સાયન હોસ્પિટલ કેમ્પસમાં ફોરેન્સિકના હેડ દ્વારા જ હિટ એન્ડ રનઃ વૃદ્ધાનું મોત
અકસ્માત બાદ સ્થળ છોડી ભાગેલા સિનિયર ડોક્ટરની બીજા દિવસે ધરપકડ
હોસ્પિટલમાં ડ્રેસિંગ બાદ આવેલી વૃદ્ધાની ગેટ પાસેથી બેશુદ્ધ મળી હતીઃ અકસ્માતની વાત પોલીસથી છૂપાવાઈ પણ સીસીટીવી ચેક કરતાં ભાંડો ફૂટયો
મુંબઈ: સાયનની મુંબઈ મહાનગર પાલિકા સંચાલિત લોકમાન્ય ટિળક હોસ્પિટલમાં ફોરેન્સિક વિભાગના વડા ડોક્ટરે જ સર્જેલા અકસ્માતમાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. પોલીસે શુક્રવારે મોડી રાતે થયેલા આ અકસ્માતના સંદર્ભમાં ડોક્ટર રાજેશ સી. ડેરેની શનિવારે ધરપકડ કરી હતી.
હોસ્પિટલના ફોરેન્સિક એન્ડ ટોક્સિકોલોજી વિભાગના વડા ડો. રાજેશ ડેરે હોસ્પિટલ કેમ્સપમાં પૂરઝડપે કાર હંકારી રહ્યા હતા ત્યારે હોસ્પિટલના ગેટ નંબર સાત નજીક ઓપીડી બિલ્ડિંગ પાસે તેમણે રુબેદા શેખ નામની આશરે ૬૦ વર્ષની મહિલાને ટક્કર મારી હતી. ગંભીર ઈજાઓના કારણે આ વૃદ્ધાનું મોત નીપજ્યું હતું.
ડોક્ટર અકસ્માત સર્જ્યા બાદ વૃદ્ધાને સારવાર અપાવવાને બદલે સ્થળ છોડીને ભાગી ગયા હતા. પોલીસે સીસીટીવીફૂટેજ સ્કેન કરીને શોધી કાઢ્યું હતું કે ડો. ડેરેની કારે જ આ વૃદ્ધાને ટક્કર મારી હતી.
પોલીસને પ્રારંભમાં હોસ્પિટલ દ્વારા એટલી જ માહિતી મળી હતી કે ગેટ નંબર સાત પાસેથી એક વૃદ્ધા બેહોશ હાલતમાં મળી હતી. આ વૃદ્ધાને કોઈ એક્સીડેન્ટ થયો છે તે વાતની જાણ પોલીસને કરાઈ ન હતી. પોલીસે વૃદ્ધાનું મોત કઈ રીતે થયું તે જાણવા માટે સીસીટીવી ચેક કર્યાં હતાં અને તેમાં ખ્યાલ આવ્યો હતો કે વૃદ્ધાનું મોત કાર અકસ્માતમાં થયું હતું અને આ કાર હોસ્પિટલના જ ફોરેન્સિક વિભાગના વડા ડો. ડેરે ચલાવી રહ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર મુમ્બ્રાની આ વૃદ્ધા અગાઉ હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી. ગઈ તા. ૧૬મી મેએ જ તેને હોસ્પિટલમાંથી રજા મળી હતી. ત્યારબાદ તેને શુક્રવારે ડ્રેસિંગ માટે હોસ્પિટલ આવવા જણાવાયું હતું.
ડ્રેસિંગ બાદ રાતના ૧૧ વાગ્યાના સુમારે તે ઓપીડી વિભાગ નજીક ગેટ નંબર સાત પાસે ઊભી હતી ત્યારે ડોક્ટરની કાર દ્વારા તેેને ટક્કર વાગી હતી.
ડોક્ટર સામે આઈપીસીની કલમ ૩૦૪ (અ) મુજબ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.