ચંદ્રાબાબુ નાયડુ સામે પોલીસને માર મારવાનો કેસ રદ કરવા હાઈકોર્ટનો ઈનકાર
નાંદેડમાં આંદોલન બાદ ધરપકડ વખતે ઘર્ષણ થયું હતું
આંદોલનના કેસમાં મુક્ત કરાયા પણ પોલીસ પર હુમલાનો કેસ યથાવતઃ પુરતા પૂરાવા હોવાનું અદાલતનું નિરીક્ષણ
મુંબઈ : મહારાષ્ટ્રમાં ૨૦૧૦માં પોલીસ કર્મચારીની કથિત મારપીટ કરવા બદલ આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ અને તેલુગુ દેશમ પક્ષ (ટીડીપી)ના નેતા નક્કા આનંદા બાબુ સામેનો કેસ રદ કરવાનો બોમ્બે હાઈ કોર્ટની ઔરંગાબાદ બેન્ચે ઈનકાર કર્યો છે.
કથિત ગુનામાં નાડુ અને બાબુ બંનેની સંડોવણી દર્શાવતી પુરતી સામગ્રી હોવામાં કોઈ શંકા નથી એમ કોર્ટે ૧૦ મેના ચુકાદામાં જણાવ્યું હતુંં.
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં ધર્માદાબાદ પોલીસે તેમની સામે નોંધેલી એફઆઈઆર રદ કરવા નાયડુ અને બાબુએ કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે.
સરકારી કર્મચારી સામે બળ પ્રયોગ કરીને મારપીટ કરવી તથા ઘાતક હથિયારથી ઈજા કરવી, અન્યોના જીવ જોખમમાં મૂકવા અને હેતુપૂર્વક અપમાન કરીને શાંતિનો ભંગ કરવાના આરોપો છે.
નાયડુએ બે રાજ્યો વચ્ચે યુદ્ધની ધમકી આપી હતી અને સાથી કેદીઓને ભડકાવ્યા હતા. સાક્ષીદારોએ ગુનામાં બંને અરજદારોની ભૂમિકા દર્શાવી છે અને તબીબી પ્રમાણપત્રમાં પણ પોલીસ અધિકારીઓને ઈજા થયાનું દર્શાવાયું છે. કોર્ટે બંનેની અરજી ફગાવી દીધી હતી પણ વચગાળાનું રક્ષણ આઠ જુલાઈ સુધી કાયમ રાખ્યું હતું.
જુલાઈ ૨૦૧૦માં નાયડુ અને બાબુ અને ૬૬ સહયોગીને પોલીસે વિરોધ અને આંદોલનના અન્ય કેસમાં પકડયા હતા. બંનેને અદાલતી કસ્ટડી અપાઈ હતી અને ધર્મદાબાદમાં સરકારી રેસ્ટ હાઉસમાં કામચલાઉ જેલમાં રખાયા હતા.
અદાલતી કસ્ટડી લંબાવવામાં અવાતાં મહારાષ્ટ્ર પ્રિઝન ડીઆઈજીએ તેમને ઔરંગાબાદ સેન્ટ્રલ જેલમાં ખસેડવાનો આદેશ અપાયો હતો. જોકે બંને જણે રેસ્ટ હાઉમાંથી જેલમાં ખસવાનો ઈનકાર કર્યો હતો અને તેલુગુ અને અંગ્રેજીમાં જેલ ઓથોરિટીને ગાળો ભાંડી હોવાનો આરોપ છે.
જેલરે તેમને એર કન્ડિશન્ડ બસમાં જવાની વિનંતી કરી હતી પણ તેમણે જો બસમાં ચડવાની ફરજ પાડવામાં આવશે તો બંને રાજ્યો વચ્ચે સંઘર્ષ થશે એમ જણાવ્યું હતું.
બંને સામે આરોપો એવા છે કતે તેમમે અન્ય આરોપીઓને ઉશ્કેર્યા હતા અને કેટલાંક પોલીસ અધિકારીઓની મારપીટ કરીને બળ પ્રયોગ કર્યો હતો. વધારાના દળો બોલાવીને બંનેને જેલમાં ખસેડવા પડયા હતા. આંદોલન સંબંધી કેસ પાછો ખેંચવામાં આવ્યો છે અને મેજિસ્ટ્રેટે તમામ આરોપીઓને તરત જ મુક્ત કર્યા હતા, પણ પોલીસ યંત્રણા તેમને મારપીટના કેસમાં સંડોવી રહી છે. કેસના આરોપો ઉપજાવી કાઢેલા હોવાની તેમના વકિલે દલીલ કરી હતી.
કોર્ટે જોકે દલીલો સ્વીકારવાનો ઈનકાર કરીને જણાવ્યું હતંં કે તેમની સામે જેલ કાયદા હેઠળ નહીં પણ સ્વાયત્ત કાયદા હેઠળ કેસ નોંધાયો છે.