પકડી લીધો હતો. આ દરમિયાન હેમંતની પાસે પકડમાંથી છૂટવા માગતા ચોરે પડેલા પથ્થરથી હેમંત પર હુમલો કરી દીધો હતો.
પથ્થરના મારથી હેમંતને તમ્મર આવી ગયા બાદ તેણે હેમંત પર સતત હુમલો કર્યો હતો. ચોર હેમંતના માથા અને મોઢા પર પથ્થરથી ગંભીર હુમલો કર્યો હતો અને ફરાર થઇ ગયો હતો.
આ ઘટના બાદ લોહીના ખાબોચીયામાં પડેલા ગંભીર ઇજાગ્રસ્ત હેમંતને અકોલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન ગંભીર ઇજાને લીધે હેમંતનું મોત થયું હતું. આ ઘટનાને લીધે ભારે ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને ૨૪ કલાકમાં ઝડપી લીધો હતો. પરમાર નામનો આ આરોપી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ પ્રકરણે આગળની કાર્યવાહી હાથ ધરી છે.