2 ખાતાં વચ્ચે સંકલનના અભાવે દિવ્યાંગોનુંં પુનર્વસન અટકતાં હાઈકોર્ટ નારાજ
માનસિક રોગના દર્દીઓ સાજા થવા છતાં ગોંધાઈ રહ્યા
94 દિવ્યાંગ માટે સંયુક્ત બેઠક યોજવા તથા તેની રૃપરેખાનો અહેવાલ આગામી સુનાવણીમા રજૂ કરવા નિર્દેશ
મુંબઈ : બોમ્બે હાઈ કોર્ટે સ્ટેટ મેન્ટલ હેલ્થ ઓથોરિટી (એસએમએચએ)ના ચેરપર્સન અને પર્સન વિથ ડિસેબિલિટીઝ વેલફેર ડિપાર્ટમેન્ટ (પીડીડબ્લ્યુપી)ના પ્રધાન સચિવને નિર્દેશ આપીને સાજા થયેલા હોવા છતાં સંસ્થામાં ગોંધી રખાયેલા માનસિક દરદીઓનું પુનર્વસન કરવાના મુદ્દાને ઉકેલવા સંયુક્ત બેઠક લેવા જણાવ્યું છે. બંને ખાતા વચ્ચે સંકલનની પ્રક્રિયાની એકસૂત્રતા સધાવી જરૃરી હોવાનું કોર્ટે જણાવ્યું હતું.
સાજા થયા છતાં પરિવારે ત્યજી દેતાં હોસ્પિટલમાં સબડી રહેલા દરદીઓને મુદ્દે મનોત્ચિકિત્સક ડો. હરિશ શેટ્ટીએ કરેલી જનહિત અરજીના જવાબમાં કોર્ટે એક દાયકાથી વધુ સમયથી મેન્ટલ હોસ્પિટલમા ંરહેલા દરદીઓની અગ્રતા યાદી રજૂ કરવા જણાવીને ૯૪ દિવ્યાંગ વ્યક્તિઓ માટે એક્શન પ્લાન તૈયાર કરવાની કોર્ટે નિર્દેશ અપાયો હતો.
કોર્ટે બંને ખાતાને બેઠકના પરિણામ અને સંકલન કાર્યની રૃપરેખા આગામી સુનાવણીએ બીજી ફેબુ્રઆરી ૨૦૨૪ના રોજ રજૂ કરવા જણાવ્યું છે.સ્ટેટ મેન્ટલ હેલ્થ ઓથોરિટીના જણાવ્યા અનુસાર ૪૭૫ દરદીમાંથી ૨૬૩ દરદી રિવ્યુબોર્ડે રજા માટે પાત્ર ગણાવ્યા હતા. ૨૪ જણને તેમના પરિવાર સાથે મેળવી અપાયા હતા. ૨૩ જણ શારીરિક દિવ્યાંગ છે અને ૭૧ માનસિક રીતે પડકાર ધરાવે છે. દિવ્યાંગ વ્યક્તિના પુનર્વસન સંબંધી કમિશનરની ભૂમિકાની નોંધ લઈને કોર્ટે આઠ ડિસેમ્બર સુધીમાં ંદિવ્યાંગ દરદીઓ માટે ચોક્કસ પ્લાન તૈયાર કરવાની વિનંતી કરી હતી.
સંકલનના અભાવને લીધે પુનર્વસન નિષ્ફળ ગયાના દાખલા ટાંકીને કોર્ટના આદેશમાં બંને ખાતાના સંકલનની આવશ્યકતા પર ભાર મૂકાયો છે.