Get The App

કાંદિવલીમાં ઘરમાં જ મેફેડ્રોન બનાવવાની 'લેબ': 2 યુવકની ધરપકડ

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
કાંદિવલીમાં ઘરમાં જ મેફેડ્રોન બનાવવાની 'લેબ': 2 યુવકની ધરપકડ 1 - image


મહારાષ્ટ્રમાં ડ્રગ ફેકટરી બાદ  હવે ડ્રગનો  ગૃહ ઉદ્યોગ

રૃ.1 કરોડનો મેફેડ્રોનનો જથ્થો જપ્તઃ  ઉચ્ચ શિક્ષિત આરોપીને 15 જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી

મુંબઈ :  મહારાષ્ટ્રમાં નાસિક, સોલાપુર અને અન્ય શહેરમાં તાજેતરમાં ડ્રગ બનાવતી અનેક ફેકટરી પર દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે કાંદિવલીમાં ગીચ વસતિ વચ્ચે એક ઘરમાં મેફેડ્રોન બનાવતી 'લેબોરેટરી'નો પોલીસે પર્દાફાશ કર્યો છે.

પોલીસે ઘરમાં દરોડા પાડી એક કરોડની કિંમતનું મેફેડ્રોન કબજે કર્યું હતું. આ ઉપરાંત મેફેડ્રોન બનાવવાનું કેમિકલ, મશીન અને અન્ય સામગ્રી મળી આવી હતી. આમ આ સંપૂર્ણ ઓપરેશન દરમિયાન રૃ.૧.૧૭ કરોડની માલમત્તા જપ્ત કરાઈ છે. આ રેકેટમાં સંડોવાયેલા બે યુવકની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી ઉચ્ચ શિક્ષિત હોવાનું કહેવાય છે.

હાલ મુંબઈમાં પોલીસ સ્ટેશનના અધિકારીઓ નશીલો પદાર્થની ખરીદી- વેચાણ કરતા આરોપીઓને પકડવા વિશેષ ઝુંબેશ હાથ ધરી છે.

માલવણી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર ચિમાજી આઢાવે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે 'પોલીસની ટીમે ગત પાંચ જાન્યુઆરીના અબરાર ઈબ્રાહિમ શેખ (ઉં.વ.૩૦)ને પકડીને તપાસ કરતા એક ગ્રામ મેફેડ્રોન અને ૧૦૦ થીનરની બોટલ મળી હતી. પોલીસે અબરારની ઝીણવટભરી પૂછપરછ કરી હતી. દરમિયાન તેણે આ ડ્રગ કાંદિવલી (પશ્ચિમ)માં રહેતા નુર આલમ મેહબુબ આલમ ચૌધરી (ઉં.વ.૨૪) પાસેથી મેળવ્યું હોવાનું કહ્યું હતું.

ત્યારબાદ કાંદિવલી (પશ્ચિમ)માં સંઘવી એસ્ટેટ, ચારકોપ ઈસ્લામ કમ્પાઉન્ડમાં સમતા વેલ્ફેર સોસાયટી, ગલ્લી નં. ૮, પહેલા  માળા પર રૃમ નં. ૭માં પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં આરોપી નુર આલમ ઘરમાં 'લેબ'માં મેફેડ્રોન બનાવતા મળી આવ્યો હતો.

ઘરમાંથી રૃ.એક કરોડની કિંમતનું ૫૦૩ ગ્રામ મેફેડ્રોન, રૃ.પાંચ લાખની કિંમતનું મેફેડ્રોન બનાવવાનું કેમીકલ, મશીન, અન્ય સમગ્રી સહિત રૃ.૧.૧૭ કરોડની માલમત્તા જપ્ત કરાઈ હતી.

આરોપી સામે એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને ૧૫ જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

 આરોપી નુર આલમ ઉચ્ચ શિક્ષિત છે. તે મેફેડ્રોન બનાવવાનું જાણતો હોવાનું કહેવાય છે. આરોપીઓ મેફેડ્રોન બનાવીને કોને વેચતા હતા અને ગુનામાં સંડોવાયેલી અન્ય વ્યક્તિની માહિતી પોલીસ મેળવી રહી છે.



Google NewsGoogle News