Get The App

હૈદરાબાદમાં હાઈ ડ્રામાઃ પુષ્પાના હિરો અલ્લુ અર્જુનને ધરપકડ બાદ જામીન

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
હૈદરાબાદમાં હાઈ ડ્રામાઃ પુષ્પાના હિરો અલ્લુ અર્જુનને ધરપકડ બાદ જામીન 1 - image


પોલીસ અલ્લુ અર્જુનના બંગલે પહોંચી ઉઠાવી ગઈ, ક્સ્ટડી અપાઈ

પુષ્પા ટૂના પ્રિમિયરમાં ભાગદોડમાં મહિલાના મોત માટે અલ્લુ સામે ગુનો નોંધાયો હતો, હાઈકોર્ટે કહ્યું એક્ટરને પણ  એક નાગરિક તરીકે જીવવાનો તથા મુક્ત રહેવાનો અધિકારઃ અલ્લુએ પોતાના બચાવમાં વડોદરામાં  યુવકના મોતમાં શાહરુખને મળેલી રાહતનો દાખલો આપ્યો

મુંબઈ :  બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહેલી અને રીલિઝના પહેલા જ અઠવાડિયામાં ૧૦૦૦ કરોડની કમાણીનો વિક્રમ સર્જનારા અલ્લુ અર્જુનની  હૈદરાબાદમાં ફિલ્મના પ્રિમિયર વખતે ભાગદોડ દરમિયાન એક મહિલાનું મોત થવાના કેસમાં  ધરપકડ કરાતાં કોઈ ફિલ્મ જેવો હાઈ પ્રોફાઈલ ક્રાઈમ ડ્રામા સર્જાયો હતો. હૈદરાબાદ પોલીસે આ ભાગદોડ માટે અલ્લુ અર્જુનને પણ જવાબદાર ગણી તેની સામે   કેસ નોંધ્યો હતો. અલ્લુ અર્જુને આ એફઆઈઆર રદ કરાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, આ અરજીની આજે સુનાવણી થાય તે પહેલાં જ હૈદરાબાદ પોલીસ અલ્લુ અર્જુનના ઘરે પહોંચી ગઈ હતી અને તેને પોલીસ મથકે લઈ આવીધરપકડ કરી હતી. એક તબક્કે અલ્લુ અર્જુનને સ્થાનિક કોર્ટે ૧૪ દિવસની અદાલતી ક્સ્ટડી પર   રાખવાનો હુકમ જારી કરી દેતાં દેશવિદેશના તેના ચાહકો આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે, એક  જ કલાકમાં હાઈકોર્ટે  અલ્લુ અર્જુનને એમ કહીને વચગાળાના જામીન આપ્યા હતા કે એક નાગરિક તરીકે એક્ટરને પણ મરજીથી જિંદગી જીવવાનો તથા મુક્ત રહેવાનો અધિકાર છે. 

ગઈ તા. ચોથી ડિસેમ્બરની રાતે હૈદરાબાદના  સંધ્યા થિયેટરમાં 'પુષ્પા ટૂ'નો પ્રિમિયર શો યોજાયો  હતો. આ શો વખતે અલ્લુ અર્જુન ત્યાં હાજરી આપવા પહોંચ્યો હતો. તેને નિહાળવા માટે ચાહકોની ભારે ભીડ જામી હતી. આ વખતે થયેલી ભાગદોડ અને ધમાચકડીમાં રેવતી નામની ૩૫ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે તેના આઠ વર્ષના પુત્રને ગૂંગળામણની ગંભીર અસર થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બાદમાં અલ્લુ અર્જુને આ ઘટના અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું અને પરિવારને પચ્ચીસ લાખનાં વળતરની પણ જાહેરાત કરાઈ હતી. 

જોકે, રેવતીના પતિએ આ મામલે થિયેટર સંચાલકો સામે બેદરકારીની ફરિયાદ નોધાવી હતી. ચિક્ડપલી પોલીસ મથકે નોંધાયેલી  આ ફરિયાદમાં અલ્લુ અર્જુનને પણસહ આરોપી ગણાવી તેની સામે સદોષ માનવવધનો કેસ નોંધ્યો હતો. પોલીસે આરોપ મૂક્યો હતો કે ફિલ્મની ટીમ કે થિયેટર સંચાલકો દ્વારા અલ્લુ અર્જુન થિયેટર પર આવવાનો છે તેની પૂર્વ જાણકારી અપાઈ ન હતી. આથી, પોલીસ અહીં પૂરતી વ્યવસ્થા ગોઠવી શકી ન હ તી જેના પરિણામે ભાગદોડ મચી હતી.  અલ્લુ અર્જુને આ કેસને રદ કરાવવા માટે તેલંગણા હાઈકોર્ટમાં ધા નાખી હતી. 

જોકે, હાઈકોર્ટ આ અંગે સુનાવણી કરે તે પહેલાં જ આજે  સવારે પોણા બાર વાગ્યે  ચિક્કડપલ્લી પોલીસ હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ ખાતેના અલ્લુ અર્જુનના નિવાસસ્થાને પહોંચી હતી અને તેની તત્કાળ ધરપકડ કરી હતી. તેને પોલીસ મથકે લઈ જવાયો હતો. બાદમાં તેનું ગાંધી હોસ્પિટલર ખાતે મેડિકલ ચેક અપ કરાવાયું હતું અન બપોરે સવા ત્રણ વાગ્યે  સ્થાનિક નેમપલ્લી કોર્ટમાં હાજર કરાયો હતો. કોર્ટે અલ્લુ અર્જુનને ૧૪ દિવસની  જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી. તે પછી અલ્લુ અર્જુનને ચંચલગુડા સેન્ટ્રલ જેલ ખાતે લઈ જવાયો હતો.  

આજે સાંજે અલ્લુ અર્જુનના વકીલે કોર્ટમાં એફઆઈઆર રદ કરવાની માગણી સાથે વચગાળાના જામીન આપવાની માગણી કરતી અરજી કરી હતી. તેમાં જણાવાયું હતું કે  સમગ્ર ઘટના થઈ તે બિનઈરાદાપૂર્વકનું કૃત્ય છે. એક્ટરને આ કેસમાં ખોટી રીતે ફસાવાયો છે. હાઈકોર્ટમાં સુનાવણી વખતે સરકારી વકીલ અને અલ્લુ અર્જુનના વકીલ વચ્ચે શાબ્દિક તડાફડી પણ થઈ હતી. 

સરકારી વકીલે કહ્યું હતું કે અલ્લુ અર્જુનની હાજરીના કારણે જ થિયેટર પર ભીડ બેકાબુ બની હતી. પોલીસે પહેલાં જ થિયેટર માલિકોને ચેતવણી આપી હતી કે સ્થિતિ કાબુ બહાર જઈ શકે છે. આ કેસ ગંભીર બેદરકારી અને  જાહેર સુરક્ષાનો છે અને તેથી આરોપીને જામીન મળવા જોઈએ નહીં. અલ્લુ અર્જુનને ખબર હતી કે તેની હાજરીના કારણે ભીડ જામી શકે છે. તેમ છતાં પણ તેણે પોલીસ  પરવાનગી વિના પ્રિમિયરમાં ભાગ લીધો હતો. પોલીસે અલ્લુ અર્જુનને પણ મંજૂરી વિના પ્રિમિયર યોજવાનં જોખમી હોવાની ચેતવણી આપી હતી. 

અલ્લુ અર્જુનના વકીલે દલીલ કરી હતી કે એક્ટર માત્ર ફિલ્મ જોવા આવ્યો હતો. તે પહેલા ફલોર પર હતો. જ્યારે ભાગદોડ નીચેના ભાગમાં લોઅર બાલ્કનીમાં થઈ હતી. પોલીસ તથા થિયેટર સંચાલકો બંનેને પહેલેથી અલ્લુ અર્જુનની હાજરીની જાણ હતી. તેમ છતાં પણ પૂરતી  વ્યવસ્થા ગોઠવાઈ ન હતી. 

અલ્લુના વકીલે ગુજરાતમાં શાહરુખ ખાનના 'રઈસ'ના પ્રમોશનના કેસને પણ ટાંક્યો હતો.૨૦૧૭માં  શાહરુખ ખાન ટ્રેન દ્વારા આવવાનો હોવાની વાત ફેલાતાં વડોદરા સ્ટેશને થયેલી ભાગદોડમાં એક યુવકનું મૃત્યુ થયું હતું. જોકે, આ કેસમા ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટે પણ શાહરુખ ખાનને રાહત આપી હતી. તે રીતે અલ્લુને પણ આ કેસમાં રાહત મળવી જોઈએ તેવી દલીલ તેમણે કરી હતી. તેમણે કહ્યું હતું કે અલ્લુ અર્જુને પોલીસની મંજૂરી માગી હતી અને તમામ ઔપચારિકતાઓ પણ પૂર્ણ કરી હતી. પરંતુ, માત્ર સનસનાટી સર્જવા માટે આકેસ બનાવાયો છે. 

હાઈકોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ અલ્લુ અર્જુનને ચાર સપ્તાહના વચગાળાના જામીન આપતાં કહ્યુ ંહતું કે શું અલ્લુ અર્જુન એક અભિનેતા છે એટલે તેમને જવાબદાર માનવા જોઈએ ? તેમણે કહ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૧૦૫ અને ૧૦૮ અનુસાર લગાડાયેલા આરોપોમાં પ્રથમદર્શી  તથ્ય જણાતું નથી. ન્યાયમૂર્તિ જુવ્વાદી શ્રીદેવીએ કહ્યું હતુ ંકે એક્ટરને પણ એક નાગરિક તરીકે મરજીની જિંદગી જીવવાનો તથા મુક્ત રહેવાનો બંધારણીય અધિકાર છે. અભિનેતા સીધી રીતે જવાબદાર હોય તેમ જણાતું નથી. આમાં બિનઈરાદાપૂર્વક રીતે મોત નીપજાવવાનો કેસ ેકેવી રીતે બની શકે ? અદાલતે એ પણ સ્પષ્ટ  કર્યું હતું કે આ કેસ પહેલાં જ લિસ્ટેડ થઈ ગયો હતો અને એટલે તેને કોઈ ખાસ અગ્રતા આપીને સુનાવણી કરવામાં આવી રહી નથી. અલ્લુ અર્જુનને ૫૦ હજારના જાતમુચરકા  પર જામીન અપાયા હતા. તેને તપાસમાં સહયોગ આપવા પણ જણાવાયું હતું. 

સરકારી વકીલે પૂછ્યું હતું કે શું અલ્લુ અર્જુને ચાર સપ્તાહ પછી આત્મસમર્પણ કરવાનું રહેશે તો ન્યાયમૂર્તિએ ત્યારે જોયું જશે તેવો જવાબ આપ્યો હતો. 

હાથરસમાં ૧૨૧ મોત છતાં બાબાની ધરપકડ કેમ નહિ ? અલ્લુના ચાહકોનો આક્રોશ

અલ્લુ અર્જુનની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર તેના ચાહકોનો આક્રોશનો દાવાનળ ફાટી નીકળ્યો હતો. સંખ્યાબંધ લોકોએ હાથરસની ભાગદોડની ઘટનાની યાદ અપાવતાં કહ્યું હતું કે હજુ ગત બીજી જુલાઈએ હાથરસમાં ભોલે બાબાના  સત્સંગ ટાણે થયેલી ભાગદોડમાં ૧૨૧ લોકોનાં મોત થયાં હતાં. ૧૫૦થી  વધુ ઘાયલ થયા હતા. છતાં આજ દિન સુધી પોલીસે ભોલે બાબાને આંગળી પણ અડાડી નથી. જ્યારે હૈદરાબાદમાં ભાગદોડમાં માત્ર એક મહિલાનું મોત નીપજ્યું છે. અહીં તો અલ્લુ અર્જુને કોઈને ભેગા થવા માટે આહ્વાન પણ આપ્યું ન હતું. આમ છતાં પણ તેની તત્કાળ ધરપકડ કરી લેવામાં આવી છે.  



Google NewsGoogle News