ઉચાપતનું આળ રાખી અપહરણ અને મારપીટ બાદ હોસ્ટેલ મેનેજરનો આપઘાત
નવી મુંબઈના હોસ્ટેલ મેનેજર પર 60 હજારની ઉચાપતની શંકા હતી
અપહરણ અને મારપીટથી લાગી આવતાં ગળેફાંસો ખાધોઃ યુવકની માતાની ફરિયાદના આધારે હોસ્ટેલ સંચાલકની ધરપકડ
મુંબઇ : નવી મુંબઇમાં પેઇંગ ગેસ્ટ માટેની એક હોસ્ટેલના મેનેજરે તેના નવી મુંબઇના નિવાસ સ્થાને કથિત રીતે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર સોમવારે સવારે ઉલવેની હોસ્ટેલનો ૨૬ વર્ષનો મેનેજર ખારઘરના તેના નિવાસ સ્થાને ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા બાદ પોલીસે ૩૨ વર્ષના હોસ્ટેલ સંચાલકની પીડિતનું અપહરણ કરી અને આત્મહત્યા માટે પ્રેરિત કરવાના આરોપસર ધરપકડ કરી છે. આરોપી હોસ્ટેલ સંચાલકને એવી શંકા હતી કે મૃતકે હોસ્ટેલના ફંડમાંથી ૬૦ હજાપ રૃપિયાની ઉચાપત કરી હતી.
આ સંદર્ભે એનઆરઆઇ સાગરી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર સુભાષ શેલારે જણાવ્યું હતું કે આરોપીએ પોલીસની પૂછપરછમાં એવો પણ દાવો કર્યો હતો કે મૃત મેનેજરે હોસ્ટેલના એક ગ્રાહક પાસેથી તેના રહેવાના ચાર્જ ઉપરાંત રૃા.૫,૫૦૦/- વધુ વસૂલ્યા હતા.
આ વાતની જાણ થયા બાદ રવિવારે આરોપીએ તેના અન્ય અમૂક સહકારીઓ સાથે મેનેજરનું કથિત અપહરણ કર્યું હતું અને તેને નવી મુંબઇના ઉલવે વિસ્તારથી ઉપાડી દિવલે વિલેજ પાસેના એક મંદિર નજીકના ફલેટમાં લઇ ગયા હતા. અહીં આ લોકોએ પીડિતની લોખંડના પાઇપથી કથિત મારપીટ કરી હતી.
આ ઘટના બાદ એક અધિકારીએ પીડિતની માતાને ટાંકીને જણાવ્યું હતું કે અપહરણ અને મારપીટની ઘટનાથી પીડિત હતાશ બની ગયો હતો જેના કારણે તેણે ગળેફાંસો ખાવા જેવું આત્યંતિક પગલું ભર્યું હતું. આ ઘટના બાદ પોલીસે મંગળવારે વહેલી સવારે આરોપીની ધરપકડ કરી તેની સામે આઇપીસીની કલમ ૩૦૬ (આત્મહત્યા માટે ઉશ્કેરણી), ૩૬૩ (અપહરણ) અને ૩૪ (સામન આશય) હોય ગુનો નોંધ્યો હતો. પોલીસ આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ કરી રહી છે.