હિંદુજા ગ્રુપ આવકવેરાના સાણસામાં, મુંબઈ સહિત દેશભરમાં સર્વે
જનરલ એન્ટી એવોઈડન્સ રુલ હેઠળ કરચોરીની તપાસ
ચેરમેન અશોક હિંદુજાને ત્યાં ઉપરાંત હિંદુજા ગ્લોબલ સોલ્યુશન્સ સહિતની ઓફિસો પર પણ તપાસ
મુંબઇ : આવકવેરા વિભાગે (ઇન્કમટેક્સ) આજે હિન્દુજા ગુ્રપ સાથે જોડાયેલી વિવિધ કંપનીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કરચોરીના કેસની તપાસનો એખ ભાગરૃપે મુંબઇ સહિત અન્ય શહેરોમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આઇટી વિભાગે જનરલ એન્ટી એવોઇડન્સ રૃલ્સ (જીએએઆર) હેઠળ કરચોરીની તપાસ સંદર્ભમાં આ સર્ચ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી હેઠળ કંપનીના ભારતના બિઝનેસના ચેરમેન અશોક હિન્દુજાને ત્યાં ઉપરાંત હિંદુજા ગ્લોબલ સોલ્યુશન્સની ઓફિસો પર પણ તપાસ હાથ ધરાઈ હતી.
કરચોરીની તપાસના સંદર્ભમાં આઇટી વિભાગને અમૂક વહેવારો સંદિગ્ધ લાગતા આ તપાસ હાથ ધરવામાં આવી હતી. આઇટી વિભાગના સર્વે ઓપરેશનના કાયદાનુસાર આ કાર્વાહી હેઠળ ફક્ત ઓફિસની જગ્યાઓને આવરી લેવામાં આવી હતી.
એક માહિતી અનુસાર ઈન્કમટેક્સ વિભાગ દ્વારા અલગ અલગ છ ટીમોની રચના કરવામાં આવી હતી અને તેમણે મુખ્યત્વે મુંબઈ ખાતે આવેલી ગૂ્રપની જુદી જુદી કંપનીઓની ઓફિસોમાં સર્વે હાથ ધર્યો હતો. મુંબઈ ઉપરાંત દેશનાં અન્ય શહેરોમાં પણ સર્વે કામગીરી હાથ ધરાયાનું કહેવાય છે.
જોકે, આ સર્વેમાં શું વિગતો મળી છે કે પછી કોઈ કરચોરી જણાઈ છે કે તે વિશે કશું જણાવવામાં આવ્યું નથી. હિંદુજા ગૂ્રપે પણ આ સર્વે વિશે કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી.
હિન્દુજા ગુ્રપ ઇન્ડસઇન્ડ બેંક, હિન્દુજા લેલેન્ડ ફાઇનાન્સ, હિન્દુજા બેંક (સ્વિટ્ઝર્લેન્ડ), અશોકત લેલેન્ડ, અશોક લેલેન્ડ ફાઉન્ડ્રીઝ (હિન્દુજા ફાઉન્ડ્રીઝ), સ્વિચ મોબિલીટી, પીડી હિન્દુજા નેશનલ હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટર, હિન્દુજા ટેક લિમિટેડ, એનએક્સટી ડિજિટલ લિમિટેડ અને હિન્દુજા રિયલ્ટી વેન્ચર્સની માલિકી ધરાવે છે.
૧૯૧૪માં પરમાનંદ દીપચંદ હિન્દુજા દ્વારા સ્થાપિત આ જૂથ ભારતમાં તેના મૂળ ધરાવે છે અને યુરોપ, એશિયા, મધ્ય પૂર્વ અને અમેરિકામાં સંખ્યાબંધ બિઝનેસમાં સક્રિય છે.