પતિ માતા માટે પૈસા અને સમય ફાળવે તે પત્ની પર ક્રુરતા ન ગણાયઃ કોર્ટ
ઘરેલુ હિંસા કાયદા હેઠળ ભરણપોષણ માગતી અરજી ફગાવી
પતિ માતાની સારવાર માટે પૈસા મોકલતો હતો, આંખના ઓપરેશનનો ખર્ચ પણ આપ્યો હતો, વિખવાદથી કંટાળી બે વખત સ્યુસાઈડનો પ્રયાસ કર્યો
મુંબઈ : મુંબઈની એક સ્થાનિક અદાલતે પતિ માતા માટે પૈસા ખર્ચે અને માતાને સમય આપે તેને પત્ની પર ક્રૂરતા આચરી હોવાનું ગણાય નહીં એમ જણાવી પ્રોટેક્શન ઓફ વિમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ પતિ અને તેના સંબંધીઓ સામે પગલાં ઈચ્છતી ૪૩ વર્ષની મહિલાની અરજી કોર્ટે ફગાવી હતી.
મંત્રાલયમાં આસિસ્ટંટ તરીકે કામ કરતી મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પતિ તેની માતાને વારંવાર આર્થિક સહાય કરે છે અને સમય આપે છે જેને લીધે તેમના લગ્નજીવનમાં વિખવાદ થાય છે. મેજિસ્ટ્રેટે શરૃઆતમાં ૨૦૧૫માં ફરિયાદ ફગાવી દીધી હતી.
પત્નીએ દાવો કર્યો હતો કે તેને લગ્ન પહેલાં સાસુની માનસિક હાલત વિશે જાણ ન હતી. બાદમાં જાણ થતાં ે પરિવારમાં તણાવ વધ્યો હતો
જોકે, પત્નીના દાવા તથ્યહિન અને સચ્ચાઈ વિનાનાના ગણાવીને એડિશનલ સેશન્સ જજ આશિષ અયાચિતે જણાવ્યું હતું કે પતિ તેની માતાન સહાય કરે છે અને સાસરિયા તેને ખરાબ વ્યવહાર કરે છે એ બાબત ઘરેલુ હિંસા ગણાતી નથી એમ કહીને અપીલ ફગાવી હતી.
ઘરેલુ હિંસા કાયદા હેઠળ રાહત માગવા ઉપરાંત મહિલાએ હાલ પુખ્ત વયની પુત્રી માટે ભરણપોષણ અને વળતરનો દાવો કર્યો હતો. દંપતી ૧૯૯૩માં લગ્નગ્રંથિએ બંધાયું હતું અને ૨૦૧૪માં ક્રૂરતાને કારણે લગ્ન ભંગ થયા હતા. પતિએ લગ્ન ટકાવવા માટે વારંવાર પ્રયાસ કર્યા હતા. બે વખત તો તેણે સ્યુસાઈડનો પણ પ્રયાસ કર્યો હતો.
મહિલા દ્વારા ક્રૂરતાને લીધે પતિએ છૂટાછેડાનો કેસ કર્યો હતો. આથી ઘરેલુ હિંસાના આરોપને સમર્થનમાં પુરાવા નહોવાની નોંધ કરી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પતિ વિદેશમાં નોકરી કરતો હોવાથી ૧૯૯૩થી ૨૦૦૪ દરમ્યાન તેની માતાને દર વર્ષે રૃ. દસ હજાર મોકલતો અને ઉપરાંત આંખના ઓપરેશનનો ખર્ચ પણ કરતો હતો.
પતિએ દાવો કર્યો હતો કે પોતાના અનિવાસી બાહ્ય ખાતામાંથી કોઈ જાણ વિના પત્નીએ ૨૧.૬૮ લાખ ઉપાડીને એક ફ્લેટ ખરીદી લીધો હતો. તમામ પુરાવાની ઝીણવટભર્યો અભ્યાસ કરીને કોર્ટે જણાવ્યું હતું કે ફરિયાદી આરોપ સિદ્ધ કરી શકી નથી. છૂટાછેડા માટે મહિલાના પતિએ નોટિસ બજાવ્યા બાદ કાર્યવાહી શરૃ થઈ હોવાનું કોર્ટે નોંધ્યું હતું.મહિલાની પુત્રી અવિવાહિત છે અને આથી તે ભરણપોષણ માટે હક્કદાર નથી, એમ કોર્ટે જણાવ્યું હતું.