મહારાષ્ટ્ર મોડયૂલમાં આઈએસ સાથે હિઝબૂત તહેરીરની પણ સંડોવણી
મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં ખાના ખરાબીનો બદઈરાદો
હિઝબૂતનો ઘોરી ભારતમાં આઈએસનો હેન્ડલર, મહારાષ્ટ્રના શાહનવાઝ સાથે સંપર્કમાં હતો
મુંબઇ : દેશની ટોચની સુરક્ષા એજન્સીઓની તપાસ અને ચાંપતી દેખરેખમાં એવી ચોંકાવનારી વિગત બહાર આવી છે કે વૈશ્વિક આતંકી સંગઠન હિઝબુત-તહેરીર (એચયુટી) અને આઇએસઆઇએસ (ઇસ્લામિક સંગઠન) એ મહારાષ્ટ્ર સહિત દેશમાં ખાનાખરાબી સર્જ્વા ભારતના આતંકવાદી મોડયુલ સાથે હાથ મિલાવ્યા છે. ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં ટોચનું સ્થાન ધરાવતો મોહમ્મદ ફરહતુલ્લાહ ઘોરી જે એચયુટીનો પણ વહેવાર સંભાળે છે તેણે મહારાષ્ટ્ર આઇએસઆઇએસના આતંકી મોડયુલના શાહનવાઝ આલમ સાથે હાથ મિલાવ્યા અને આ લોકો કથિત રીતે સતત સંપર્કમાં હતા. આલમની તાજેતરમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે અન્ય બે વ્યક્તિ સાથે ધપકડ કરી હતી. ઘોરીને હવે ભારતના આઇએસઆઇએસના હેન્ડલર તરીકે જોવામાં આવી રહ્યો છે.
કેન્દ્રીય સુરક્ષા એજન્સીના સૂત્રોનુસાર આ ત્રણેયની પૂછપરછમાં આ ચોંકાવનારી વિગત બહાર આવી હતી કે હવે રાજ્ય અને દેશમાં આતંક ફેલાવવા હિઝબુત-તહેરીર અને આઇએસઆઇએસ જેવા આતંકી સંગઠનો પણ જોડાયા છે. પોતાને નામે ત્રણ લાખનું ઇનામ ધરાવતા આલમને આઇએસઆઇએસ સાથે જોડાઇ રહેવા ઘોરીએ ખૂબ મદદ કરી છે. આ ઉપરાંત આ તમામ આતંકી સંગઠનોને એક સાથે જોડી રાખવા માટે પાકિસ્તાનની કુખ્યાત આઇએસઆઇની મહત્વની ભૂમિકા છે. આઇએસઆઇએ આ તમામ આતંકી સંગઠનોને દેશમાં આતંક ફેલાવવા છૂટથી મદદ કરે છે.
તપાસ સંસ્થાઓએ આતંકીઓની અમૂક વાતચીત આંતરી છે જેમાં ઘોરી પ્રશ્નોના ઉશ્કેરણીજનક જવાબો આપે છે. એક વાતચીત દરમિયાન ઘોરી એવુ કહેતા સાંભળવા મળે છે કે એક જણે તેને પ્રશ્ન કર્યો હતો કે આતંકીઓ શા માટે સહેલાઇથી પકડાઇ જાય છે ? આ ઉપરાંત હવે આગળનો રસ્તો શું છે ? આ પ્રશ્નના જવાબમાં ઘોરી જણાવે છે કે ભારતની પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આપણે ધારીએ છીએ અને જે પ્રમાણે દાવા કરવામાં આવે છે તેવી સક્ષમ નથી. મારા મત મુજબ ભારતની પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દુનિયાની સૌથી બિનકાર્યક્ષમ અને નબળી છે. આપણે પકડાઇ જઇએ છીએ તેની પાછળ આપણી પોતાની જ ભૂલો છે. આપણે સોશિયલ મીડિયાને વોરઝોનમાં ફેરવી દીધુ છે. જ્યારે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ ફક્ત માહિતી મેળવવા જ કરવાનો છે.
એક વાર્તાલાપમાં ઘોરી એવું કહેતો સાંભળવા મળે છે કે આપણે શસ્ત્રોના તસ્કર અને અન્યોથી ખાસ બચવાની જરૃર છે કારણે કે આવા લોકો ડબલ એજન્ટ તરીકે કામ કરે છે. આ લોકો આપણી વિગતો પોલીસ અને સુરક્ષા એજન્સીઓને પૂરી પાડે છે. આ ઉપરાંત ઘોરી એવું પણ કહેતો સાંભળવા મળે છે કે જે વ્યક્તિએ જેલની સજા ભોગવી છે તેવી વ્યક્તિને ટેરર ઓપરેશનમાં સામેલ ન કરવા કારણકે આવા લોકો પર એજન્સીઓની ચાંપતી નજર હોય છે.